- ભોપાલ, ઇન્દોર, ગુના, ટીકમગઢ, મંદસૌર અને ખજુરાહો સહિતની બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોએ હરીફોના છોતરા ઉડાવ્યા
મધ્યપ્રદેશમાં ભાજપ છવાઈ ગયું છે રાજ્યની તમામ 29 લોકસભા સીટો પર ભાજપ આગળ છે. જ્યારે કમલનાથને હાર સ્વીકારીને પ્રજાનો ફેંસલો સર આખો ઉપર એવું નિવેદન આપ્યું છે. હાલના વલણોમાં, ભાજપ ભોપાલ, ઇન્દોર, ગુના, ટીકમગઢ, મંદસૌર અને ખજુરાહો સહિત તમામ 29 બેઠકો પર ભાજપ જોરમાં છે.
રાજ્યમાં મતગણતરી માટે 3883 ટેબલ લગાવવામાં આવ્યા હતા. જેમાં પોસ્ટલ બેલેટ માટે 242 ટેબલ લગાવવામાં આવ્યા હતા. પવઈ વિધાનસભામાં વધુમાં વધુ 24 રાઉન્ડ યોજાયા છે. દતિયામાં 12 રાઉન્ડમાં ઓછામાં ઓછી મતગણતરી થઈ છે. ભીંડમાં સૌથી વધુ 8349 પોસ્ટલ બેલેટ છે. જ્યારે દમોહમાં પોસ્ટલ બેલેટની સૌથી ઓછી સંખ્યા 2154 છે. સુરક્ષા માટે 10 હજાર જિલ્લા પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. 18 સેન્ટ્રલ ફોર્સની 45 એસએફ ટીમો તેમની સાથે તૈનાત છે.
પ્રથમ તબક્કામાં એટલે કે 19 એપ્રિલે રાજ્યના સીધી, શહડોલ, જબલપુર, મંડલા, છિંદવાડા અને બાલાઘાટમાં ચૂંટણી યોજાઈ હતી. બીજા તબક્કામાં એટલે કે 26મી એપ્રિલે ટીકમગઢ, દમોહ, ખજુરાહો, સતના, રીવા અને હોશંગાબાદમાં ચૂંટણી યોજાઈ હતી. ત્રીજા તબક્કામાં એટલે કે 7મી મેના રોજ મુરેના, ભિંડ, ગ્વાલિયર, ગુના, રાજગઢ, સાગર, વિદિશા, બેતુલ અને ભોપાલમાં ચૂંટણી યોજાઈ હતી. ચોથા તબક્કામાં એટલે કે 13 મેના રોજ દેવાસ, ઉજ્જૈન, મંદસૌર, રતલામ, ધાર, ખરગોન, ખંડવા અને ઈન્દોરમાં ચૂંટણી યોજાઈ હતી.
બીજી તરફ બપોરે દોઢ વાગ્યા સુધીમાં ઈન્દોરમાં બીજેપીના શંકર લાલવાણી 1019014થી વધુ વોટથી આગળ છે. વિદિશામાં શિવરાજ સિંહ ચૌહાણ 521176 મતોથી આગળ છે. ગુનામાં જ્યોતિરાદિત્ય સિંધિયા 410632 મતોથી આગળ છે. રાજગઢમાં બીજેપીના રોડમલ નગર 54933 વોટથી આગળ છે. ભોપાલમાં ભાજપના ઉમેદવાર આલોક શર્મા 152646 મતોથી આગળ છે. છિંદવાડામાં ભાજપના બંટી સાહુ 64097 મતોથી આગળ છે.
ઇન્દોરમાં નોટાએ સર્જ્યો રેકોર્ડ, લોકોએ કોંગ્રેસ માટે ખોબલે ખોબલે મત આપ્યા
ઈન્દોરના મતદારોએ ’નોટા’ બટન દબાવીને નવો રેકોર્ડ બનાવ્યો છે. મળતી માહિતી મુજબ, મતગણતરીમાં બપોરે 12:30 વાગ્યા સુધીમાં દોઢ લાખથી વધુ મત નોટાને ગયા છે. ઈન્દોર લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર શંકર લાલવાણી જંગી લીડ જાળવી રહ્યા છે. અહીં તેમનો મુખ્ય મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર સાથે હતો, પરંતુ તેઓ છેલ્લી ઘડીએ ભાજપમાં જોડાયા હતા. જેના કારણે ભાજપના ઉમેદવાર માટે જીતનો માર્ગ ખૂબ જ સરળ બની ગયો હતો. જેથી કોંગ્રેસે લોકોને નોટામાં મત આપવાની અપીલ કરી હતી. બીજી તરફ બસપાએ અહીંથી સંજય સોલંકીને ટિકિટ આપી હતી પરંતુ તેઓ ભાજપના ગઢ ઈન્દોરમાં કોઈ પડકાર ઉભો કરી શક્યા નથી.
બપોરે 12:30 વાગ્યા સુધીમાં ઈન્દોર લોકસભા સીટ પર લગભગ 10 લાખ મતોની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. ભાજપના ઉમેદવાર શંકર લાલવાણી 8 લાખ 60 હજાર મતોથી આગળ છે. બીએસપીના સંજય સોલંકી બીજા સ્થાને છે, તેમને લગભગ 37000 વોટ મળ્યા છે. આ વખતે ઈન્દોરે પણ નોટાને લઈને રેકોર્ડ બનાવ્યો છે. અત્યાર સુધીમાં નોટાને ઈન્દોરમાં એક લાખ 51 હજાર વોટ મળ્યા છે. દેશભરમાં કોઈપણ ચૂંટણીમાં નોટાને મળેલા મતોની આ સૌથી વધુ સંખ્યા છે. બપોરના 3.30 વાગ્યા સુધીમાં મતગણતરી પૂર્ણ થઈ જશે તેવી અપેક્ષા છે. ઈન્દોરમાં હજુ 5.50 લાખ મતોની ગણતરી બાકી છે.