ભાજપા સૈન્યનું મનોબળ વધારે છે ત્યારે કોંગ્રેસ સૈન્યનું મનોબળ તોડવાનો પ્રયાસ કરે છે : વાઘાણી

જમ્મુ કશ્મીરમાં સરકારને ટેકો પાછો ખેંચવામાં આવ્યો છે તે અંગે સંબોધન આપતાં પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, દેશના હિતના ભોગે ભાજપાએ ક્યારેય સમાધાન કર્યુ નથી અને ભવિષ્યમાં પણ નહી કરે. જમ્મુ કશ્મીરમાં અમારી ગઠબંધનની સરકાર હતી.

આતંકવાદને અટકાવવાનો સંપૂર્ણ પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવ્યો છે. જેહાદીઓને અટકાવવા, આતંકવાદીઓને નાથવા દેશના સૈન્યએ જે પ્રયાસ કર્યો છે તે અભિનંદનીય છે. પરંતુ આ પ્રયાસને અભિનંદન આપવાને બદલે વિરોધીઓ તેની ટીકા ટિપ્પણી કરે તે દેશના નાગરિકો જોઇ રહ્યા છે.

સૈન્યના પ્રયાસ થકી આતંકવાદીઓનો સફાયો કરવામાં સરકાર સફળ રહી છે. તો શા માટે વિરોધીઓના પેટમાં તેલ રેડાય છે ? તે સમજાતું નથી. કશ્મીરની સમસ્યા એ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂની દેન છે તે આખુ વિશ્વ જાણે છે.

કોંગ્રેસ માત્ર સત્તા માટે રાજનીતિ કરે છે. ભાજપાએ સૈનિકોને છુટ્ટો દોર આપ્યો છે અને સેના, પેરામીલેટરી ફોર્સ, જમ્મુ કશ્મીરની પોલીસે ધાટીમાં ખુબ જ સરાહનીય કામ કર્યુ છે. રાજ્યને આતંકવાદીઓ કોરી ખાતા હોય તેને બચાવવા માટે સૈન્યને છુટો દોર આપવામાં આવ્યો છે પરંતુ કોંગ્રેસને તેની પણ તકલીફ છે. કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને દેશભક્તિના પાઠ શીખવવાની જરૂર નથી. દેશભક્તિ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના રગેરગ અને રોમેરોમમાં છે.

ગઠબંધનને લઇને એક પ્રશ્નના જવાબમાં  વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ભાજપા માટે સત્તા એ સેવાનું સાધન છે. જ્યાં સુધી આતંકવાદી પ્રવૃત્તિઓ પર બ્રેક મારી શકાતી હતી ત્યાં સુધી અમે ગઠબંધનની સરકાર ચલાવી છે. પરંતુ હવે અમારી ઉપરવટ જવાના પ્રયાસો, દેશના અહિતના પ્રયાસો થયા તે માટે અમોએ સત્તાને ઠુકરાવવાનું વધુ યોગ્ય સમજ્યુ હતું.

જમ્મુ કશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓ પર જે બ્રેક લાગી છે તે ભાજપાના કારણે લાગી છે. સૈન્યને છુટો દોર, જરૂરપડ્યે તહેવારો દરમ્યાન સીઝફાયર, સર્જીકલ સ્ટ્રાઇક તેના ઉદાહરણ છે.

ભાજપાના કારણે સૈન્યનું મનોબળ ખૂબ વધ્યુ છે ત્યારે કોંગ્રેસે એલફેલ નિવેદનો આપીને સૈન્યનું મનોબળ તોડવાનો પ્રયાસ ન કરવો જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.