- સેન્સેક્સ અને નિફ્ટી ઉંધામાથે પટકાયા: તમામ સેક્ટરલ ઇન્ડેક્સ રેડ ઝોનમાં
લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ગત શનિવારે વિવિધ ન્યૂઝ ચેનલ અને સર્વે એજન્સી દ્વારા કરવામાં આવેલા એક્ઝિટ પોલમાં ભાજપ પ્રેરિત એનડીએ તોતીંગ બહુમતી સાથે કેન્દ્રમાં સતત ત્રીજી વખત સરકાર બનાવી રહ્યાના તારણો વ્યક્ત કરવામાં આવ્યા હોય ગઇકાલે શેરબજારમાં આગ ઝરતી તેજી જોવા મળી હતી. દરમિયાન મત ગણતરીમાં ભાજપની સરકાર ચોક્કસ બની રહી છે પરંતુ ધારણા મુજબ બેઠકો ન મળી રહ્યા હોવાના સંકેતો પ્રાપ્ત થતા શેરબજારમાં મંદીનો પવન ફૂંકાયો છે. સેન્સેક્સ અને નિફ્ટી ઉંધામાથે પટકાયા છે. આ ઉપરાંત સેક્ટરલ ઇન્ડેક્સમાં પણ કડાકા બોલી ગયા છે.
આજે સવારે મત ગણતરીના આરંભથી જ કોંગ્રેસ પ્રેરિત ઇન્ડિયા ગઠબંધન ભાજપ પ્રેરિત એનડીએ ગઠબંધનને જોરદાર ટક્કર આપી રહ્યું છે. શેરબજારની અપેક્ષા અને એક્ઝિટ પોલના તારણ મુજબ ભાજપને બેઠકો મળતી ન હોવાના પ્રાથમિક રૂઝાનથી બજારમાં મંદીનું વાવાઝોડું ફૂંકાયું હતું. આજે સેન્સેક્સમાં 3700થી વધુ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. એક તબક્કે સેન્સક્સ 72,337.34ની સપાટી પહોંચી ગયું હતું. શરૂઆતમાં થોડીવાર ઉછાળો રહેતા બજારમાં 76,300.46 સુધી પહોંચ્યું હતું. બજારમાં 3970 પોઇન્ટની અફરાતફરી જોવા મળી હતી. ઇન્ટ્રાડેમાં પણ આજે નિફ્ટીએ 23000ની સપાટી તોડી હતી અને 22000.60 ના પોઇન્ટ સુધી સરકી ગઇ હતી. જ્યારે ઉછળીને 23179.50એ પહોંચી હતી. આજે 1370 પોઇન્ટનો તોતીંગ કડાકો જોવા મળ્યો હતો. ધાર્યા મુજબની બેઠકો ભાજપને મળતી ન હોવાના કારણે બજાર તુટ્યું હતું. ત્યારબાદ એક વાત સ્પષ્ટ થઇ ગઇ હતી કે કેન્દ્રમાં ફરી પૂર્ણ બહુમત સાથે ભાજપ પ્રેરિત એનડીએની સરકાર બની રહી હોવાના કારણે બજારમાં હજાર પોઇન્ટથી વધુની રિક્વરી જોવા મળી હતી. જ્યારે નિફ્ટીમાં પણ 350 પોઇન્ટનો સુધારો રહ્યો હતો. આજની મંદીમાં નિફ્ટી અને નિફ્ટી મિડકેપ-100 પણ તુટ્યા હતા. ગઇકાલે લાઇફ ટાઇમ સપાટીએ હાંસલ કરનાર બજારમાં આજે મંદીનું વાવાઝોડું ફરી વળ્યું હતું. બપોર સુધીમાં બજારમાં હજુ સુધારાના અવકાશ દેખાઇ રહ્યા છે. આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 3268 પોઇન્ટના ઘટાડા સાથે 73200 અને નિફ્ટી 1054 પોઇન્ટના ઘટાડા સાથે 22209 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યા છે. બેંક નિફ્ટીમાં પણ 2600થી વધુ પોઇન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે.