ચૂંટણી નજીક આવતા ‘રામ’ યાદ આવ્યા!!!
ભાજપ રાવણને પુજે છે; રામને નહીં: મમતા
ગત લોકસભાની ચુંટણી પહેલા અયોઘ્યામાં રામમંદિર બનાવવાનું વચન આપીને સતામાં આવેલી મોદી સરકારે આગામી લોકસભાની ચુંટણી નજીક દેખાતા હિન્દુ સંગઠનોના માધ્યમથી ફરીથી રામમંદિરનો મુદો તેજ બનાવ્યો છે. જેની સીધી કે આડકતરી અસર દરેક રાજકીય પક્ષોને થવા લાગી છે અને રામમંદિર મુદ્દે ગુંચવાઈ રહ્યા છે.
પશ્ચીમ બંગાળ સહિતના પૂર્વોતર રાજયોમાં લાંબા સમયની ભાજપ મજબુત જનાધાર ઉભુ કરી રહ્યું છે. જેથી આગામી લોકસભાની ચુંટણીમાં આ રાજયોમાં ભાજપને ભારે સફળતા મળવાની સંભાવના જોવાઈ રહી હોય ભાજપે રામંદિરનો મુદો ઉઠાવતા તેનું તેલ સીધું પશ્ચીમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પેટમાં રેડાયું છે.
મમતા બેનર્જીએ પશ્ચીમ બંગાળના જમ્બોનીમાં એક જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપ રાવણને પુજે છે, રામને નહીં. તેઓ રામમંદિરના મુદે લોકોમાં મતભેદ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ભગવાન રામ અમારા પણ આરાઘ્ય છે પરંતુ અમો દુર્ગા પુજા પહેલા કરીએ છીએ.
ભગવાન રામ પણ દુર્ગા પુજા કરતા હતા તેમનો પક્ષ સર્વધર્મ સમાનના સિઘ્ધાંતને વહેલો હોય બધા ધર્મોને સમાવી લઈને વિશ્વાસના આધારે રાજયનું શાસન ચલાવી રહ્યા છીએ. અમો મત મેળવવા માટે ભગવાનનું નામ વેંચતા નથી તેમ પણ મમતાએ ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, અયોઘ્યામાં રવિવારે ધર્મસંસદનું આયોજન થયા બાદ આરએસએસના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે, રામમંદિરના મુદે હિન્દુઓની ધીરજનો હવે અંત આવ્યો છે. આ વિવાદનો ઉકેલ લાવવાને સુપ્રીમ કોર્ટ પ્રાધાન્ય આપતું ન હોય તો રામમંદિરના નિર્માણ માટે મોદી સરકારે ખરડો પસાર કરીને કાયદો બનાવવો જોઈએ.
જયારે નિમોર્હી અખાડાના મહંત રામજીદાસે રામમંદિરના નિર્માણની તારીખો આગામી વર્ષે પ્રયાગ રાજમાં યોજાનારા કુંણમાં યોજાનારી ધર્મસંસદમાં જાહેર કરવામાં આવશે તેમ જણાવતા દેશભરમાં ૧૯૯૮ બાદ અયોઘ્યામાં રામમંદિરનો મુદો સૌથી વધુ ચર્ચાસ્પદ બન્યો છે.
એક તરફ મમતા બેનર્જી ભાજપ પર ભગવાન રામના નામે રાજકારણ ખેલી રહ્યાનો આક્ષેપ કર્યો હતો ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચુંટણીના પ્રચાર દરમ્યાન અયોઘ્યામાં ભવ્યાતિભવ્ય રામમંદિર બનાવવાનો પુનોચ્ચાર કર્યો હતો.
ઈન્દોરમાં શાહે કોંગ્રેસ રામમંદિરના બાંધકામમાં અવરોધ ઉભા કરી રહ્યાનો આક્ષેપ કર્યો હતો. આ વિવાદની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં પડતર છે ત્યારે ત્યાં શું નિર્ણય થાય છે ? તે બાદ જ મોદી સરકાર પોતાની ભાવિ રણનીતિ નકકી કરશે. મધ્યપ્રદેશમાં ચુંટણી પ્રચારના આખરી દિવસે પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન મોદી સરકાર રામમંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવા કાયદો લાવશે કે કેમ ?
તે અંગેના પ્રશ્નના જવાબમાં અમિત શાહે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર વિવાદની આગામી સુનાવણી જાન્યુઆરીમાં થનાર છે તેથી સુપ્રીમ કોર્ટ શું ચુકાદો આપે છે બાદ જ રામમંદિર મુદે યોગ્ય નિર્ણય કરાશે. પરંતુ હિન્દુ લોકોની ઈચ્છા છે કે અયોઘ્યામાં રામમંદિરનું નિર્માણ થવું જોઈએ. અમે પણ ઈચ્છીએ છે કે એક ભવ્યાતિભવ્ય રામમંદિર બને અને તેના માટે અમારી પાર્ટી બનતા તમામ પ્રયાસો હાથ ધરશે.
આમ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રામમંદિર મુદ્દે ગોળ-ગોળ નિવેદન કરીને આ મુદ્દે આગામી લોકસભાની ચુંટણી પહેલા પણ મહત્વનો રહેશે તેવો નિર્દેશ કર્યો હતો. રાજકીય વિશ્ર્લેષકોના મત મુજબ આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચુંટણીમાં મોદી સરકાર સામે એન્ટી ઈન્કમબન્સી આવવાની સંભાવના હોય તથા વિકાસનો મુદ્દો પણ અનેક રાજયોમાં અસરકારક પુરવાર થઈ રહ્યો નથી. જેથી અયોઘ્યામાં રામમંદિરનો મુદો લટકતો રાખીને ભાજપ આગામી લોકસભાની ચુંટણીમાં તેનો રાજકીય લાભ લેવાનો પ્રયત્ન કરશે તેમ મનાઈ રહ્યું છે.