બપોરે 12:30 કલાકે મુખ્યમંત્રી બંગલે ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત બાદ સર્કિટ હાઉસ ખાતે ભોજન સમારંભ
રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષ ભાજપના 68 કોર્પોરેટરો આવતીકાલે મંગળવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના દરબારમાં રજૂ થશે. જો કે, આ માત્ર શુભેચ્છા મુલાકાત હોવાનું ચર્ચાઇ રહ્યું છે. શિક્ષણ સમિતિના વિસર્જનના એક સપ્તાહ બાદ તમામ નગરસેવકોને સાગમટે ગાંધીનગરથી તેડું આવતા અનેક તર્ક-વિતર્કો સર્જાઇ રહ્યા છે.
અગાઉ ભાજપના કોર્પોરેટરોને શુભેચ્છા મુલાકાત માટે મુખ્યમંત્રી કાર્યાલય ખાતેથી આજે સોમવારનો સમય આપવામાં આવ્યો હતો. જો કે, આજે ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં જે સંસ્થા અને વ્યક્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેવી ગુજરાતની વ્યક્તિ અને સંસ્થાઓને સન્માનવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોવાના કારણે મુલાકાત રદ્ કરવામાં આવી હતી અને મંગળવારનો સમય આપવામાં આવ્યો છે. આવતીકાલે સવારે ભાજપના તમામ 68 કોર્પોરેટરો ગાંધીનગર જવા માટે રવાના થશે. જ્યાં મુખ્યમંત્રીના સરકારી નિવાસસ્થાને બપોરે 12:30 કલાકે શુભેચ્છા મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે. મેયર ડો.પ્રદિપ ડવ તમામ કોર્પોરેટરની મુખ્યમંત્રી સાથે વ્યક્તિગત ઓળખ કરાવશે. આ ઓળખ પરેડ આશરે એકાદ કલાક ચાલશે ત્યારબાદ મુખ્યમંત્રી દ્વારા તમામ જનપ્રતિનિધિઓને ભાવતા ભોજનીયા કરાવવામાં આવશે.
મુખ્યમંત્રી સાથેની કોર્પોરેટરોની મુલાકાતને હાલ શુભેચ્છા મુલાકાત નામ આપવામાં આવ્યું છે. પરંતુ જે રિતે ભ્રષ્ટાચાર અને જૂથવાદના કારણે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિનું એક ઝાટકે વિસર્જન કરી દેવામાં આવ્યું હતું અને એક જ સપ્તાહમાં તમામ કોર્પોરેટરોને ગાંધીનગરથી તેડું આવતા કાર્યકરોમાં પણ અલગ-અલગ ચર્ચાઓ ચાલી રહી છે.
મેયર ડો.પ્રદિપ ડવ ખૂદ એવું કહી રહ્યા છે કે મુખ્યમંત્રી સાથે નગરસેવકોની શુભેચ્છા મુલાકાત માટે ઘણા સમયથી સીએમઓ પાસે સમય માંગવામાં આવ્યો હતો.
આજે સોમવારનો સમય અપાયો હતો પરંતુ મુખ્યમંત્રીનું અન્ય કાર્યક્રમ ફિક્સ થવાના કારણે હવે આવતીકાલે મળવા જવાનું છે. આ મુલાકાત માત્રને માત્ર શુભેચ્છા મુલાકાતથી બીજું વિશેષ કશું છે જ નહિં.
સીએમ પીઠ થાબડશે કે ઠપકો આપશે?
નગરસેવકો સાથેની શુભેચ્છા મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકોની પીઠ થાબડશે કે ઠપકો આપશે તેના પર બધાની મીટ મંડાયેલી છે. વર્તમાન પાંખ દ્વારા છેલ્લા બે વર્ષમાં એવી કોઇ જ કામગીરી કરવામાં આવી નથી જેના કારણે તેઓને ઠપકો સાંભળવો પડે જે રિતે શિક્ષણ સમિતિનું વિસર્જન થયું છે. તે પક્ષ માટે આબરૂંના ધોવાણ સમાન છે. આવામાં કાલે સીએમ કોર્પોરેટરોને શું કહે છે તેના પર નજર ટકેલી છે.