• ગેમ ઝોનના સંચાલકો સાથે નાણાની કોઇપણ પ્રકારની લેવડ-દેવડ ન થયાની નીતિન રામાણીનું નિવેદન: સીટ અને પોલીસ પૂછપરછ માટે બોલાવશે તો સહકાર આપવાની પણ ખાતરી

શહેરના નાના મવા રોડ પર ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 27 લોકોના મોત નિપજ્યા હતા. આ ઘટનાથી ગુજરાત હાઇકોર્ટ પણ સમસમી ઉઠી છે. રાજ્ય સરકારની આકરી ઝાટકણી કરી રહી છે. સીટને પણ તાત્કાલીક તપાસ રિપોર્ટ આપવા તાકીદ કરવામાં આવી છે. દરમિયાન પોલીસની પૂછપરછમાં અગ્નિકાંડના આરોપી યુવરાજસિંહે વટાણા વેરી દીધા હતા. ગેરકાયદે ખડકાયેલું બાંધકામ ડિમોલીશન ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીએ અટકાવ્યું હોવાની કબૂલાત કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. દરમિયાન આજે નીતિન રામાણીએ એવી કબૂલાત કરી હતી કે મેં ડિમોલીશન અટકાવવા માટે નહિં પરંતુ ગેરકાયદે બાંધકામ ઇમ્પેક્ટ ફી યોજના અંતર્ગત નિયમિત કરાવવા માટે આર્કિટેક્ટને ભલામણ કરી હતી. એકપણ રૂપિયાની નાણાની લેવડ-દેવડ થઇ નથી. એટલું જ નહિં કોઇ અધિકારીને પણ ભલામણ કરવામાં આવી નથી.

ટીઆરપી ગેમ ઝોનનું ડિમોલીશન અટકાવવા માટે ભલામણ કર્યાના આક્ષેપ બાદ વોર્ડ નં.13ના ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીએ ‘અબતક’ની સાથેની વાતચિત દરમિયાન જણાવ્યું હતું કે ગેમ ઝોનના મુખ્ય સંચાલક પ્રકાશ જૈનના કાકા મને ઓળખતા હોવાના કારણે તેઓએ મને આ અંગે આગળ શું કાર્યવાહી કરવું તે અંગે પૂછપરછ કરી હતી. દરમિયાન પ્રકાશ જૈન મારી ઓફિસે રૂબરૂ આવ્યા હતા ત્યારે મેં તેઓને એવી સલાહ આપી હતી કે હાલ અનઅધિકૃત્ત બાંધકામોને નિયમિત કરવા માટેની ઇમ્પેક્ટ ફી યોજના અમલમાં હોય ગેમ ઝોનનું ગેરકાયદે બાંધકામ નિયમિત કરાવી લેવા આર્કિટેક્ટ પાસે જઇ આગળની કાર્યવાહી કરવા જણાવાયું હતું. મારા જાણીતા એક આર્કિટેક્ટને મેં આ ગેરકાયદે બાંધકામ ઇમ્પેક્ટ ફી હેઠળ નિયમિત કરાવવા માટે ભલામણ કરી હતી. થોડા સમય પછી જ્યારે મેં આર્કિટેક્ટ પાસે આ કામ અંગે માહિતી મેળવી ત્યારે મને ખ્યાલ આવ્યો કે ટીઆરપી ગેમ ઝોનના સંચાલકો પાસે પૂરતા ડોક્યુમેન્ટ ન હોવાના કારણે ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર કરવામાં આવી છે. મેં સંચાલકોને આ અંગે જાણ પણ કરી હતી. ગેમ ઝોનનું ગેરકાયદે ખડકાયેલું માળખાનું ડિમોલીશન અટકાવવા માટે મેં એકપણ અધિકારી કે કર્મચારીને કોઇ જ પ્રકારની ભલામણ કરી નથી કે એકપણ રૂપિયાનો વહિવટ કર્યો નથી. કેટલું બાંધકામ ગેરકાયદે છે અને કેટલા વર્ષોથી છે તેનો પણ મને કોઇ જ અંદાજ નથી.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે પોલીસની પૂછપરછ દરમિયાન યુવરાજસિંહે મારૂં નામ લીધું છે. વાસ્તવમાં હું તેમને ઓળખતો પણ નથી. એક વખત તેઓ પ્રકાશ જૈન સાથે મારી ઓફિસે આવ્યા હતા. ત્યારે મુલાકાત થઇ હતી. ગેમ ઝોનનું ડિમોલીશન અટકાવવા માટે મેં ભલામણ કરી હોવાની વાત પાયાવિહોણી છે છતાં આરોપીએ પૂછપરછ દરમિયાન મારૂં નામ લીધું હોય આગામી દિવસોમાં અગ્નિકાંડ સંદર્ભે રચાયેલી સીટની ટીમ કે પોલીસ પૂછપરછ માટે મને બોલાવશે તો હું ચોક્કસ જઇશ અને પૂછપરછમાં પૂરતો સહયોગ આપીશ.

સાગઠીયા વહિવટ કરતા હોવાનો નીતિન રામાણીનો આક્ષેપ

ટીઆરપી ગેમ ઝોનનું ગેરકાયદે બાંધકામ તોડતું અટકાવવા માટે ભલામણ કર્યાના આક્ષેપ બાદ વોર્ડ નં.13ના ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીએ આજે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરતા એવો મોટો દાવો કર્યો હતો કે કોર્પોરેશનના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠીયા ગેરકાયદે બાંધકામ માટે મોટા પાયે વહિવટ કરતા હતા. કોઇને પણ છોડવામાં આવતા ન હતા. આર્કિટેક્ટ થકી જ સંપૂર્ણ વહિવટ ચાલતો હતો. ભાજપના ચૂંટાયેલા જનપ્રતિનિધિએ કોર્પોરેશનના સસ્પેન્ડેડ ઉચ્ચ અધિકારી સામે વહિવટના આક્ષેપ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વાસ્તવમાં જો આ વાત સાચી હોય તો નીતિન રામાણીએ આ અંગે મ્યુનિ.કમિશનરનું ધ્યાન દોરવું જોઇએ. તેઓ છેલ્લી બે ટર્મથી ચૂંટાઇ રહ્યા છે. છતાં અધિકારીઓના ભ્રષ્ટાચાર અંગે આંખ આડા કાન કર્યા હતા. રાજ્ય સરકારનું ધ્યાન દોરવાનું પણ તસ્દી લીધી ન હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.