૭૪ નગરપાલિકાઓની ચૂંટણીમાં કોંગ્રેસે બરાબરની ટક્કર આપી
૭૪ પૈકી ૪૦ પાલિકાઓમાં ભાજપ આગળ, ૨૬માં કોંગ્રેસ અને ત્રણમાં અપક્ષનો દબદબો
રાજયની ૭૪ નગરપાલિકાઓની તા.૧૭મીએ યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે અને ભાજપ વિજયભણી આગેકૂચ કરી રહ્યું છે જો કે કોંગ્રેસે ઓન બરાબરની ટક્કર આપી ભાજપના વિજયરથમાં ક્યાંક ક્યાંક અંતરાયો ઉભા કરી પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા પ્રયાસો કર્યા હોવાનું પરિણામોમાં જણાઈ રહયુ છે. અત્યાર સુધીમાં જાહેર યેલા પરિણામોમાં ૪૦ નગરપાલિકાઓમાં ભાજપ જ્યારે ૨૬માં કોંગ્રેસ અને ૩ પાલિકાઓમાં અપક્ષે દબદબો જાળવી રાખ્યો છે. બીજી તરફ વલસાડની પારડી પાલિકાની મત ગણતરી બાદ ભાજપ કોંગ્રેસ વચ્ચે ટાઈ સર્જાય હોવાની વિગતો સાપડી રહી છે.
રાજય ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર દ્વારા મતગણતરી સ્થળો પર લોખંડી સુરક્ષા કવચ ઉભુ કરી આજે સવારથી ૭૪ નગરપાલિકાના ૫૨૯ વોર્ડની ૨૦૬૪ બેઠકો માટે મતગણતરી હાથ ધરી હતી, પાલિકાની ચૂંટણીમાં કુલ ૬૦૩૩ ઉમેદવારો મેદાને હતા અને ઇવીએમ ખુલતાં જ ઉમેદવારોના ભાવિનો ફૈંસલો આવવો શરૂ થયો હતો. રાજય ચૂંટણી આયોગના સંયુકત કમિશનર એ.એ.રામાનુજ, મુખ્ય ચૂંટણી સચિવ મહેશભાઇ જોષી અને મદદનીશ ચૂંટણી અધિકારી વી.એમ.પટેલે જણાવ્યું હતું કે, રાજયની ૭૪ નગરપાલિકાઓની સાથે પ્રસંગોપાત ખાલી પડેલી જે તે બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાઇ હતી. જેમાં છ નગરપાલિકાઓની પેટા ચૂંટણી અને રાજકોટ મહાનગરપાલિકાના એક વોર્ડની પેટાચૂંટણીનો સમાવેશ થાય છે.
રાજયની ૭૪ નગરપાલિકાઓ ૫૨૯ વોર્ડની ૨૦૬૪ બેઠકો માટે યોજાયેલી ચૂંટણી માટે હવે કુલ ૬૦૩૩ ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં ભાજપના સમર્થિત ૧૯૩૪, કોંગ્રેસ સમર્થિત ૧૭૮૩, અપક્ષ ૧૭૯૩ અને અન્ય ૫૨૩ ઉમેદવારોનો સમાવેશ થાય છે. રાજયભરમાં કુલ ૨૫૭૮થી વધુ મતદાન મથકો પર નગરપાલિકાઓની ચૂંટણી યોજાઇ હતી.
સવારે ૧૧ વાગ્યા સુધીમાં ૭૪ નગરપાલિકાઓની સ્થિતિ જોઈએ તો ૩૫ પાલિકામાં ભાજપ અને ૨૪માં કોંગ્રેસ તેમજ ૩ પાલિકામાં અન્ય પક્ષ આગળ રહ્યા છે. મળતી વિગતો મુજબ સલાયા અને રાજુલા પાલિકા પર કોંગ્રેસે કબજો મેળવ્યો છે તો સામે લાઠી, ચલાલા અને રાપર નગરપાલિકા ઉપર ભાજપે કબજો મેળવ્યો છે. હળવદમાં પાંચ બેઠક ભાજપે તો સામે ત્રણ બેઠક કોંગ્રેસે મેળવી છે. થાનના વોર્ડ નં.૧, સલાયાના વોર્ડ નં.૧ અને ધાનેરાના વોર્ડ નં.૧માં ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો છે. ધ્રોલ પાલિકાની સ્થિતિ જોઈએ તો વોર્ડ નં.૧માં ભાજપને ત્રણ બેઠક અને કોંગ્રેસને એક બેઠક મળી છે. રાજુલાના વોર્ડ નં.૧માં અને વંથલીના વોર્ડ નં.૧માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે.
કાલાવડ અને કુતિયાણાના વોર્ડ નં.૧માં ભાજપની પેનલનો વિજય થયો છે. ઉપલેટા પાલિકાના ૬ વોર્ડમાં ભાજપ અને બે વોર્ડમાં કોંગ્રેસનો વિજય થયો છે. માણસામાં ૩ બેઠક પર ભાજપ અને ૧ બેઠક પર કોંગ્રેસ, દ્વારકામાં ૧૨ બેઠક પર ભાજપ રહ્યું છે. ચલાલાના વોર્ડ નં.૨માં ભાજપ, માંગરોળના વોર્ડ નં.૧માં કોંગ્રેસ, દ્વારકાના વોર્ડ નં.૨માં ભાજપ, વિસાવદરના વોર્ડ નં.૩માં કોંગ્રેસ, લાઠીના વોર્ડ નં.૨માં ભાજપ, વડનગરના વોર્ડ નં.૨માં ભાજપ, હાલોરના વોર્ડ નં.૧માં ભાજપ, બીલીમોરાના વોર્ડ નં.૨માં ભાજપ અને બાંટવામાં વોર્ડ નં.૧માં ભાજપની પેનલનો વિજય થયો છે. તળાજાના વોર્ડ નં.૩માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. ભચાઉના વોર્ડ નં.૧ અને ૨ ઉપર ભાજપે જીત મેળવી છે. ભાણવડના વોર્ડ નં.૧માં ભાજપે ત્રણ અને કોંગ્રેસે ૧ બેઠક પર જીત મેળવી છે. જયારે વલ્લભવિદ્યાનગરની તમામ ૨૦ બેઠક ઉપર ભાજપે જીત મેળવીને કોંગ્રેસનો વાઈટ વોસ કર્યો છે.