મતનું રાજકારણ… અને રાજકારણમાં જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાયની મત બેંકનું હથિયાર દરેક ચૂંટણીમાં વાપરીને વિજય મેળવવો એ એક લોકતંત્રની પ્રણાલી બની ગઈ છે ત્યારે જ્ઞાતિ-જાતિના મતને તિલાંજલી આપીને રાષ્ટ્રીય પક્ષોને જાગતા કરવા હિન્દુ બહુમતિ વિસ્તારમાં મુસ્લિમને સરપંચ તરીકે લોકોએ ચૂટયાના પરિણામે સાંપ્રત રાજકારણમાં મત અને ધર્મ આધારિત રાજકારણમાં ધગધગતા વાયરામાં શિતળતાનો અનુભવ કરાવ્યો હતો. અયોધ્યામાં હિન્દુ બહુમતિવાળા ગામ રાજાપુરમાં એકમાિ મુસ્લિમ પરિવારના હાફીઝ અઝીમુદ્દીનને ગ્રામજનોએ જંગી બહુમતિથી પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે ચૂટીને એક આગવી પરંપરા ઉભી કરી છે.
રાજાપુર ગામની પંચાયતની ચૂંટણીમાં 600 મતમાંથી અઝીમુદ્દીનને 200 મત મળ્યા હતા. અત્યાર સુધીમાં સૌથી વધુ મત મેળવનાર ઉમેદવાર બનેલા અઝીમુદ્દીનને તમામ મતો હિન્દુ મતદારોના મળ્યા હતા. અઝીમુદ્દીને તેના હરિફ સામે 85 મતની લીડ મેળવી હતી. રાજાપુરમાં માત્ર 27 મુસ્લિમ મતદારો છે અને તે તમામ અઝીમુદ્દીનના નજીકના પરિવારજનો છે. બાકીના તમામ મતદારો હિન્દુ જ્ઞાતિના છે. તેમણે મારા પર શ્રદ્ધા મુકીને મને વિજયી બનાવી રમજાન ઈદની ભેટ આપી છે.વ્યવસાયે ખેડૂત અઝીમુદ્દીન મદ્રેસા શિક્ષણમાં હાફિઝ અને આલીમની ડિગ્રી ધરાવે છે, તે ખેતીમાં જોડાયાના 10 વર્ષ પહેલા શિક્ષણનું કામ કર્યું હતું. ગ્રામજન શેખર શાહુએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, અમે ધર્મના આધારિત મતદાન કર્યું નથી. અમે અમારા મનમાં એક જ વાત રાખી હતી કે, અમારા માટે સારૂ શું છે, અમે હિન્દુ છીએ પણ એક મુસ્લિમને પંચાયતના સરપંચ તરીકે ચૂંટીને અમે અમારા બિનસંપ્રદાયીક ભાવને જીવંત રાખ્યો છે. અયોધ્યા મસ્જિદ ટ્રસ્ટના સેક્રેટરી અથર હુશૈને અઝીમુદ્દીનના વિજય અંગે જણાવ્યું હતું કે, આ અમારા બિનસંપ્રદાયિક ભાવનો દાખલો છે. આ બતાવે છે કે, ભારતની સંસ્કૃતિ, સહાનુભૂતિ, સહજતા અને કોમી એકતાની મજબૂત ભાવનાથી રચાયેલી છે. હિન્દુ બહુમતિવાળા ગામના સરપંચ તરીકે મુસ્લિમને ચૂંટવાની આ ઘટના બિનસાંપ્રદાયિક ભારતના મુળભૂત સંસ્કારોનું પ્રતિબિંબ છે.