મહારાષ્ટ્રમાં શિવસેના હાથ ઉંચો રહેવાનાં ચિહનો: પવારનું વજન વધશે!
આપણો દેશ જબરા પરિવર્તનના આરે ઉભો છે. અને આર્થિક, રાજકીય, સામાજીક ઉથલપાથલની આગાહી થઈ રહી છે. આગામી મહિનાઓ અકલ્પનીય નવાજૂનીઓ સનસનાટીઓ નિહાળવાની સંભાવનાઓને નકારાતી નથી. આવા વખતે મહારાષ્ટ્ર-હરિયાણામાં વિધાનસભાની અને ગુજરાતમાં વિધાનસભાની ૬ બેઠકોની પેટા ચૂંટણીઓ થઈ અને ભાજપ-કોંગ્રેસ, બંનેને આત્મ પરીક્ષણ કરવું પડે એવાં પરિણામો આવ્યા છે.
આ પરિસ્થિતિમાં પક્ષાંતર, સોદાબાજી અને રાજકીય મતિભ્રષ્ટતાનો કાદવ ઉછળાનાં ચિહનો નજરે પડી રહ્યા છે. આને પગલે નાના-મોટા ધ્રુવિકરણનો રસ્તો ખૂલે તેમ છે. અને રાજકીય સંધિનો સળવળાટ થઈ શકે છે.
પ્રજાતંત્રમાં ભલે ન શોભે તેવા, રાજગાદી ખૂંચવી લેવાના કાવાદાવામાં તથા કુડકપટ આચરવામાં આપણા કેટલાક નેતાઓ શકુનિના બાપ જેવા છે. શામ,દામ, દંડ અને ભેદનો ઉપયોગ કરવામાં આપણા આ નેતાઓ પાવરધા છે. સવારે પક્ષ પલ્ટો કરીને તેજ દિવસે સાંજે પ્રધાનપદ તથા સાત પેઢી સુધી ભાવતું ખાધા પીધા કરે તો પણ ન ખૂટે એવા લાભ લેતાં અને દેનાર દેતાં લગીરે લજજા ન અનુભવે એવી પાવરધાઈવાળા રાજકીય પક્ષ અને તેના નેતાઓ આપણા દેશનાં રાજકારણમાં આજેય છે.
હરિયાણા-મહારાષ્ટ્રમાં પેટા ચૂંટણીનાં પરિણામોને પગલે આવા રાજકીય યોધ્ધાઓએ યુધ્ધ શરૂ કરી દીધા છે!
આવી હેવાનિયત આચરવા પાછળનો હેતુ ગરીબોને સહાય કરવા, માનવસેવા કરવા કે રાષ્ટ્રીય વિકાસમાં સહાયરૂપ બનવા માટે નતી હોતો, પોતાના નિજી સ્વાર્થ અને સત્તાના ભોગવટા તેમજ મોજમજા કરવાનો હોય છે.
મહારાષ્ટ્ર-હરિયાણા-ગુજરાતમાં થયેલી ઉપર મુજબની પેટા ચૂંટણીઓમાં શાસક પક્ષ ભાજપ અને હરીફ પક્ષોએ સારી પેઠે પ્રચાર કરવામાં આવ્યો હતો. અને બધી જ બેઠકો પર જીતી જવાનો દાવો ભાજપના આગેવાનોએ કર્યો હતો. જો કે હરિયાણામાં જીતની કોંગ્રેસ પક્ષે ધારણા રાખી હતી. પરિણામો પૈકીની પરિસ્થિતિમાં પોતાની નિર્ણાયક જીત માટે રાજકીય પક્ષોનાં મોવડીઓ કાવાદાવા કરી રહ્યા છે, જે હમણા સુધી ચાલતા આવેલા પ્રપંચો અને અનિષ્ટોના ઉપયોગની અને કાળાધોળાંની ચાડી ખાધા વિના નહિ જ રહે !
અહી નોંધપાત્ર બાબત એ છે કે, દીવાળીના તહેવારોને ટાંણે જ પેટા ચૂંટણીની આ કવાયત થઈ છે.
દીવાળીના તહેવારો દેવો અને દાનવો વચ્ચેની લડાઈને સાંકળે છે. અંધકાર અને ઉજાસ-અજવાળાં વચ્ચેની લડાઈને સાંકળે છે. જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેની લડાઈને સાંકળે છે. જય અને પરાજયનો આ ખેલ ‘જયવિજય’ની પરિણતી દર્શાવે છે. ખુશાલીની મિજલસ, ફટાકડાઓની આતશબાજી અને મોં મીઠા કરાવવાનાં શુકન સુધી પહોચે છે.
આમ છતાં, મૂળભૂત બાબતો અસૂરોને આતંકીઓને ખતમ કરીને માનવ સમાજને મુકત રીતે જીવન જીવવાનો હકક આપવાની છે.
દીવાળી ‘વૈશ્ય’નો તહેવાર છે. વ્યાપારી સમાજનો આ તહેવાર છે. સામાજીક ઉન્નતિ અને ઉત્કર્ષનો આ તહેવાર છે. એમાં માનવજાતની શુભગતિનો સૂર છે.
આ પર્વનું એક અંગ ‘કાળી ચૌદશ’ છે. ભૌમાસૂર રાક્ષસ લડાઈમાં મરાયો અને જમીનદોસ્ત થયો એની ઉજાણીના હર્ષોલ્લાસ આ દિવસે નિહાળવા મળે છે.
આજનાં રાજકારણમાં પણ મતિભ્રષ્ટો, દુરાચારીઓ, પાપાચાર અને દુષ્ટતા આચરનાર નિજી સ્વાર્થને ખાતર હેવાનિયત આચરનારાઓ છે, છે , ને છે જ !
રાજગાદી અર્થેની સ્પર્ધા કાળી ચૌદશનું પ્રતિબિંબ પાડી શકે છે.
પહેલાના અને હમણાના નેતાઓની કામગીરીઓને પણ સંઘર્ષનાં રાજકારણનો મુદ્દો બનાવાય છે. એમના ચઢિયાતા પણાને મુદ્દો ઉઠાવીને પણ સંઘર્ષનાં રાજકારણનો મુદો બનાવાય છે.
નહેરૂ કરતાં સરદાર પટેલ ચઢિયાતા, આંબેડકર ચઢિયાતા, શ્રીમતી ઈદિરા ગાંધી ચઢિયાતા, વાજપેયી ચઢિયાતા નરેન્દ્ર મોદી તો સૌથી ચઢિયાતા, ને મહાત્મા ગાંધી….. લાલ બહાદૂર ચઢિયાતા, ચઢિયાતા, ચઢિયાતા….
એમની પ્રતિમાની ઉંચાઈ અંગે પણ સ્પર્ધા….
આપણા દેશના વર્તમાન રાજકારણને આપણે આટલી હદે સંકુચિત અને છીછરૂ ન બનવા દઈએ. રાષ્ટ્રીય હિતો અને સંસ્કૃતિની રક્ષાને જ સર્વોપરી ગણીને નિર્ણયો લઈએ અને નેતાઓની સરખામણી કરતાં કરતા રાજકીય લડાઈઓ ન લડીએ વિદેશોમાં હાસ્યાસ્પદ બનવાનું જોખમ ન લેવામાં જ ડહાપણ છે…
હરિયાણા-મહારાષ્ટ્ર-ગુજરાતની પેટા ચૂંટણીઓનાં પરિણામોને રાજકીય નૈતિકતાની હોળીમાં આપણે ન ફેરવીએ એમાં કડવાશ ઉભી થશે જ અને રાજકીય એકતાને પારાવાર હાનિ પહોચશે એ સમજવું પડશે!