શું લાગે છે ? ચોરે અને ચૌટે એક જ વાત !!
પેટા ચૂંટણીમાં મતદાનની ટકાવારી ૭૧.૨૭ ટકાને આંબી, ગત વર્ષની ચૂંટણી કરતા મતદાન માત્ર ૨.૨૧ ટકા જ ઘટયું: બંને પક્ષના જીતના દાવા, રવિવારે થશે ફેંસલો
જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં થયેલા ધીંગા મતદાનથી ભાજપ અને કોંગ્રેસની ઉંઘ હરામ થઈ ગઈ છે. ‘ચોરે અને ચૌટે’ એક જ વાત સંભળાઈ રહી છે કે, શું લાગે છે, કોણ જીતશે ? સામાન્ય રીતે પેટા ચૂંટણીમાં મતદાનની ટકાવારી સાવ ઓછી થતી હોય છે પરંતુ ગઈકાલની જસદણની પેટા ચૂંટણીમાં મતદાનની ટકાવારી ૭૧.૨૭ ટકાને આંબી હતી. હાલ તો બન્ને પક્ષ જીતના દાવા કરી રહ્યાં છે. પરંતુ રવિવારે મત ગણતરીના દિવસે પ્રજાએ કોને પસંદ કર્યા છે તેનો ફેંસલો થશે.
જસદણ વિધાનસભા બેઠકની ગઈકાલે પેટા ચૂંટણી યોજાઈ હતી. સવારે ૮ થી ૫ વચ્ચે થયેલા મતદાનની ટકાવારી ૭૧.૨૭ને આંબી હતી. સામાન્ય રીતે પેટા ચૂંટણીમાં મતદાન ઓછુ નોંધાય છે પરંતુ જસદણની પેટા ચૂંટણી અપવાદ રૂપ બની છે. જસદણના આ જંગમાં ગત વિધાનસભાની ચૂંટણી કરતા માત્ર ૨.૨૧ ટકા જ મતદાન ઘટયું છે. ગઈકાલે થયેલાધીંગા મતદાનથી ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોની ઉંઘ હરામ થઈ જવા પામી છે. મતદાનની ટકાવારી ખુબ ઉંચી રહી છે, મતદારો કયાં પક્ષ તરફ વળ્યા છે તેનું સૌ કોઈ અનુમાન લગાવી રહ્યાં છે. હાલ ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોના ઉમેદવારો પોત-પોતાની જીતના દાવા કરી રહ્યાં છે. પરંતુ સાચુ ચિત્ર આગામી રવિવારે સાંમે આવશે. જસદણની મોડેલ સ્કૂલ ખાતે આગામી રવિવારે સવારે ૮ કલાકથી મત ગણતરીની પ્રક્રિયા શરૂ થવાની છે.
મોડલ સ્કૂલના સાત સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ સીલ કરાયા
જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થતાં શહેરના બાખલવડ રોડ પર આવેલ મોડલ સ્કુલમાં ખાસ બનાવાયેલ સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ સીલ કરી દેવામાં આવ્યા હતા. ૨૬૨ મતદાન મથકોના ઈવીએમ મોડલ સ્કૂલના સાત સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી દઈ જયાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તા.૨૩ને ગુરૂવારના રોજ સવારના ૮ વાગ્યાથી ગણતરી શરૂ થશે.
જસદણના કંટ્રોલ રૂમને મળી કુલ ૪૨ ફરિયાદો
૭૨-જસદણ વિધાનસભા મત વિસ્તારની ગઈકાલે પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં મતદાન પ્રક્રિયા દરમિયાન તમામ પોલીંગ બુથનું સંચાલન કરવા તેમજ દેખરેખ રાખવા માટે મોડલ સ્કુલ ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો હતો. આ કંટ્રોલ રૂમને મતદાન વેળાએ ૪૨ જેટલી ફરિયાદ મળી હતી. જેમાં ૧૧ ફરિયાદ લેખીત સ્વરૂપે તેમજ ૩૧ ફરિયાદ ટેલીફોન મારફતે મળી હતી. અરજદારોએ વિવિધ કારણો દર્શાવીને આચારસંહિતા ભંગ થતી હોવાની ફરિયાદ નોંધાવતા ચૂંટણી તંત્ર કામે લાગ્યું હતું. ત્રણ પોલીસ સ્ટેશનમાં વીવીપેટ ક્ષત્રીગ્રસ્ત થયા હોવાની ફરિયાદ મળી હતી જેના પગલે ચૂંટણી તંત્રએ તાત્કાલીક કાર્યવાહી કરીને વીવીપેટને બદલી નાખ્યા હતા.