રાજકોટવાસીઓએ ભાજપ તરફી જ મતદાન કર્યું છે, અમે તમામ ૭૨ બેઠકો જીતીશું: કમલેશ મિરાણી
રાજકોટ મહાનગરપાલિકાના ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટે ગઈકાલે યોજાયેલા મતદાનમાં ૫૦.૭૫ ટકા જેટલું મતદાન થવા પામ્યું છે. ગત ચૂંટણીની સરખામણીએ મતદાનની ટકાવારીમાં માત્ર ૦.૭૧ ટકાનો જ વધારો થયો છે. આવતીકાલે સવારથી અલગ અલગ છ સ્થળોએ મત ગણતરી હાથ ધરવામાં આવશે. દરમિયાન આજે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાની જીતના દાવા રજૂ કર્યા હતા. ભાજપ અને કોંગ્રેસે એવું કહ્યું હતું કે, અમે પૂર્ણ બહુમત સાથે સત્તા પર આવીશું તો આપે કહ્યું કે, અમે નિર્ણાયક સાબીત થશું.
૨૦૦૦નું પુનરાવર્તન થશે, કોંગ્રેસ ૪૪ થી ૪૬ બેઠકો જીતી કોર્પોરેશનમાં સત્તારૂઢ થશે: અશોકભાઈ ડાંગર
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ જણાવ્યું હતું કે, ભાજપના કાર્યકર્તાઓ સતત પ્રજાની વચ્ચે રહ્યાં છે. પેજ સમીતીના પ્રમુખોની નિમણૂંક અમારા માટે બ્રહ્માસ્ત્ર સાબીત થશે. રાજકોટવાસીઓએ ભાજપ તરફી જંગી મતદાન કર્યું છે અને અમે શરૂઆતથી જ શહેરના ૧૮ વોર્ડની તમામ ૭૨ બેઠકો જીતવા તૈયારીઓ કરી રહ્યાં હતા જેમાં અમને પૂર્ણ સફળતા મળે તેવું લાગી રહ્યું છે. અમે તમામ ૭૨ બેઠકો પર જીતવા માટેનો વિશ્ર્વાસ ધરાવીએ છીએ. એક વાત ફાઈનલ છે કે રાજકોટમાં ફરી એકવખત ભાજપ પૂર્ણ અને જંગી બહુમત સાથે મહાપાલિકાની સત્તાની ડોર સંભાળવા જઈ રહ્યું છે.
કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો ચોંકાવનારા રહેશે: રાજભા ઝાલા
શહેર કોંગ્રેસ સમીતીના પ્રમુખ અશોકભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, ભાજપના ગઢ ગણાતા વોર્ડમાં ઓછુ મતદાન અમારા માટે ફાયદાકારક રહેશે. પછાત વિસ્તારમાં મતદાનની ટકાવારી ખુબ સારી રહી છે જે કોંગ્રેસને ચોક્કસ ફાયદો કરાવશે. લોકડાઉન દરમિયાન લોકોને આડેધડ ફટકારવામાં આવેલા ઈ મેમા, પેટ્રોલ-ડિઝલના સતત વધતા જતાં ભાવના કારણે લોકો મોંઘવારીથી રીતસર ત્રાહિમામ પોકારી ગયા હતા અને ગુંડાગીરી પણ સતત વધી રહી છે જેનાથી લોકો હવે પરિવર્તન ઈચ્છી રહ્યાં છે અને મહાપાલિકામાં વર્ષ ૨૦૦૦નું પુનરાવર્તન થાય તે નિશ્ર્ચિત છે. કોંગ્રેસ ૪૪ થી ૪૬ બેઠકો જીતી કોંગ્રેસ મહાપાલિકામાં સત્તારૂઢ થશે તેવો અમને સંપૂર્ણ વિશ્ર્વાસ છે.
મહાપાલિકાની ચૂંટણીમાં પ્રથમ વખત શહેરના ૧૮ વોર્ડની તમામ ૭૨ બેઠકો પર ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટી પણ આ વખતે ચોંકાવનારા પરિણામો માટે આશાવાદી છે. આમ આદમી પાર્ટીના રાજકોટ શહેરના પ્રમુખ રાજભા ઝાલાએ જણાવ્યું હતું કે, હું વાસ્તવિકતા હંમેશા સ્વીકારૂ છું, મહાપાલિકાની ચૂંટણીમાં અમે એક નિર્ણાયક પરિબળ સાબીત થશું અને પરિણામો ખુબજ ચોંકાવનારા રહેશે. અમે ભલે પૂર્ણ બહુમત સાથે શાસન સંભાળવાનો દાવો ન કરતા હોય પરંતુ અમારી ભુમિકા ચોક્કસ નિર્ણાયક રહી શકે છે. શહેરીજનોને સર્વશ્રેષ્ઠ આપવા માટે અમે તમામ પ્રયાસો કર્યા છે અને ચૂંટણી ઢંઢેરો નહીં પરંતુ ગેરંટી કાર્ડ જાહેર કર્યું છે. હવે જોઈએ કે પરિણામ શું આવે છે. મહાપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ મુખ્ય ત્રણેય પક્ષોએ પોતાની જીતના દાવા રજૂ કર્યા છે પરંતુ રાજકોટવાસીઓ કોના પર રીઝશે તે આવતીકાલે જ ખ્યાલ આવશે.