ભાજપની કેન્દ્રીય ચુંટણી સમિતિની બેઠક: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના દિલ્હીમાં ધામા: કોંગ્રેસ પણ આજે ગુજરાતની ૨૬ પૈકી ૨૨ બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી શકે
લોકસભાની ચુંટણીના પ્રથમ તબકકાના મતદાન માટે જાહેરનામું પ્રસિઘ્ધ થયા બાદ ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષોએ ઉમેદવારોના નામો જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ભાજપે ગઈકાલે પોતાની ઉમેદવારોની પ્રથમ યાદીમાં ૧૮૨ બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરી હતી જેમાં ગુજરાતની રાજધાની ગાંધીનગર બેઠક પરથી ખુદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ ચુંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
દરમિયાન ગુજરાતની બાકી રહેતી લોકસભાની ૨૫ બેઠકો માટે આજે મોડીરાત સુધીમાં ભાજપ ઉમેદવારોના નામની જાહેરાત કરી દે તેવી સંભાવના જણાઈ રહી છે. આજે સાંજે ભાજપની કોર ગ્રુપની બેઠક અને ત્યારબાદ કેન્દ્રીય ચુંટણી સમિતિની બેઠક મળનાર છે જેમાં સંભવિત ઉમેદવારોના નામ પર ચર્ચા-વિચારણા બાદ નામની સંભાવના જણાઈ રહી છે બીજી તરફ કોંગ્રેસે ગુજરાતની ૪ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. બાકીની ૨૨ બેઠકો માટે આજે કોંગ્રેસ પણ ઉમેદવારો જાહેર કરી શકે છે.
ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો માટે ત્રીજા તબકકામાં ૨૩ એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે. આગામી ૨૮મી માર્ચના રોજ વિધિવત ચુંટણી જાહેરનામું પ્રસિઘ્ધ થશે તે પહેલા ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી દે તેવું લાગી રહ્યું છે. કારણકે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમતિથી અને મતદાનની તારીખ વચ્ચે માત્ર ૧૭ દિવસનું અંતર હોવાના કારણે છેલ્લી ઘડીએ ઉમેદવારના નામ જાહેર કરવામાં આવે તો ચુંટણીપ્રચાર માટે પુરતો સમય ન મળી શકે.
આ બાબતને ધ્યાનમાં રાખી ચુંટણીના સતાવાર જાહેરનામા પૂર્વે જ ઉમેદવારોના નામ ઘોષિત કરી દેવામાં આવશે. આજે સાંજે ભાજપ કોર ગ્રુપની બેઠક મળનારી છે જેમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિતના સંગઠનના હોદેદારો દિલ્હી પહોંચી ગયા છે. કોર ગ્રુપની બેઠક બાદ ભાજપની કેન્દ્રીય ચુંટણી સમિતિની બેઠક મળશે જેમાં ગુજરાતની બાકી રહેતી ૨૫ બેઠકો માટે ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા હાથ પર લેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક માટે ભાજપે ગઈકાલે જ ઉમેદવારના નામની ઘોષણા કરી દીધી છે. આ બેઠક પરથી ખુદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની સામાન્ય ચુંટણીમાં રાજયની તમામ ૨૬ બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજય બન્યા હતા આ પરીણામનું પુનરાવર્તન કરવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે. જીતી શકે તેવા જ ઉમેદવારોને મેદાનમાં ઉતારવા માટે પસંદગી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છની ૮ બેઠકો પૈકી ૪ બેઠકો પર વર્તમાન સાંસદોને રીપીટ કરવામાં ન આવે તેવી પણ પ્રબળ સંભાવના જણાઈ રહી છે.
ગુજરાતમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચુંટણી જંગ જામે તે વાત નિશ્ર્ચિત મનાઈ રહી છે. કોંગ્રેસે અગાઉ ગુજરાતની ૪ બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે. બાકી રહેતી ૨૨ બેઠકો માટે નામોની ચર્ચા કરવા કે ઘોષણા કરવા માટે આજે દિલ્હી ખાતે કોંગ્રેસની પણ બેઠક મળનાર છે.
ગાંધીનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અમિત શાહ સામે કોંગ્રેસ સી.કે.ચાવડાને ચુંટણીજંગમાં ઉતારે તેવું મનાઈ રહ્યું છે તો કચ્છ લોકસભા બેઠક પરથી નરેશ મહેશ્વરીને મેદાનમાં ઉતારવામાં આવે તે નિશ્ચિત છે. હાલ બંને પક્ષો ઉમેદવાર જાહેર કરવામાં એકબીજાની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આજે મોડી સાંજ સુધીમાં ભાજપ અને કોંગ્રેસ ગુજરાતની બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી દે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે.
ગુજરાતને ૨૬ સાંસદો ૩૯૫ કરોડ રૂપીયામાં પડશે !!!
આગામ ર૩ એપ્રિલે ગુજરાતમાં લોકસભાની તમામ ર૭ બેઠકો પર ચુંટણીઓ યોજનારી છે. આ ચુંટણી પાછળ આશરે ૩૯૫ કરોડ રૂ નો ખર્ચ થવાની રાજય ચુંટણી તંત્રએ સંભાવના વ્યકત કરી છે જેથી રાજયના કરદાતાઓને દરેક સાંસદને ચુંટીને મોકલવા પાછળ ૧૫.૧૯ કરોડ રૂનો ખર્ચ થવાની શકયતા છે. જો કે આ ચુંટાયેલા સાંસદો પોતાના વિસ્તારના વિકાસ માટે રપ કરોડ રૂ નું રકત ફાળવી શકે છે. ૨૦૦૯ માં યોજાયેલી લોકસભાની ચુંટણી કરતા ૨૦૧૯ ની ચુંટણી પાછળ થનારા ખર્ચમાં સાડા ત્રણ ગણો વધારો થવાનો છે. પરંતુ ચુંટણીઓમાં થતાં મતદાનની ટકાવારી હજુ નોંધપાત્ર વધારો થતો નથી.
ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલીક્રિષ્નાએ જણાવ્યું હતું કે ચુંટણી પાછળ થતા ખર્ચ સાથે મતદાનની ટકાવારીની સરખામણી થવી જોઇએ. નહી તેમણે વધેલા ખર્ચ પાછળ ૨૦૦૯ બાદ સુધારા ચુંટણી ફરજ પરના કર્મચારીઓના થયેલા પગાર સુધારા,રાખવામાં આવતા વાહનોમાં થયેલો ભાડા વધારો, ખોરાક અને વિવિધ સુવિૅધાઓ પુરી પાડવાની કિંમતમાં થયેલો વધારો આ ચુંટણી ખર્ચમાં થયેલા વધારા માટે કારણભૂત ગણી શકાય.
ઉપરાંત, રાજયમાં મતદાન બુથોની સંખ્યામાં વધારો થવા પામ્યો છે. આ પહેલા માઇક્રો ઓબ્વર્ઝર ન હતા ચુંટણી પંચ દ્વારા હવે દરેક બેટકો પર માઇક્રો ઓબ્વઝેરની નિમણુંકથી પણ ખર્ચમાં વધારો થવા પામ્યો છે. તેમ ક્રિષ્નાએ જણાવીને ઉમેર્યુ હતું કે સંવેદનશીલ બુથની લાઇવ વેબ કાસ્ટીંગ ના કારણે ખર્ચમાં વધારો થયો છે. રાજયમાં પાંચ હજાર કરતા વધારે સંવેદનશીલ બુથો પર વેબકાસ્ટીંગથી મતદાન પર નજર રાખવામાં આવનારી છે જેથી પણ ખર્ચમાં વધારો થવાની સંભાવના છે.