કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું હોય કાલે જનરલ બોર્ડમાં નગરસેવકોના પ્રશ્ર્નોની ચર્ચા કરવાને બદલે લેખિતમાં જવાબ આપી દેવાશે: મેયર ડો.પ્રદિપ ડવે વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી સાથે ચર્ચા કર્યા બાદ કરી સત્તાવાર જાહેરાત
જનરલ બોર્ડમાં વંદે માતરમ્ ગાન બાદ દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે: ભાજપે સંકલન બેઠક પણ ટૂંકાવી
રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે જનરલ બોર્ડની બેઠક પૂર્વે આજે શાસક પક્ષ ભાજપ અને વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જનરલ બોર્ડમાં પ્રશ્નોત્તરી કાળ રદ્ કરી દેવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું હોય બોર્ડમાં નગરસેવકોના પ્રશ્નની ચર્ચા કરવાને બદલે તેઓને લેખિતમાં જવાબ આપી દેવામાં આવશે. બીજી તરફ ભાજપના 4 કોર્પોરેટરો સંક્રમિત થયા હોવાના કારણે બોર્ડ પૂર્વે મળનારી ભાજપની સંકલન બેઠક પણ ટૂંકાવી દેવામાં આવી છે.
કોરોનાનું સંક્રમણ અટાવવા માટે સૌથી મહત્વપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું છે. જનરલ બોર્ડની બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના 72 નગરસેવકો ઉપરાંત 50થી વધુ અધિકારીઓ અને પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મિડીયાના પ્રતિનિધીઓ ઉપરાંત પ્રેક્ષકોની ઉપસ્થિતિ હોય છે. આવામાં જો કોઇ એક વ્યક્તિને પણ કોવિડ હોય તો સંક્રમણ વધવાની સંભાવના વધી જાય છે ત્યારે જનરલ બોર્ડમાં સૌથી વધુ સમય પ્રશ્નોત્તરી કાળનો રહેતો હોય છે. જેમાં નગરસેવકોએ પૂછેલા પ્રશ્નો અંગે અધિકારીઓ સતત એક કલાક સુધી જવાબો આપતાં હોય છે. સામસામી આપેક્ષબાજીના કારણે દર વખતે બોર્ડ તોફાની બની રહેતું હોય છે.
દરમિયાન આજે બપોરે મેયર ડો.પ્રદિપ ડવે વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી સમક્ષ એવી વાત મૂકી હતી કે કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. 4 કોર્પોરેટરો અને અનેક અધિકારીઓ હાલ સંક્રમિત થઇ ગયા છે. આવામાં જો આવતીકાલે મળનારી બોર્ડની બેઠકમાં પ્રશ્નોત્તરી કાળનો એક કલાક સમય રદ્ કરી દેવામાં આવે અને જે નગરસેવકોએ પ્રશ્નો રજૂ કર્યા છે તેને જવાબ લેખિતમાં આપી દેવામાં આવે અને ત્યારબાદ સિધી એજન્ડાની આઇટમ હાથ પર લેવામાં આવે. આ જનહિતકારી સૂચનનું વિરોધ પક્ષ દ્વારા સ્વિકાર કરવામાં આવ્યો હતો.
મેયર ડો.પ્રદિપ ડવે બપોરે સત્તાવાર એવી જાહેરાત કરી હતી કે કાલે મળનારી જનરલ બોર્ડની બેઠકમાં પ્રશ્નોત્તરી કાળ રદ્ કરવામાં આવ્યો છે અને તમામ નગરસેવકોને તેઓએ પૂછેલા પ્રશ્નોના જવાબ લેખિતમાં આપી દેવામાં આવશે. વંદે માતરમ્ ગાન પૂર્ણ થયા બાદ દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવશે. અધિકારીઓની હાજરી પણ લિમિટમાં રાખવા સૂચના આપી દેવામાં આવી છે. આવતીકાલે મળનારી જનરલ બોર્ડની બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના 15 કોર્પોરેટરોએ 31 પ્રશ્નો રજૂ કર્યા હતા. જે તમામને લેખિતમાં જવાબ મળી જશે.
બોર્ડ સમક્ષ મંજૂરી અર્થે કુલ પાંચ દરખાસ્તો રજૂ કરવામાં આવી છે. જેમાં હોસ્પિટલ હેતુ માટેના અનામત પ્લોટનું હેતુફેર કરવાની દરખાસ્ત નામંજૂર કરાશે તે અંગે અગાઉ જ નિર્ણય જાહેર કરી દેવામાં આવ્યો છે. કાલે જનરલ બોર્ડમાં બે અરજન્ટ બિઝનેશ દરખાસ્ત મૂકવામાં આવી છે, જેમાં મેડિકલ ઓફિસર ઓફ હેલ્થની નિમણૂંક કરવા અને સિટી ઇજનેરની નિમણૂંક કરવા અંગેની નિર્ણય લેવામાં આવશે.