મ્યુનિ.કમિશનરના આદેશ બાદ એસ્ટેટ શાખા ઉતારવાની કામગીરીમાં જોતરાય: નવરાત્રીના બેનરો ન ઉતારવા આડકતરી સુચના

રંગીલા રાજકોટના રાજમાર્ગો પર ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો તથા અલગ-અલગ સંસ્થાઓ દ્વારા મંજુરી વિના આડેધડ ખડકી દેવામાં આવેલા મહાકાય બેનરો અને ઝંડીના કારણે શહેરની શોભા હણાઈ ગઈ છે. જુન માસમાં વડાપ્રધાન રાજકોટની મુલાકાતે આવ્યા હતા ત્યારે ભાજપે લગાવેલી કમળની ઝંડીઓ હજી સુધી ઉતારવામાં આવી નથી ત્યાં કોંગ્રેસે રાહુલ ગાંધીને આવકારતા મહાકાય બેનરો અને ઝંડીઓ ખડકી દેતા રાજકોટની શોભા વધુ ખરાબ થઈ ગઈ છે. મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીના કડક આદેશ બાદ દબાણ હટાવ શાખા દ્વારા ગઈકાલ સાંજથી રાજમાર્ગો પર લાગેલી ઝંડીઓ અને બેનરો ઉતારી લેવાની કામગીરી પુરજોશમાં શ‚ કરી દેવામાં આવી છે.આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મ્યુનિ.કમિશનરના આદેશ બાદ દબાણ હટાવ શાખા દ્વારા છેલ્લા બે દિવસથી શહેરના સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનના રાજમાર્ગો તથા સર્કલો પરથી બેનરો અને ઝંડીઓ ઉતારવાની કામગીરી યુદ્ધના ધોરણે શ‚ કરવામાં આવી છે. યાજ્ઞિક રોડ, ટાગોર રોડ, કાલાવડ રોડ, હોસ્પિટલ ચોક, જવાહર રોડ, ચૌધરી હાઈસ્કૂલવાળો રોડ, રેસકોર્ષ રીંગ રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ સહિતના વિસ્તારોમાં રાજમાર્ગો પર ઈલેકટ્રીક પોલ કે બાગ બગીચાની રેલીંગ પર લાગેલી ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો તથા સંસ્થાઓની આશરે ૫૦૦થી વધુ ઝંડીઓ અને સર્કલો પર લાગેલા ૧૦૦થી વધુ બેનરો ઉતારી દેવામાં આવ્યા છે અને હજુ પણ આ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.ઉચ્ચ અધિકારીઓ દ્વારા જે ધાર્મિક કાર્યક્રમ બાકી છે તેના બેનરો દુર ન કરવા અને નવરાત્રીના બેનરો ન હટાવવા સુચના આપવામાં આવી હોય. અત્યારે આવા ધાર્મિક બેનરો કે ઝંડીઓ ઉતારવામાં આવી ન હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.