સવારે વિપક્ષી નેતાઓ સમાધાન કરાવતા મામલો થાળે પડયો રેંકડી ધારકોને ત્રણ જગ્યાના વિકલ્પ અપાયા: હવે નિર્ણય લેવાશે
જામનગરમાં જાહેર રસ્તા ઉપરથી રેંકડીઓ દૂર કરવા મુદ્દે ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા કમિશ્નરના કાર્યાલયમાં આખી રાત ધરણા કરવામાં આવ્યા હતા. જો કે સવારે વિપક્ષના નેતા અને ભાજપ કોર્પોરેટરે મઘ્યસ્થી કરી મઘ્યસ્થી કરી સમાધાનકારી વલણ અપનાવી ધરણા પૂર્ણ કરાવ્યા હતા.
જામનગર મહાનગરપાલિકા દ્વારા રોડ ઉપરથી રેંકડી દૂર ખસેડવાના મુદ્દે ભાજપ, કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા ધરણાં શરૃ કરવામાં આવ્યા હતાં જે આખી રાત ચાલુ રહ્યા હતાં. આ માટે વિપક્ષના નેતા અને સ્થાનિક કોર્પોરેટરે મધ્યસ્થી કરી હતી અને સમાધાનકારી રસ્તો કાઢી આપતા હાલ પૂરતા ધરણાંનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે.
ખોડિયાર કોલોની ૮૦ ફૂટ રોડ ઉપરથી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા રેંકડી દૂર ખસેડવા/કબજે કરવામાં આવી હતી.
આ પ્રશ્ને ભાજપના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા અને કોંગ્રેસના કોર્પોરેર જેનબબેન ખફી દ્વારા ગઈકાલથી કમિશનર કાર્યાલયમાં ધરણાં શરૃ કરવામાં આવ્યા હતાં જે રાતભર ચાલુ રહ્યા હતાં આખરે આજે વિપક્ષના નેતા અલ્તાફ ખફી અને ભાજપના સ્થાનિક કોર્પોરેટર મેરામણ ભાટુએ મધ્યસ્થી કરી હતી અને હાલ કોરોના મહામારીમાં તંત્ર વ્યસ્ત હોવાથી ૧પ દિવસની મુદ્ત આપવી આ દરમિયાન રેંકડી ધારકને ત્રણ જગ્યાના વિકલ્પ આપવામાં આવ્યા હતાં જે નક્કી થયા મુજબ રેંકડી રાખવા અંગેનો નિર્ણય લેવામાં આવશે.
આ નિર્ણય માન્ય હોવાથી આજે ધરણાંનો કાર્યક્રમ પૂર્ણ કરી દેવામાં આવ્યો હતો. આમ રાત્રિભર ચાલુ રહેલા ધરણાંના કાર્યક્રમનો હાલ પુરતો પૂર્ણ કરવામાં આવ્યો છે.