ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ગેરલાયક કોર્પોરેટર ધર્મીષ્ઠાબા જાડેજાના બોર્ડ પ્રવેશ અંગે ઉગ્ર ચર્ચાઓ: અંતે મ્યુનિ.કમિશનરને પુરાવા રજુ કરતાં ધર્મિષ્ઠાબા સ્વેચ્છાએ બોર્ડમાંથી જતા રહ્યા
રાજકોટ મહાનગર પાલિકામાં આજે સવારે મેયર બીનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને મળેલી જનરલ બોર્ડની બેઠકમાં આમ તો લોકસભાની ચુંટણીની આચારસંહિતાના કારણે એક પણ દરખાસ્ત અંગે નિર્ણય લઈ શકાયો ન હતો. સતત ત્રણ બોર્ડમાં ગેરહાજર રહેવા સબબ ગેરલાયક ઠરેલા કોંગી કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજા આજે બોર્ડ બેઠકમાં હાજર રહેતા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે હોબાળો સર્જાયો હતો.
અંતે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના પુરાવા રજુ કરતા ધર્મિષ્ઠાબા જાડેજા સ્વૈચ્છાએ સભાગૃહ છોડી ચાલ્યા જતા મામલો થાળે પડયો હતો. હાઈકોર્ટના આદેશ બાદ મહાપાલિકામાં અઢી વર્ષના લાંબા અંતરાળ પછી પ્રેક્ષકો માટે ગેલેરી ખોલવામાં આવી હતી.
આજે સવારે મહાપાલિકામાં મળેલી જનરલ બોર્ડની બેઠકમાં વોર્ડ નં.૧૮ના કોંગી કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજા જેઓ અગાઉ સતત ૩ બોર્ડમાં ગેરહાજર રહેતા ગેરલાયક ઠર્યા છે અને હાલ તેઓના સભ્યપદ અંગે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે ત્યારે આજે જનરલ બોર્ડમાં ધર્મિષ્ઠાબા જાડેજા હાજર રહેતા ભારે ગરમા-ગરમી સર્જાઈ જવા પામી હતી. ભાજપના નગરસેવકોએ તેઓની બોર્ડમાં ઉપસ્થિતિ અંગે વાંધો ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે, સેકશન-૧૨ મુજબ કોઈ કોર્પોરેટર ગેરલાયક ઠર્યા હોય અને કોર્ટમાં મેટર ચાલુ હોય તો તેઓ જનરલ બોર્ડ કે અન્ય કોઈ બેઠકમાં હાજરી આપી શકતા નથી.
જો અદાલતનો અભિપ્રાય લેવામાં આવે અને અદાલત છુટ આપે તો જ સભ્ય બોર્ડમાં બેસી શકે છે. જેની સામે કોંગ્રેસના કોર્પોરેટરોએ પણ ઉગ્ર દલીલ કરી હતી અને એવી માંગણી કરી હતી કે જો કાયદામાં જોગવાઈ હોય તો તે લેખિતમાં બતાવવામાં આવે જેની સામે ભાજપના સિનિયર કોર્પોરેટર નિતીનભાઈ ભારદ્વાજે જણાવ્યું હતું કે, જનરલ બોર્ડ નિયમ મુજબ જ ચાલશે કોઈને લેખિતમાં કે પુરાવા આપવાની જરૂર નથી. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ મુદ્દે સતત ૧૫ મિનિટ સુધી ઉગ્ર બોલાચાલી થઈ હતી. કોંગ્રેસના કોર્પોરેટરોએ એવો પણ આક્ષેપ લગાવ્યો હતો કે ભાજપના નગરસેવકો તો જનરલ બોર્ડમાં હાજરી પુરવાની પણ તસ્દી લેતા નથી. પક્ષની સંકલન બેઠકમાં જ હાજરીઓ પુરાઈ જાય છે.
આ હોબાળા વચ્ચે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ ગેરલાયક ઠરેલા અને કોર્ટમાં કેસ ચાલતા હોય તેવા નગરસેવક જનરલ બોર્ડમાં હાજરી આપી શકતા નથી તેવા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના પુરાવા રજુ કરતા અંતે ધર્મિષ્ઠાબા જાડેજાએ સ્વૈચ્છાએ સભાગૃહમાંથી ચાલ્યા જતાં મામલો શાંત પડયો હતો. આજે જનરલ બોર્ડમાં મંજુરી અર્થે મુકવામાં આવેલી તમામ દરખાસ્તો લોકસભાની ચુંટણીની આચારસંહિતાના કારણે પેન્ડીંગ રાખવામાં આવી હતી.
અઢી વર્ષના અંતરાલ બાદ પ્રેક્ષકો માટે ખુલ્લી ગેલેરી
કોંગ્રેસના કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં તત્કાલીન મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય સામે લોલીપોપનો ઘા કરતા તત્કાલીન મેયરે પ્રેક્ષકો માટે પ્રેક્ષક ગેલેરી બંધ કરવાનો આદેશ આપ્યો હતો. છેલ્લા અઢી વર્ષથી પણ વધુ સમયથી મહાપાલિકામાં જનરલ બોર્ડ કે ખાસ બોર્ડમાં પ્રેક્ષકો માટે ગેલેરી બંધ રહે છે. આ અંગે એક સંસ્થા દ્વારા હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરતા અદાલતે પ્રેક્ષકો માટે ગેલેરી ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો હતો જેના કારણે આજે જનરલ બોર્ડમાં પ્રેક્ષકો માટે ગેલેરી ખોલવામાં આવી હતી.
બોર્ડની ગરિમા ન જાળવનાર ફાયર બ્રિગેડના માર્શલ અને પોલીસ જવાનોને સસ્પેન્ડ કરવા મેયરની માંગણી
આજે મહાપાલિકામાં મળેલી જનરલ બોર્ડની બેઠકમાં ગેરલાયક ઠરેલા કોંગી કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજા સભાગૃહમાં પહોંચી ગયા ત્યાં સુધી ફાયર બ્રિગેડના માર્શલ અને એ ડિવીઝન પોલીસ સ્ટેશનના જવાનોએ તેઓને રોકવાની તસ્દી લીધી ન હતી. આટલું જ નહીં સભાગૃહના અધ્યક્ષ એવા મેયર બીનાબેન આચાર્યના આદેશનું પણ પાલન કર્યું ન હતું. બોર્ડની ગરીમા ન જાળવનાર ફાયર બ્રિગેડના માર્શલ અને પોલીસ સામે તાત્કાલિક અસરથી શિક્ષાત્મક પગલા લેવા અને જ‚ર પડે તો સસ્પેન્ડ કરવાની માંગણી આજે મેયરે કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે વાતચીત દરમિયાન મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, ધર્મિષ્ઠાબા જાડેજા કોર્પોરેટર પદેથી ગેરલાયક ઠર્યા હોવા છતાં તેઓએ સભાગૃહમાં પ્રવેશ કર્યો હતો ત્યારે મેં ફાયર બ્રિગેડના માર્શલ અને એ ડિવીઝન પોલીસ સ્ટેશનના જવાનોને એવો આદેશ આપ્યો હતો કે, ધર્મિષ્ઠાબાને તાત્કાલિક અસરથી સભાગૃહની બહાર કાઢવામાં આવે. આટલું જ નહીં પ્રેક્ષક ગેલેરીમાં કોંગ્રેસના નગરસેવકો સાથે વાતચીત કરતા હતા.
જેમાં બોર્ડની ગરીમા જળવાતી ન હતી. આ પ્રવૃતિ પણ બંધ કરવા સભા અધ્યક્ષ તરીકે મેં આદેશ આપ્યો હતો છતાં ફાયર બ્રિગેડના માર્શલ કે ફરજ પર હાજર પોલીસ જવાનોએ મારા આદેશનો અનાદર કરી જનરલ બોર્ડનું અપમાન કર્યું છે. બોર્ડની ગરીમા જાળવવામાં નિષ્ફળ રહેનાર ફાયર બ્રિગેડના માર્શલ અને પોલીસ સામે શિક્ષાત્મક પગલા લેવા અને જ‚ર પડે તો સસ્પેન્ડ કરી દેવા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને લેખિતમાં રજુઆત કરી છે.