હોસ્પિટલનું નવું બિલ્ડીંગ મંજૂર કરાવ્યાનો જશ ખાટવા ભાજપના સાંસદ રમેશભાઈ ધડુક અને કોંગ્રેસના ધારાસભ્ય લલીતભાઈ વસોયા વચ્ચે સોશિયલ મીડિયામાં જામ્યુ યુદ્ધ
ગુજરાત સરકાર દ્વારા બજેટ ચર્ચા દરમિયાન ઉપલેટાની કોટેજ હોસ્પિટલનું નવું બિલ્ડીંગ બાંધવા માટે રૂા.૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જાહેરાત થતાં જ ઉપલેટાના ધારાસભ્ય લલીત વસોયા અને પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકના ટેકેદારો વચ્ચે બિલ્ડીંગની મંજુરી બાબતે જશ ખાટવા સોશિયલ મીડિયામાં પોસ્ટમાં મારો ચલાવાઈ રહ્યો છે. ત્યારે મીડિયાએ લોકોને ખરી હકીકત શું છે તે માટે સોશિયલ મીડિયામાં મુકાયેલા પત્રોને ધ્યાનમાં રાખી સરકારી કોટેજ હોસ્પિટલ નવા બિલ્ડીંગમાં ભાજપ-કોંગ્રેસની ભૂમિકા શું છે તે જનતા સમક્ષ મુકવાનો પ્રયાસ કરેલ છે. પણ હાલમાં તો ભાજપ-કોંગ્રેસના ટેકેદારો દ્વારા સોશ્યલ મીડિયામાં પોસ્ટ દોડધામ મચાવી રહી છે.
૨૦૧૭ની સામાન્ય વિધાનસભાની ચૂંટણીમાં ધોરાજી-ઉપલેટા વિધાનસભાની બેઠક માટે ભાજપ-કોંગ્રેસ માટે અસ્તિત્વના જંગ સમાન બની ગઈ હતી. બન્ને પક્ષોએ ટકોરા બંધ ઉમેદવારો મેદાનમાં ઉતારી સામ, દામ, દંડી ભાજપ-કોંગ્રેસ બેઠક કબજે કરવા છેલ્લી ઘડીના પ્રયાસો કર્યા હતા. તેમાં પાસના આંદોલનને કારણે જાણીતો ચહેરો બની ગયેલા અને સ્થાનિક ઉમેદવારને કારણે ધારાસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે આ બેઠક ઉપર ધીંગી બહુમતીથી વિજય થયો હતો. ત્યારથી આ વિધાનસભાના મત વિસ્તારમાં ભારે ચડાઉ-ઉતાર જોવા મળી રહ્યાં છે. કોંગ્રેસના ઉમેદવાર આર્થિક રીતે નબળા ગણાય છે પણ કામની દ્રષ્ટીએ બળુકા ગણવામાં આવે છે. જ્યાંથી તેઓ વિધાનસભામાં ચૂંટાયા ત્યારથી દર ત્રણ માસે ગ્રામ્ય વિસ્તારમાં પ્રયાસો કરી પ્રજાની વચ્ચેથી પ્રશ્ર્નો જાણી વિવિધ કચેરીઓમાં રૂબરૂ અને ટેલીફોનીક કે પત્ર દ્વારા રજૂઆત કરતા હોય છે. પણ ચૂંટાયા ત્યારે તેઓએ રોડ, રસ્તા, પાણી અને આરોગ્ય સેવાને પ્રાથમિકતા આવી. આ વિસ્તારના પ્રશ્ર્નો હાથ ઉપર લીધા હતા. જેમાં સર્વપ્રથમ તેઓએ વેણુ ડેમ જુથ યોજના વેણુ-૧ અને ૨માંથી સારી રીતે પાણી મળી રહે તે માટે સરકારમાંથી ૫૨ કરોડ ૮૦ લાખ રૂપિયા મંજૂર કરાવેલ હતા. ત્યારબાદ ઉપલેટા તાલુકાના રોડ-રસ્તા માટે ૧૦૦ કરોડ રૂપિયા મંજૂર કરાવેલ હતા. છેલ્લે તેઓ આરોગ્ય સેવા તાલુકાની જનતાને સારા મળી રહે તે માટે ઉપલેટાની સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડીંગ માટે સરકારમાં તા.૨૮/૪/૨૦૧૮ના રોજ રાજ્યના નાણામંત્રી નિતીનભાઈ પટેલને રૂબરૂ મળી ઉપલેટા કોટેજ હોસ્પિટલનું બિલ્ડીંગ ૪૩ વર્ષ જૂનું હોય અત્યારની વસ્તીને ધ્યાનમાં રાખી આ બિલ્ડીંગ સાવ નાનું પડે છે.
ઓપીડી અને આઈપીડીમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવી રજૂઆત કરેલ સરકારના નાણા મંત્રાલય દદ્વારા ધારાસભ્ય લલીત વસોયાની રજૂઆતને પગલે તા.૨/૬/૨૦૧૮ના રોજ કોટેજ હોસ્પિટલના નવા બિલ્ડીંગ બનાવા માટેની દરખાસ્ત મંજૂર કરવામાં આવી તેવો લેટર દારાસભ્યને મળેલ છતાં ત્યારબાદ સૌધ્ધાંતિક મંજૂરી માટે બજેટમાં લેવાનું હોવાથી માત્ર જાહેરાત બાકી હતી. તે ગયા અઠવાડિયે મળેલ વિધાનસભાના સત્રમાં જાહેરાત કરવામાં આવી કે ઉપલેટા કોટેજ હોસ્પિટલ માટે નવું બિલ્ડીંગ બનાવવામાં આવશે. ત્યારથી ભાજપ અને કોંગ્રેસ દ્વારા જશ ખાટવા સોશ્યલ મીડિયામાં પોસ્ટર યુદ્ધનો મારો ચલાવાઈ રહ્યો છે.
જ્યારે સાંસદ રમેશભાઈ ધડુકના ટેકેદારો દ્વારા રમેશ ધડુક માત્ર વાતો નહીં વચન પાલન છે તેવી પોસ્ટ સો રમેશભાઈ ધડુકે નવા બિલ્ડીંગ બાંધવા માટે તા.૧૭/૧૧/૨૦૧૯ નાણામંત્રી નીતિનભાઈ પટેલને પત્ર લખેલ હતો. તેના અનુસંધાને તા.૨૫/૧૧/૨૦૧૯ના રોજ નાયબ નિયામક આરોગ્ય અને તબીબી વિભાગ દ્વારા સાંસદ રમેશભાઈ ધડુકને આ બિલ્ડીંગના બાંધકામની દરખાસ્ત કરી દેવામાં આવી છે તેવો જાણ કરતો પત્ર મોકલ્યો છે. આ ઉપરાંત તા.૨૬ નવેમ્બર ૨૦૧૯ના રોજ નાણામંત્રીના કાર્યાલય દ્વારા પણ પત્ર મોકલવામાં આવ્યો હતો તે રમેશભાઈ ધડુકના કાર્યાલયે ઈ.ન.નંબર ૭૮૧ તા.૩૦/૧/૨૦૧૯ના મળેલ છે. ત્યારે ભાજપ કોંગ્રેસના સોશ્યલ મીડિયામાં પોસ્ટર યુદ્ધમાં ખરેખર કોંગ્રેસના ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ સાંસદ રમેશભાઈ ધડુક લોકસભામાં ચૂંટાયા પણ નહોતા ત્યારે સરકારી હોસ્પિટલનું નવું બિલ્ડીંગ બાંધવાની રજૂઆત ૨૮/૪/૨૦૧૮ના રોજ કરી દીધેલ છે. જ્યારે સાંસદ રમેશભાઈ ધડુકે તા.૧૭/૧૧/૨૦૧૯ના રોજ રજૂઆત કરેલ હતી. ત્યારે તો નવું બિલ્ડીંગ બાંધવાની દરખાસ્ત પણ મંજૂર થઈ ગયેલ હતી તો પણ સાંસદ રમેશભાઈ ધડુકના ટેકેદારો દ્વારા સાંસદની પોસ્ટર મુકી ઉપલેટા કોટેજ હોસ્પિટલનાં નવા મંજૂર થયેલ બિલ્ડીંગના લિંબડ જસ ખાટવા નિકળી પડ્યા છે. સોશ્યલ મીડિયાની સાથે સાથે વર્તમાન પત્રોમાં પણ ખોટા સમાચારો મોકલી પ્રજાને ગુમરાહ કરી રહ્યાં છે. ભાજપ-કોંગ્રેસના બન્નેના પત્ર વ્યવહારોની નકલો પણ તારીખ-વાર સહિત અહીં છાપી જનતાને સાચી હકિકત શું છે તે માટે મુકી છે.
નાણામંત્રી નીતિનભાઈ પટેલનાં વીડિયો પણ વાયરલ થયાં
ઉપલેટા કોટેજ હોસ્પિટલના મંજૂર થયેલ નવા બિલ્ડીંગમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને જશ ખાટવા નિકળ્યા છે ત્યારે રાજ્યના મંત્રી નિતીનભાઈ પટેલ પણ વિધાનસભાના સત્રમાં પણ કહેલ કે ઉપલેટાના ધારાસભ્ય લલીતભાઈ વસોયાની વારંવાર રજૂઆતના પગલે આ નવું બિલ્ડીંગ મંજૂર કરવામાં આવેલ છે. તેવો વીડિયો પણ કોંગ્રેસના મિત્રોએ વાયરલ કર્યા છે.