મોદી પાસે દર 5 વર્ષે પોતાની જાતને બ્રાડ તરીકે પ્રસ્થાપિત કરવાનો ઐતિહાસિક રેકોર્ડ છે, પણ કર્ણાટકમાં વિપક્ષે સાબિત કરી બતાવ્યું કે જો તે મહેનત કરે તો ભાજપને મ્હાત આપી શકે
મોદી લહેર ચાલે છે તેમા કોઈ શક નહિ, પરંતુ કર્ણાટકમાં જીત બાદ વિપક્ષ પણ રાષ્ટ્રીય કક્ષાએ સક્રિય થશે એટલે માત્ર મોદી મેજીક ઉપર આધાર રાખવો જોખમી બની શકે
માત્ર મોદીના નામે ભાજપ 2024ની વૈતરણી પાર કરી નહિ શકે. હવે આના માટે પક્ષે કામ કરી બતાવવા પડશે અને વ્યૂહરચના ઘડવી પડશે. મોદી પાસે દર 5 વર્ષે પોતાની જાતને બ્રાડ તરીકે પ્રસ્થાપિત કરવાનો ઐતિહાસિક રેકોર્ડ છે, પણ કર્ણાટકમાં વિપક્ષે સાબિત કરી બતાવ્યું કે જો તે મહેનત કરે તો ભાજપને મ્હાત આપી શકે છે. કર્ણાટકમાં વડાપ્રધાને વિશાળ રોડ શો યોજ્યો, ઘણો પ્રચાર કર્યો તેમ છતાં ત્યાં મોદી લહેર ન ચાલી એ ભાજપ માટે ચિંતનનો વિષય બન્યો છે.
બીજી તરફ, ભાજપની હારથી વિપક્ષમાં નવજીવન આવ્યું છે, જો કે કોંગ્રેસ નહીં, બીજી અનેક પાર્ટીઓ પણ ઉત્સાહિત જોવા મળી છે તેઓએ માની લીધું છે કે ભાજપને હરાવવું શક્ય છે. અત્યાર સુધી મોદીનું નામ જ ચૂંટણી માટે કાફી હતું. ડબલ એન્જીનની સરકારનો વ્યૂહ દરેક ચૂંટણીમાં કામ કરતો હતો. પણ કર્ણાટકમાં આવુ શક્ય બન્યું નહિ.
આવી સ્થિતિમાં એક મોટો પ્રશ્ન ઉભો થવો જોઈએ કે શું 2024માં મોદીનો કરિશ્મા રહેશે? જો કે આ વિશે નક્કર કોઈ જવાબ આપવા હજુ પણ નિષ્ણાંતો માથું ખંજવાળવા લાગે છે. પણ એટલું ચોક્કસથી જરૂર કહે છે કે માત્ર મોદીના નામે ચૂંટણી જીતવાનો પ્રયત્ન હવે જોખમી સાબિત થઈ શકે છે.
ભૂતકાળમાં, વડાપ્રધાન મોદીએ 2002 માં ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે દર પાંચ વર્ષે પોતાની જાતને રિબ્રાન્ડ કરવાની નોંધપાત્ર ક્ષમતા દર્શાવી છે, તેઓ 2007 માં હિન્દુત્વનો માસ્કોટ હતા, તેઓ વિકાસના આઇકોન બન્યા હતા. 2012 માં, જ્યારે તેઓ રાષ્ટ્રીય વ્યક્તિ બની રહ્યા હતા, ત્યારે તેઓ ગુજરાતને મોડલ તરીકે દેશ સમક્ષ મુકતા હતા. જ્યારે મોદી વડાપ્રધાન બન્યા ત્યારબાદ તેઓએ કશ્મીર, પાકિસ્તાન અને તલાકને લઈને ઘણા બોલ્ડ નિર્ણયો લીધા હતા. ઉપરાંત તેઓએ કોરોનાનો સમય હોય કે પછી રશિયા યુક્રેન યુદ્ધ હોય, ભારતીયોને પાછા લાવવા પણ અસરકારક પગલાં લીધા હતા. આજે મોદી એક વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યા છે.
પરંતુ વાત જ્યારે સ્થાનિક કક્ષાની આવે ત્યારે સ્થાનિક કક્ષાએ વિકાસની વ્યાખ્યા કરતા જાગૃત મતદારો મોદીના બ્રાન્ડ નેમને સાઈડલાઈન કરતા ખચકાશે નહિ તેવું પણ નિષ્ણાંતો જણાવી રહ્યા છે. બીજી તરફ કર્ણાટકએ બતાવ્યું કે વિપક્ષ માટે શું હાંસલ કરવું શક્ય છે જ્યારે તે સાથે મળીને કામ કરી શકે છે અને જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. મોદી અને ભાજપ કંઈપણ હળવાશથી લઈ શકતા નથી. એકલો કરિશ્મા પૂરતો નથી, કારણ કે વાજપેયીને 2004માં ખબર પડી હતી. જો વિભાજિત વિપક્ષ એનડીએને હરાવી શકે છે, તો દિલ્હીને 2024 માં મોદીને હટાવવા માટે નવો વિરોધ મળી શકે છે.