ખેડૂતોની તમામ સમસ્યાઓથી વાકેફ છું, દિલ્હી જઈ ખેડૂતોની સમસ્યા હલ કરવા
પરિશ્રમની પરાકાષ્ટા સર્જી દઈશ: રમેશભાઈ ધડુકનું જગતાતને અભય વચન
દરેક નાગરિકોને મળેલા મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વમાં સામેલ થવા રમેશભાઈ ધડુકની અપીલ
આવતીકાલે લોકશાહીનું મહાપર્વ લોકસભાની ચૂંટણીમાં મતદાનની ઘડી આવી પહોંચશે. પોરબંદર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રમેશભાઈ ધડુકની સુવાસ ચોમેર પ્રસરી ગઈ છે. સત્ર તત્ર સર્વત્ર રમેશભાઈ ધડુક જ છવાયેલા નજરે પડે છે. પોરબંદર લોકસભા બેઠક વિસ્તારમાં તમામ જ્ઞાતિ સમાજો આવા આકરા તડકામાં પણ પોતાને મળેલા મતનો અધિકાર ચુકે નહીં, કમસે કમ મત નાખવા તો જાય જ એવી અપીલ રમેશભાઈએ કરી છે.
રમેશભાઈ ધડુક મુળ ગોંડલ તાલુકાનાં ઘોઘાવદર ગામના વતની છે અને વર્ષોથી ગોંડલ સ્થાયી થયા છે. શુન્યમાંથી સર્જન કરી ઉદ્યોગપતિ બન્યા હોવાને લીધે તેમના સ્વભાવની મૃદુતા અને નિખાલસતાની ઝાંખી રમેશભાઈને મળનારે અચુક પણે થઈ જાય. રમેશભાઈએ લોક સેવા એજ પ્રભુ સેવાને પોતાનો ધર્મ માની સેવાની જયોત ચાલુ રાખી છે. તેમણે અત્યાર સુધીમાં અસંખ્ય વખત કથાના આયોજનો થકી સમાજમાં, આપની સાંસ્કૃતિક જીવનમાં પ્રેરણાત્મકતાને ધબકતી રાખી છે.
રમેશભાઈ કહે છે પોરબંદર લોકસભાના ઉમેદવાર થવાનું તો મે સપને ય વિચાર્યું નહોતું. પરંતુ ઈશ્વરે મારા સેવા કાર્યોના લેખા-જોખા કરી લોકોના સેવા કાર્યોને સત્તાથી વેગ આપવાનું નકકી કર્યું હોય એવું મારૂ માનવું છે. રમેશભાઈએ પોતાના જીવનમાં અનેક તડકી-છાંયડી જોય છે. છેવાડાના માનવીને પડતી મુશ્કેલીઓથી તેઓ સુપેરે પરિચિત છે. આથી જ તેઓ કોઈપણ જાતની સત્તા ન હોવા છતાં ગોંડલમાં તેમનું કાર્યાલય ૨૦ કલાક ખુલ્લુ રહે છે. ત્યાં આવનાર દરેક લોકોની તકલીફ જાણી, સમજી અને શકય એટલી મદદ કરવાનો રમેશભાઈનો સ્વભાવ છે.
જો વિજય મળે તો પોતાના સેવા કાર્યોને બમણો વેગ મળશે તેમ તેઓ સ્પષ્ટપણે માને છે. રમેશભાઈ કહે છે મને જે કંઈ પણ પ્રાપ્ત થયું છે એ ઈશ્વ તથા સંતશ્રી દાસીજીવણની અમિદ્રષ્ટિ થકી મળ્યું છે. આથી મે કદી ઈશ્વરીય કામોમાં પાછી પાની કરી નથી અને સંત શ્રી દાસીજીવણ જયોત સદા જીવતી રાખી આરોગ્યથી લઈ શિક્ષણ ક્ષેત્ર સુધી અનેક સંસ્થાઓ શરૂ કરી છે એમ રમેશભાઈ ધડુક કહે છે. આ સંસ્થાઓનો અત્યાર સુધીમાં હજારો લોકોએ લાભ લીધો છે. સંત શ્રી દાસીજીવણની છત્રછાયા હેઠળ રમેશભાઈએ અનેક સામાજીક કાર્યો સફળતાપૂર્વક પાર પાડયા છે અને જેને લઈને ગામે ગામના લોકો તેમના ઈશ્વર કાર્યોથી વાકેફ છે.
રમેશભાઈ કહે છે મારા સંસ્કારમાં ઈશ્વર કાર્યોનું વાવેતર હોવાને લીધે જ હું જીવનભર વિવિધ કાર્યો સાથે જોડાયેલ રહીશ. આ ઉપરાંત તેઓ ખેડૂતો વિશે વાત કરતા જણાવે છે કે, હું જન્મજાત ખેડૂતનો દિકરો છું અને ખેડૂતોને પડતી તમામ મુશ્કેલીઓથી વાકેફ છું. જો લોકો મારા પર પસંદગીનો કળશ ઢોળે તો ખેડૂતોના પ્રશ્નોના નિવારણ માટે કટીબદ્ધ રહીશ. આ ઉપરાંત મારા વિસ્તારનાં કોઈપણ કાર્યને નિષ્ઠાપૂર્વક પાર પાડવા હું બંધાયેલો છું. રમેશભાઈ ધડુકને માછીમારો વિશે પુછતાં તેઓ કહે છે કે, માછીમારીનો વ્યવસાય પોરબંદરના હૃદય સમાન છે.
આથી માછીમારોને ડીઝલ પર સબસીડીથી લઈ હાલ પાકિસ્તાનમાં જે કરોડોની બોટો પકડાયેલી છે તે તમામ મારી જાણમાં છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું હંમેશ માટે લોકોનો પોતીકો રહ્યો છું, જો લોકો મને મત આપી દિલ્હી મોકલશે તો પણ હું તમારો પોતીકો જ બની રહેવાનો છું અને સત્તાના માધ્યમથી વિસ્તારના વિકાસ કાર્યો કરવા મક્કમ છું.આવતીકાલે મતદાનનો દિવસ છે. ભારતના બંધારણે દેશના તમામ નાગરિકોને મતનો અધિકાર આપીને માલીકનો દરજ્જો આપ્યો છે. દરેક વ્યક્તિ પોત પોતાના અધિકારનો ઉપયોગ અચુકપણે કરે એવી મારી નમ્ર અપીલ છે. ઉનાળાના આકરા તડકાને આપના મત અધિકાર આડે અડચણ રૂપ બનવા દેશો નહીં. વહેલી સવારે જ આપના કિંમતી અને પવિત્ર મતાધિકારનો ઉપયોગ જરૂર કરો.