૬૮ રાજકોટ પૂર્વ બેઠક માટે અરવિંદ રૈયાણી, ૭૦ રાજકોટ દક્ષિણ બેઠક માટે વર્તમાન ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને ૭૧ રાજકોટ ગ્રામ્ય બેઠક માટે લાખાભાઈ સાગઠીયાએ સમર્થકોની બહોળી ઉપસ્થિતિમાં ફોર્મ ભર્યું

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ગઈકાલે ૬૯-રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક માટે નામાંકન ફાઈલ કર્યા બાદ આજે રાજકોટની અન્ય ત્રણ સીટો માટે ભાજપના ઉમેદવારોએ સમર્થકોની બહોળી ઉપસ્થિતિમાં વિજય અડીખમ વિશ્ર્વાસ સાથે ઉમેદવારી ફોર્મ રજુ કર્યા હતા.૬૮ રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક માટે ભાજપે મહાપાલિકાના શાસક પક્ષના નેતા અરવિંદભાઈ રૈયાણી, ૭૦ રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક માટે વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ જયારે ૭૧ ગ્રામ્ય વિધાનસભા બેઠક માટે લાખાભાઈ સાગઠિયાને ટિકિટ આપી છે. આજે સવારે ૧૧ કલાકે ભાજપના ત્રણેય ઉમેદવારોએ બહુમાળી ભવન ચોક સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. આ તકે બહોળી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉમટી પડયા હતા. ભાજપે રાજકોટની ૪ બેઠકો પૈકી ૨ બેઠકો પર પાટીદાર સમાજને ટિકિટની ફાળવણી કરતા સામાપક્ષે કોંગ્રેસે પણ ભાજપની આ નીતિને અખત્યાર કરવાની ફરજ પડી હતી. રાજકોટ પૂર્વ બેઠક પર ભાજપના અરવિંદ રૈયાણી અને કોંગ્રેસના મિતુલ દોંગા, રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપના ગોવિંદભાઈ પટેલ અને કોંગ્રેસના ડો.દિનેશ ચોવટીયા જયારે રાજકોટ ગ્રામ્ય બેઠક પર ભાજપના લાખાભાઈ સાગઠિયા સામે કોંગ્રેસના વશરામભાઈ સાગઠિયા વચ્ચે જંગ જામશે.

અરવિંદભાઈ રૈયાણી રૂ.૧.૫૫ કરોડના માલિક

અરવિંદભાઈ ગોરધનભાઈ રૈયાણીએ ઉમેદવારી પત્રકમાં ૧.૫૫ કરોડની મિલકત જાહેર કરી છે. હાથ પરની રોકડ રૂ.૨૦ લાખ દર્શાવી છે. આ ઉપરાંત ચાલુ વર્ષની આવક ૬.૮ લાખ દર્શાવી છે. તેઓએ બાકી લોન રૂ.૨૫.૪૮ લાખ ઉમેદવારી પત્રકમાં જાહેર કરી છે.

લાખાભાઈ પાસે રૂ.૧.૩ કરોડની સંપત્તિ

લાખાભાઈ જેઠાભાઈ સાગઠિયાએ ૧.૩ કરોડ જેટલી મિલકત ઉમેદવારી પત્રકમાં જાહેર કરી છે. જેમાં જંગમ મિલકત ૩૪ લાખ, સ્થાવર મિલકત રૂ.૯૭ લાખ છે. હાથ-પગની રોકડ ૪૦ હજાર જેટલી દર્શાવવામાં આવી છે. તેઓએ ૩.૮૦ લાખની કિંમતના સોના-ચાંદી દર્શાવ્યા છે.

ગોવિંદભાઈ પટેલ પાસે ૩.૧૬ કરોડની મિલકત

ગોવિંદભાઈ ઉકાભાઈ પટેલે ઉમેદવારી પત્રકમાં ૩.૧૬ કરોડની મિલકત જાહેર કરી છે. જેમાં જંગમ અસ્કયામતમાં ૫૭.૬ લાખ અને તેઓના પત્નીની ૨૮.૮ લાખ તેમજ સ્થાવરમાં ૧.૬ કરોડ અને તેઓની પત્નીની ૭૦ લાખની મિલકત દર્શાવી છે. રૂ.૬૫ હજાર હાથ પરની રોકડ દર્શાવી છે. આ ઉપરાંત ચાલુ વર્ષના આવકવેરા રીટર્નમાં દર્શાવેલી આવક ૧૧ લાખ દર્શાવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.