ત્રિકોણબાગથી શરૂ થયેલો બજાર સંપર્કમાં ગરેડીયા કુવા રોડ, પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ, લાખાજીરાજ રોડ, ભુપેન્દ્ર રોડ અને પેલેસ રોડ સહિતના વિસ્તારોમાં એક-એક વેપારી દ્વારા મોહનભાઈ કુંડારીયાનું અદકેરૂ સ્વાગત: વિજયોત્સવ જેવો માહોલ
લોકસભા બેઠકના ઈન્ચાર્જ ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી સહિતના ભાજપના નેતાઓ બજાર સંપર્ક અભિયાનમાં જોડાયા: ભાજપને મત આપી તોતીંગ લીડથી મોહનભાઈને વિજેતા બનાવવા વેપારીઓનો કોલ
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયાએ શહેરની મુખ્ય બજારોમાં સંપર્ક અભિયાન હાથ ધર્યું હતું. જેમાં શહેરની મુખ્ય બજારોમાં એક-એક દુકાનને વેપારીઓએ મોહનભાઈ કુંડારીયાનું અદકેરૂ સ્વાગત કર્યું હતું અને તેઓને રેકોર્ડબ્રેક લીડથી વિજેતા બનાવી ફરી દિલ્હી મોકલવાનો અભય કોલ આપ્યો હતો.
ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયાના આ બજાર સંપર્ક અભિયાનનો આરંભ ત્રિકોણબાગ ખાતેથી થયો હતો. ગરેડીયા કુવા રોડ, પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ, લાખાજીરાજ રોડ, પેલેસ રોડ અને ભુપેન્દ્રરોડ સહિતના વિસ્તારોમાં મોહનભાઈ કુંડારીયા તથા ભાજપના આગેવાનો એક-એક દુકાને જઈ રૂબરૂ વેપારીઓને મળ્યા હતા જયાં વેપારી દ્વારા મોહનભાઈનું ફૂલહાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અમુક સ્થળોએ જાણે મોહનભાઈ ફરી વિજય બન્યા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. વેપારીઓએ મોહનભાઈને મિઠાઈ ખવડાવી એડવાન્સમાં જ જીતની શુભેચ્છા પાઠવી દીધી હતી.
ભાજપ તરફી તોતીંગ મતદાન કરી મોહનભાઈને સૌરાષ્ટ્રભરમાંથી રેકોર્ડબ્રેક લીડ સાથે ફરી દિલ્હીમાં મોકલવાનો અભય કોલ વેપારીઓએ આપ્યો હતો. એક સાચા સાથીદાર તરીકે સાંસદના પાંચ વર્ષના કાર્યકાળમાં મોહનભાઈએ વેપારીઓની સમસ્યા હલ કરવા માટે દાખવેલી જાગૃતતાની નોંધ પણ બજાર સંપર્ક અભિયાનમાં વેપારીઓએ લીધી હતી.
આ તકે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઈન્ચાર્જ અને મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અવિંદભાઈ રૈયાણી, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોર રાઠોડ, શહેર ભાજપના મહિલા અગ્રણી કાશ્મીરાબેન નથવાણી, શહેર ભાજપના હોદ્દેદારો, મહાપાલિકાની ભાજપના કોર્પોરેટરો, શિક્ષણ સમીતીના સભ્ય, તમામ વોર્ડના વોર્ડ પ્રમુખ, મહામંત્રી, પ્રભારી, વિવિધ સમાજના આગેવાનો, વેપારીઓ, વિવિધ ક્ષેત્રના અગ્રણી અને તમામ ક્ષેણીના ભાજપના કાર્યકર્તાઓ આ બજાર સંપર્ક અભિયાનમાં જોડાયા હતા.જેમ-જેમ મતદાનના દિવસો નજીક આવતા જાય છે.
તેમ-તેમ લોકોનો ભાજપ પ્રતિ જુવાળ સતત વધી રહ્યો હોય તેવું બજાર સંપર્ક અભિયાન પરથી રીતસર મહેસુસ થતું હતું. આ વખતે રાજકોટ બેઠક પરથી મોહનભાઈ કુંડારીયાને સૌરાષ્ટ્ર નહીં પરંતુ ગુજરાતમાં સૌથી વધુ લીડ મળે તેવો માહોલ જોવા મળી રહ્યો છે.