૨૨ નવા ચહેરા: જિલ્લા પંચાયતમાં સત્તા કબજે કરવા મહાનગરપાલિકાની જેમ નો-રિપિટ અને નવા મુરતિયાની થિયરી ભાજપે અપનાવી: ભારે ખેંચતાણ બાદ નામો જાહેર કરાયા, આંતરિક જૂથવાદની શક્યતા
જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ગુરૂવારે ભાજપ મોવડી મંડળે ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે જેમાં ધારાસભ્યના પુત્ર સહિત ૭ના નામની બાદબાકી કરવામાં આવી છે. જ્યારે ૨૨ નવા ચહેરાને તક અપાઈ છે. ભાજપે જિલ્લા પંચાયતમાં સત્તા કબજે કરવા મહાનગરપાલિકાની જેમ નો-રિપિટ અને નવા મુરતિયાની થિયરી અપનાવી છે.
જામનગર જિલ્લા ભાજપ કાર્યાલયે ગુરૂવારે જિલ્લા પંચાયતની ૨૪ બેઠકોના ઉમેદવારોના નામની યાદી જાહેર કરાઈ હતી. ગત ચૂંટણીમાં ભાજપના ૭ સભ્યો ચૂંટાયા હતા. જ્યારે ધારાસભ્ય રાઘવજી પટેલની સાથે તેના પુત્ર સહિત બે સભ્યો બાદમાં ભાજપમાં જોડાયા હતા. આથી જિલ્લા પંચાયતમાં ભાજપનું સંખ્યાબળ ૯ થયું હતું, પરંતુ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સત્તા કબજે કરવા ભાજપે મનપાની જેમ નો-રિપિટ થિયરી અપનાવી છે અને માત્ર બે જ સભ્યોને રિપિટ કર્યા છે.
ત્યારે ૨૨ નવા ચહેરા મેદાનમાં ઉતાર્યા છે જેના પત્તા કપાયા જેમાં ધારાસભ્ય રાઘવજીભાઈની સાથે ભાજપમાં જોડાયેલા તેના પુત્ર અને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ જયેન્દ્ર મુંગરાની બાદબાકી કરવામાં આવી છે. આ જ રીતે ભાજપમાં જોડાયેલા પૂર્વ કારોબારી સમિતિના અધ્યક્ષ રસિક કોડીનારિયાની ટિકિટ પણ કપાઈ છે.
તદઉપરાંત ગોવુભા જાડેજા, જેઠાભાઈ મોરી, ગીતાબા જાડેજાની બાદબાકી કરવામાં આવી છે. હાલારની બન્ને જિલ્લા પંચાયતમાં ભારે ખેંચતાણ બાદ ભાજપે ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે ત્યારે મહાપાલિકાની જેમ જ પંચાયતની ટિકિટમાં જેમના પત્તા કપાયા છે તેઓ બળવો કરે તો નવાઈ નહી, સાથે-સાથે આંતરિક જૂથવાદની શક્યતા પણ નકારી શકાતી નથી.
જામનગર જિલ્લા પંચાયત, જિલ્લાની છ તાલુકા પંચાયત, સિક્કા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા જામજોધપુર નગરપાલિકાની પેટા ચૂંટણી માટે ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન હજુ ફોર્મ ભરવામાં ઉત્સાહ જોવા મળતો નથી. ગઈકાલે તાલુકા પંચાયતની ૧૧૨ બેઠકો માટે કુલ નવ ઉમેદવારી પત્રો ભરાયા હતા. આથી કુલ ફોર્મની સંખ્યા ૧૧ની થવા પામી છે. જ્યારે જિલ્લા પંચાયતમાં એક ફોર્મ ભરાયું છે.
જામનગર જિલ્લા પંચાયતની ૨૪ બેઠકો માટે જામનગર જિલ્લા પંચાયતની ૨૪ બેઠકો માટે એક માત્ર ફોર્મ ભરાયું છે. જ્યારે જામનગર જિલ્લાની છ તાલુકા ૫ંચાયતો માટેની કુલ ૧૧૨ બેઠકો માટે ગઈકાલે ૯ ફોર્મ ભરાયા હતા. આથી કુલ ફોર્મની સંખ્યા ૧૧ની થવા પામી છે.
જેમાં જામનગર તાલુકા પંચાયતમાં ૨, કાલાવડમાં ૧, જામજોધપુરમાં ૭, અને જોડીયા તાલુકા પંચાયતમાં એક ફોર્મ ભરાયું છે. આમ ગઈકાલે ૯ અને એ પહેલા બે ફોર્મ ભરાયા હોવાથી કુલ ૧૧ ફોર્મ ભરાયા છે. જ્યારે સિક્કા નગર પાલિકાના સાત વોર્ડની ચૂંટણી માટે કોઈ ફોર્મ ભરાયા નથી. તેવી જ રીતે જામજોધપુર તાલુકા પંચાયત વોર્ડ નંબર ૭માં પેટા ચૂંટણી માટે પણ કોઈ ઉમેદવારી પત્ર ભરાયું નથી. ગામડાઓમાં રસ્તા, સિંચાઈ, વીજળી-પાણીની સમસ્યાઓની ભરમાર છે. પહેલા કોંગ્રેસનું શાસન પછી ભાજપે સત્તા સંભાળ્યા પછી છેલ્લી ટર્મમાં ફરી કોંગ્રેસે સત્તાની ધુરા સંભાળી હતી છતાં ગ્રામ્ય જીવનના સ્તર કોઈ સુધારો જોવા મળ્યો નથી. આ વખતની ચૂંટણીમાં ગામડાના લોકોનો મિજાજ પણ હજુ પારખવો મુશ્કેલ બન્યો છે ત્યારે સત્તાની ધુરા કોણ સંભાળશે તે કહેવું આ તકે વહેલું ગણાશે.
લાખોટા તળાવ પર નાગરિકોના શપથ અમે મતદાન અવશ્ય કરીશું!
જામગનરમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત લાખોટા તળાવ પર યોગ નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યોગશિક્ષકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં યોગ કરી શરીર અને મનને તંદુરસ્ત રાખવાની સાથે તંદુરસ્ત લોકશાહીના નિર્માણ માટે મતદાન કરવા મતાધિકારનો સદઉપયોગ કરવા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ તકે લોકોએ અવશ્ય મતદાન કરીશના શપથ લીધા હતાં. કાર્યક્રમમાં સ્વીપના નોડલ અને જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ.ડોડીયા, શિક્ષણ નિરીક્ષક બીનાબેન દવે સહિત યોગ નિદર્શકો ઉપસ્થિત રહ્યાં હતા.
જામનગરનું મેયર પદ પ્રથમ અઢી વર્ષ મહિલા, બીજી ટર્મ અનુ. જાતિને
જામનગર મહાપાલિકાની ચૂંટણીનો જંગ શરૂ થઇ ચુક્યો છે. ત્યારે સરકાર દ્વારા આ વખતે તમામ મહાનગરપાલિકાઓના મેયરપદનું રોટેશન જાહેર કરાયું છે, જે અંદર્ભે જામનગરમાં અનુક્રમે મહિલા અને શેડ્યુઅલ કાસ્ટ અઢી-અઢી વર્ષનું રોટેશન રહેનાર છે. જેએમસીમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ૨૦૧૫ થી ૨૦૧૭ સુધી મહિલા મેયર રહ્યાં હતાં. જે બાદ મેયર પદ માટે પુરૂષ ઓબીસી અનામત હતું. બાદમાં ગઇકાલે જનરલ સેક્રેટરી દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાના નવી ટર્મના ચૂંટાનાર કોર્પોરેટરમાંથી મેયર પદ માટે પ્રથમ અઢી વર્ષ સામાન્ય મહિલા અનામત રાખવામાં આવ્યું છે. જ્યારે બીજા અઢી વર્ષ અનુસૂચિત જાતિના સભ્ય માટે અનામત રાખવામાં આવ્યું છે. જામનગરમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ૩૨ અને ૩૧ તેમજ આમ આદમી પાર્ટીએ ૨૩ મહિલા ઉમેદવારોને ટિકીટ આપી છે. તેમજ અન્ય પાર્ટીઓમાંથીસ પણ મહિલા ઉમેદવારો ઉભા રહ્યાં છે. આગામી દિવસોમાં જીત કોની થાય છે તે મતદારો નક્કી કરશે. પરંતુ હવેના પાંચ વર્ષ માટે જામનગરને મહિલા મેયર મળશે તે વાત નક્કી થઇ છે. ઉલ્લેખનીય છે કે, ૯૦ના દાયકામાં જામનગરના પ્રથમ મહિલા મેયર સરલાબેન ત્રિવેદી બન્યા હતાં. ભાજપનું શાસન આવ્યા બાદ ૨૦૦૦ની સાલમાં જયશ્રીબેન જાની, ૨૦૧૦ માં અમીબેન પરીખ અને ૨૦૧૫માં પ્રતિભાબેન કનખરા મેયર બન્યા હતાં.
ખંભાળિયામાં કિન્નર ઉમેદવારે ભર્યું ફોર્મ
ખંભાળિયા નગરપાલિકાની આગામી તારીખ ૨૮ મી ના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારીપત્રો ભરવાના ત્રીજા દિવસે ખંભાળિયામાં કિન્નર ઉમેદવાર વાસંતીદે કુસુમદે નાયકે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યુ હતું. ખંભાળિયાના વોર્ડ નંબર ૫માંથી અપક્ષ ઉમેદવાર તરીકે બુધવારે વાસંતીદે નાયક શહેરમાં વાજતે- ગાજતે અન્ય કિન્નરોને સાથે રાખીને ઉમેદવારી પત્ર ભરવા માટે નીકળ્યા હતા, ત્યારે તેમની સાથે શહેરના સેવાભાવી યુવાનો તથા બિનરાજકીય વ્યક્તિઓ પણ જોડાયા હતા. રાષ્ટ્રધ્વજને સાથે રાખીને નીકળેલા આ ઉમેદવારે વડીલોના આશીર્વાદ પણ લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર ૫માંથી આ અગાઉ પણ તેઓ અપક્ષ સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતા. કિન્નર ઉમેદવારની ઉમેદવારીએ સ્થાનિક રાજકારણમાં ચર્ચા જગાવી છે.