- ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ જાહેર
- બીએસપીના ઉમેદવાર પ્યારેલાલ ભારતીએ ફોર્મ પરત ખેંચ્યું
સુરત ન્યૂઝ : સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસી ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્રક રદ્દ થયા બાદ હવે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થઈ ચુક્યા છે. આજે બપોર સુધી ભારે રસ્સાકસ્સી વચ્ચે ઉમેદવારી પત્રક પરત ખેંચવાના અંતિમ દિવસે બહુજન સમાજ પાર્ટી સહિતના તમામ પ્રાદેશિક પક્ષો અને અપક્ષ ઉમેદવારો દ્વારા પોતાનાં ઉમેદવારી પત્રકો પરત ખેંચી લેવામાં આવ્યા છે. જો કે, બસપાના ઉમેદવાર દ્વારા બપોર સુધી ઉમેદવારી પત્રક પરત ન ખેંચતા એક તબક્કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં પણ દોડધામ જોવા મળી હતી. અલબત્ત, સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થતાં જ ૨૦૨૪માં લોકસભાની ચુંટણીમાં સુરતની બેઠક ભાજપના ફાળે આવી ચુકી છે.
છેલ્લા ૪૮ કલાક સુધી ચાલેલા હાઈવોલ્ટેજ ડ્રામાને અંતે ચુંટણી અધિકારી ડો. પારઘી દ્વારા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવારનાં ઉમેદવારી પત્રકો રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવતાં કોંગ્રેસીઓમાં સોપો પડી ગયો છે. આંતરિક ખેંચતાણ અને વાદ – વિવાદ વચ્ચે કોંગ્રેસીઓ હવે આ સમગ્ર ઘટનાક્રમ માટે ધરાર નિલેશ કુંભાણી અને તેના મળતિયાઓને જવાબદાર ઠેરવી રહ્યા છે. સુરત લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટીનો ગઢ હોવા છતાં આ બેઠક પર હંમેશા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સીધી ટક્કર જોવા મળતી હોય છે.
ભાવેશ ઉપાધ્યાય