મોટા માથાના નામ કપાવા, સમાજના નેતાને ટિકિટ આપવી તેમજ કોઈ નવો જ ચહેરો જાહેર કરવાના આશ્ચર્યજનક નિર્ણય લેવાય તેવું અનુમાન
ભાજપ 182 પૈકી 20 બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર કરીને સરપ્રાઈઝ આપી શકે છે. જેમાં મોટા માથાના નામ કપાવા, સમાજના નેતાને ટીકીટ આપવી તેમજ કોઈ નવો જ ચહેરો જાહેર કરવાના આશ્ચર્યજનક નિર્ણય લેવાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આમ આદમી પાર્ટી દ્વારા 182 ઉમેદવારોના નામની જાહેરાત લગભગ ટૂંક સમયમાં પૂર્ણ કરી દેવામાં આવશે, કોંગ્રેસે પણ શરુઆત કરી દીધી છે, પરંતુ ભાજપમાં મનોમંથન ચાલી રહ્યું છે.
આ વખતે વિજય રૂપાણી બાદ ભૂપેન્દ્ર પટેલને જે જવાબદારી સોંપવામાં આવી તે દરમિયાન નો-રિપીટ થિયરીના આધારે નવા ચહેરા પસંદ કરાયા હતા, આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત દરમિયાન ભાજપ સૌ કોઈને અચંબામાં મૂકે તેવી પ્રબળ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સૂત્રોનું કહેવું છે કે 20 નામો એવા હોઈ શકે છે કે જે સામે આવતા ભલભલાને આશ્ચર્ય થશે. પાર્ટી સાથે જોડાયેલા નેતાઓને પણ તે વિચારતા કરી શકે છે.
બેઠકો અને ટિકિટની ચર્ચાઓ વચ્ચે અગાઉ ગૃહમંત્રી અમિત શાહ જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા ત્યારે હિમાચલ પ્રદેશ જતા પહેલા તેમણે તેમની સાથે નામાંકન અંગે ચર્ચા કરી હતી. સૂત્રો જણાવે છે કે, સ્ક્રિનિંગ કમિટી મળી ત્યારે દરેક બેઠક પર ત્રણ નામ નક્કી કરવામાં આવ્યા છે. જોકે, પાર્ટીના નેતાઓ જણાવે છે કે તેમાંથી કોઈ નામ અંતિમ નામ તરીકે પસંદ કરવામાં આવ્યા નથી. આમાં જે 20 બેઠકોની ચર્ચા છે તે ચોંકાવનારા સાબિત થઈ શકે છે. પાર્ટીના કેન્દ્રીય વર્તુળ દ્વારા આ નામોને નક્કી કરવામાં આવશે.
ભાજપ પાછલા 27 વર્ષથી ગુજરાતમાં સત્તા પર છે, વર્ષ 2017માં ભાજપે મોટાભાગની બેઠકો પર ઉમેદવારોને રિપીટ કર્યા હતા, પરંતુ આ વખતે કાર્યકર્તાઓ દ્વારા સ્થાનિકોને તક આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. કહેવાય છે કે નવા નિર્ણય લેવામાં આવ્યા છે પરંતુ તેના પર અંતિમ મહોર પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા જ લેવાશે. નામો પર અંતિમ મોહર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા મારવામાં આવશે.
નો-રિપીટ થિયરી માટે ભાજપ પ્રયત્નશીલ, પણ સમયનો અભાવ જોખમ ઉભું કરે તેવી ભીતિ
સૂત્રો જણાવે છે કે, ભાજપ યુવાનોને આગળ કરીને કંઈક નવું કરવાની ઈચ્છા ધરાવી રહી છે. માનવામાં આવે છે કે યુવાનોના કારણે પાર્ટીને વધુ તાકાત મળી શકે છે. આ માટે શહેરી વિસ્તારમાં ક્યાં જ્યાં સંપૂર્ણ બહુમતિ મળે છે ત્યાં યુવાનોને ઉમેદવાર તરીકે ઉભા રાખવા ભાજપે કમર કસી છે. પણ સમય ઓછો હોય, આટલા ટૂંકા સમયમાં નવા ચહેરાની ઓળખ પરેડ પણ થઈ શકે તેમ ન હોય , નો રિપીટ થિયરી ભાજપ માટે જોખમ ઉભું કરે તેવી દહેશત સેવાઈ રહી છે.ભાજપ આ જોખમ લેશે કે કેમ તે જોવું રહ્યું.