- વર્તમાન પ્રમુખ મુકેશ દોશી વિરૂધ્ધ છેલ્લી ઘડી સુધી પ્રદેશ કક્ષા સુધી ફરિયાદોનો મારો થતા તેઓએ હથિયાર હેઠા મૂકી દીધા: કશ્યપ શુક્લ, દેવાંગ માંકડ અને માધવ દવે વચ્ચે બરાબરની ફાઇટ
- જો શહેર ભાજપ પ્રમુખ પદ મહિલાને આપવાનું નક્કી કરાય તો પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા પ્રબળ દાવેદાર: દાવેદારી ન કરનારને પણ પ્રમુખ પદની લોટરી લાગી શકે
માત્ર ગુજરાત જ નહિં પરંતુ દેશભરમાં રાજકોટ શહેર ભાજપના સંગઠન માળખાની કામગીરીનું ઉદાહરણ આપવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી સંગઠનમાં જૂથવાદ પ્રસરી જવાના કારણે સ્થિતિ બગડી જવા પામી છે. નવા પ્રમુખ નિયુક્તી પ્રક્રિયામાં જે રીતે ડખો થયો તેનાથી રાજ્યભરમાં રાજકોટની આબરૂંનું ધોવાણ થઇ ગયું છે. છેલ્લા બે મહિનાથી અટકેલી સંગઠન રચનાની પ્રક્રિયા ભાજપ દ્વારા આજ સવારથી પુન: શરૂ કરી દેવામાં આવી છે. બપોર સુધીમાં 13 જિલ્લા અને મહાનગરોના પ્રમુખના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લા ભાજપના પ્રમુખના નામ રાત્રે જાહેર કરવામાં આવનાર છે. જેમાં ભાજપ સરપ્રાઇઝ આપી શકે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી. હાલ જે નામો ચાલી રહ્યા છે. તે પૈકીના નામોને સાઇડમાં મૂકી પક્ષ દ્વારા કોઇ અણધાર્યું નામ જાહેર કરાય તેવી શક્યતા પણ ભારોભાર રહેલી છે. કાર્યકરોમાં જબ્બર ઉત્તેજના વ્યાપી જવા પામી છે. એક જૂથ એવું માની રહ્યું છે કે કોઇ કાળે મુકેશભાઇ દોશીને રિપીટ કરવામાં આવશે નહિં. જ્યારે એક જૂથ અંદરખાને એવું પણ ઇચ્છી રહ્યું છે કે રિપીટ થવાની શક્યતા જણાઇ રહી છે. જે રીતે નગર પાલિકામાં ભાજપે પ્રમુખ પદ મહિલાઓને આપ્યું અને જૂનાગઢ મહાનગરપાલિકામાં ખડી સમિતિના ચેરમેન પદે મહિલા કોર્પોરેટરની નિમણુંક કરવામાં આવી તેના પરથી એક શક્યતા એવી પણ જણાઇ રહી છે કે શહેર ભાજપ પ્રમુખ પદે મહિલાને બેસાડી દેવામાં આવે.
ગત જાન્યુઆરી માસમાં શહેર ભાજપ પ્રમુખ પદ માટે ચુંટણી નિરિક્ષકોને મોકલીને દાવેદારી સ્વીકારવામાં આવી હતી. જેમાં પ્રમુખ પદ મેળવવા માટે 29 નેતાઓએ ફોર્મ ભર્યા હતા. વર્તમાન અધ્યક્ષ મુકેશ દોશીને રિપીટ ન કરવા માટે ગઇકાલ રાત સુધી હરિફ જૂથે પ્રદેશના તમામ મોટા માથાઓને ધારદાર રજૂઆત કરી હતી. આવામાં એક વાત બહું નિશ્ર્ચિત મનાઇ રહી છે કે મુકેશભાઇને રિપીટ કરવામાં ન આવે. હાલ શહેર ભાજપ પ્રમુખ પદ માટે કશ્યપ શુક્લ સૌથી પ્રબળ દાવેદાર મનાઇ રહ્યા છે. પરંતુ આજે સવારે તેઓ કચ્છ ગયા છે. જો તેમને પ્રમુખ પદ આપવાનું હોત તો પક્ષે તેઓને કચ્છ જતાં અટકાવી દીધા હોત અને ચુંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની અન્ય નેતાને સોંપી દીધી હતી. એક જૂથ એવું પણ માની રહ્યું છે કે રાજકોટ શહેર ભાજપ પ્રમુખની નિમણુંક પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો હાથ ઉપર રહેશે. આવામાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય અને રાજકોટ નાગરિક સહકારી બેંકના ડિરેક્ટર દેવાંગભાઇ માંકડનું નામ પણ ચર્ચા છે.
ભાજપ દ્વારા ક્યારેય ચર્ચાતા નામોને હોદ્ો આપવામાં આવતો નથી. મોદી અને શાહની જોડી સરપ્રાઇઝ આપવા માટે જાણીતી છે. બંધકવરમાંથી કોનું નામ ખૂલશે તે કહેવું કે કડવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. શહેર અને જિલ્લા ભાજપના પ્રમુખનું છેલ્લા બે માસથી ગુંચવાયેલું કોકડું આજે રાત્રે ઉકેલાઇ જશે. જો કે, 29 દાવેદારો પૈકી મોટાભાગનાને અંદરખાને એવો ડર સતાવી રહ્યો છે કે પક્ષ રાજકોટ માટે સરપ્રાઇઝ આપશે. એવું પણ બની શકે છે કે પ્રમુખ પદ માટે દાવેદારી ન કરનારને પણ અધ્યક્ષ બનાવી શકે. હાલ કશ્યપ શુક્લ અને દેવાંગ માંકડ સાથે શહેર ભાજપના વર્તમાન મહામંત્રી માધવ દવેનું નામ પણ ચાલી રહ્યું છે. પ્રમુખ બનવા માટે પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, બિનાબેન આચાર્ય અને મહિલા મોરચાના અધ્યક્ષ કિરણબેન માંકડીયા એમ ત્રણ મહિલાઓએ ઉમેદવારી નોંધાવી હતી. આવામાં પ્રથમવાર રાજકોટ શહેર ભાજપ પ્રમુખનું પદ મહિલાને આપવાનો ઐતિહાસિક નિર્ણય પક્ષ દ્વારા લેવામાં આવે તો રક્ષાબેન બોળીયાનું નામ સૌથી પ્રબળ દાવેદાર તરીકે ચર્ચાઇ રહ્યું છે. મુકેશભાઇ દોશીને રિપીટ કરી પક્ષ તેઓને મેરેજ એનિવર્સરીની ગીફ્ટ આપશે કે પછી હાલ બબ્બે હોદ્ા ભોગવી રહેલા દેવાંગભાઇ માંકડને પ્રમુખ પદ આપી આજે પક્ષ દ્વારા જન્મદિવસની ભેટ આપવામાં આવશે. તે અંગે કાર્યકરોમાં રસપ્રદ ચર્ચાઓ થઇ રહી છે.
174 અપેક્ષિતો નવા પ્રમુખને વધાવવા રહેશે ઉપસ્થિત
આજે રાત્રે શહેર ભાજપ કાર્યાલય ખાતે નવા પ્રમુખની વરણી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. રાજ્ય સભાના સાંસદ અને ક્લસ્ટર ઇન્ચાર્જ મયંક નાયક બંધકવરમાં પ્રમુખનું નામ લઇને આવશે. તેઓ 7 વાગ્યા આસપાસ રાજકોટ પહોંચી જશે. દરમિયાન બરાબર 8 વાગ્યા શહેર ભાજપ સંકલનની બેઠક મળશે. જેમાં મયંક નાયક નવા પ્રમુખનું નામ જાહેર કરશે. ત્યારબાદ કોન્ફરન્સ હોલ ખાતે બેઠક મળશે. જેમાં હાજર રહેવા માટે 174 અપેક્ષિતોને નોતરા મોકલી દેવામાં આવ્યા છે. સંકલનમાં નામ જાહેર કર્યા બાદ તેની ઘોષણા કરવામાં આવશે. નવા પ્રમુખના નામ માટે કોઇ એક વ્યક્તિ દરખાસ્ત રજૂ કરશે જ્યારે અન્ય વ્યક્તિ તેને ટેકો આપી વિધીવત રીતે પ્રમુખની નિમણુંક કરી દેવામાં આવશે. આજથી હોળાષ્ટક શરૂ થઇ ગયા હોય જો પ્રમુખ હોળાષ્ટક ઉતર્યા બાદ ચાર્જ સંભાળવા ઇચ્છતા હશે તો તેઓને સમય આપવામાં આવશે અન્યથા આજે નિયુક્તિ બાદ તરંત જ તેઓને અધ્યક્ષની ખુરશી પર બેસાડી દેવામાં આવશે. જિલ્લામાં પણ આ જ રીતે કામગીરી હાથ પર લેવામાં આવશે. શહેરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મયંક નાયક જિલ્લા ભાજપ કાર્યાલયે જશે જ્યાં તેઓ જિલ્લા અધ્યક્ષની વરણી માટેની પ્રક્રિયા પૂર્ણ કરશે.