લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા ગત ગુરૂવારે રાજ્યની લોકસભાની 26 બેઠકો પૈકી 24 બેઠકો માટે પ્રભારી અને સંયોજકોના નામોની ઘોષણા કરી હતી. દરમિયાન ગઇકાલે મોડી સાંજે બાકી રહેતી બે બેઠકો પૈકી સુરત લોકસભા બેઠકના પ્રભારી-સંયોજકોના નામો જાહેર કરી દેવામાં આવ્યા છે. હવે માત્ર “શહેનશાહ” મત વિસ્તાર એવી લોકસભા બેઠકના પ્રભારી-સંયોજકોના નામ જાહેર કરવાના બાકી છે.
વડોદરાના પૂર્વ મેયર સુનિલભાઇ સોલંકીને પ્રભારી બનાવાયા: જગદીશ પટેલની સંયોજક તરીકે નિમણુંક
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ગઇકાલે સાંજે સુરત લોકસભા બેઠકના પ્રભારી તથા સંયોજકોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં વડોદરાના પૂર્વ મેયર અને પૂર્વ મહામંત્રી સુનિલભાઇ સોલંકીની પ્રભારી તરીકે નિયુક્તી કરવામાં આવી છે. જ્યારે સુરત લોકસભા બેઠકના સંયોજક તરીકે સુરતના પૂર્વ મેયર અને ઝોન પ્રવક્તા જગદીશભાઇ પટેલ (બલ્લર)ની વરણી કરવામાં આવી છે. ગુજરાતની 26 બેઠકો પૈકી 25 બેઠકો માટે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા પ્રભારી અને સંયોજકોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. હવે એકમાત્ર ગાંધીનગર બેઠક બાકી છે.
ગાંધીનગર બેઠક પરથી ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહ ચૂંટણી લડતા હોય આ બેઠક માટે પ્રભારી કે સંયોજકની નિમણુંક કરવાની આવશ્યકતા ન હોવાના કારણે નિયુક્તી કરવામાં આવી ન હોય તેવું લાગી રહ્યું છે.