લોકસભાની આગામી ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પાંચ લાખથી વધુ મતોની લીડ સાથે જીતવાના લક્ષ્યાંક સાથે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા પુરજોશમાં તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ત્રણ-ત્રણ, ચાર-ચાર બેઠકોના કલસ્ટર બનાવી આ કલસ્ટરના પ્રભારીઓની નિમણુંક કરવામાં આવી છે. દરમિયાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ગઇકાલે સાંજે લોકસભાની 24 બેઠકો માટે પ્રભારી અને સંયોજકોના નામની ઘોષણા કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની બેઠક ગાંધીનગર લોકસભા અને રેલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશની બેઠક સુરત લોકસભા માટે પ્રભારી કે સંયોજકોના નામ જાહેર ન કરતા ભારે આશ્ર્ચર્ય ફેલાઇ જવા પામ્યુ છે.
રાજકોટ બેઠકના પ્રભારી તરીકે સુરેશભાઇ ગોધાણી અને સંયોજક તરીકે રમેશભાઇ રૂપાપરાની નિયુક્તી: કમલેશ મિરાણીને કચ્છ જ્યારે ઉદય કાનગડને જૂનાગઢ બેઠકના પ્રભારી બનાવાયા
લોકસભાની કચ્છ બેઠક માટે પ્રભારી તરીકે કમલેશ મિરાણી અને સંયોજક તરીકે ઉપેન્દ્રભાઇ ઉપાધ્યાય, બનાસકાંઠા બેઠકના પ્રભારી તરીકે રાજેન્દ્રસિંહ ચાવડા સંયોજક તરીકે રાણાભાઇ દેસાઇ, પાટણ બેઠક માટે પ્રભારી તરીકે અશોકભાઇ જોશી અને સંયોજક તરીકે નંદાજી ઠાકોર, મહેસાણા બેઠકના પ્રભારી પદે ડો.સંજયભાઇ દેસાઇ અને સંયોજક તરીકે જયશ્રીબેન પટેલ, સાબરકાંઠા બેઠકના પ્રભારી તરીકે દુષ્યંતભાઇ પંડ્યા અને સંયોજક તરીકે જયંતિભાઇ પટેલ, અમદાવાદ પૂર્વ બેઠકના પ્રભારી તરીકે નૈલેષભાઇ શાહ અને સંયોજક પદે બાબૂભાઇ ઝડફિયા જ્યારે અમદાવાદ પશ્ર્ચિમ બેઠકના પ્રભારી તરીકે અર્જૂનસિંહ ચૌહાણ અને સંયોજક તરીકે સુરેશભાઇ પટેલની નિયૂક્તી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રની સાત બેઠકોની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર બેઠકના પ્રભારી તરીકે ડો.અનિલભાઇ પટેલ, સંયોજક તરીકે નિલેશભાઇ શેઠ, રાજકોટ બેઠકના પ્રભારી પદે સુરેશભાઇ ગોધાણી અને સંયોજક તરીકે રમેશભાઇ રૂપાપરા, પોરબંદર બેઠકના પ્રભારી તરીકે કિરીટસિંહ રાણા અને સંયોજક તરીકે પ્રફૂલભાઇ ટોળ, જામનગર બેઠકના પ્રભારી તરીકે વેલજીભાઇ મસાણી અને સંયોજક તરીકે વિનોદભાઇ ભંડેરી, જૂનાગઢ બેઠકના પ્રભારી તરીકે ઉદયભાઇ કાનગડ અને સંયોજક તરીકે ચંદ્રેશભાઇ હેરમા, અમરેલી બેઠકના પ્રભારી હકુભા જાડેજા અને સંયોજક તરીકે પૂનાભાઇ ગજેરા, ભાવનગર બેઠકના પ્રભારી તરીકે બ્રિજેશભાઇ મેરજા અને સંયોજક તરીકે હરૂભાઇ ગોંડલીયાની વરણી કરાય છે.
આણંદ બેઠકના પ્રભારી તરીકે શબ્દ શરણ બ્રહ્મભટ્ટ અને સંયોજક તરીકે લાલસિંહ વડોદરિયા, ખેડા બેઠકના પ્રભારી તરીકે ડો.જીવરાજ ચૌહાણ અને સંયોજક તરીકે દશરથભાઇ પટેલ, પંચમહાલ બેઠકના પ્રભારી પદે રમેશભાઇ મિસ્ત્રી અને સંયોજક તરીકે ડો.યોગેશ પંડ્યા, દાહોદ બેઠકના પ્રભારી તરીકે રામસિંહ રાઠવા અને સંયોજક તરીકે બચૂભાઇ ખાબડ, વડોદરા બેઠકના પ્રભારી તરીકે ભરતસિંહ પરમાર અને સંયોજક તરીકે ભરતભાઇ શાહ, છોટાઉદેપુર બેઠકના પ્રભારી તરીકે શબ્દ શરણભાઇ તડવી અને સંયોજક તરીકે જશુભાઇ રાઠવા, ભરૂચ લોકસભા બેઠકના પ્રભારી તરીકે અજયભાઇ ચોક્સી અને સંયોજક તરીકે યોગેશભાઇ પટેલ, બારડોલી બેઠકના પ્રભારી તરીકે માધુભાઇ કથીરિયા અને સંયોજક તરીકે જયરામભાઇ ગામીત, નવસારી બેઠકના પ્રભારી તરીકે મહેન્દ્રભાઇ પટેલ અને સંયોજક તરીકે અશોકભાઇ ઘોરાજીયા જ્યારે વલસાડ બેઠકના પ્રભારી તરીકે કરશનભાઇ ટીલવા અને સંયોજક તરીકે ગણેશભાઇ વરારીની નિયુક્તિ કરાય છે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહના મત વિસ્તાર એવા ગાંધીનગર લોકસભા બેઠક અને રેલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશના મત વિસ્તાર એવા સુરત લોકસભા બેઠક માટે પ્રભારી કે સંયોજકની નિયુક્તી કરવામાં આવી નથી.