સત્તાધારી પક્ષ ભાજપ ફૂલ ફ્લેઝમાં ઇલેક્શન મોડમાં: બક્ષીપંચ અને યુવા મોરચા દ્વારા સંયોજકોના નામ જાહેર કરાયા
ગુજરાતનો ગઢ સતત સાતમી વખત ફતેહ કરવા સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા પુરજોશમાં ચૂંટણીલક્ષી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણી માટે પ્રભારીઓની નિમણૂંક કરાયા બાદ ભાજપ દ્વારા પ્રથમ વખત વિધાનસભાની બેઠક વાઇઝ અલગ-અલગ મોરચાના સંયોજકોની નિમણૂંક કરવામાં આવી છે. બક્ષીપંચ મોરચા અને યુવા મોરચા દ્વારા તમામ 182 બેઠકો માટે સંયોજકોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં અન્ય મોરચા દ્વારા પણ સંયોજકોના નામ જાહેર કરવામાં આવશે.
ભાજપ દ્વારા સંગઠન માળખાને વધુ મજબૂત બનાવવા માટે સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું. સંગઠનની રચના કરાયા બાદ હવે મજબૂત સંગઠનના આધારે વિધાનસભાની આગામી ચૂંટણીમાં રેકોર્ડબ્રેક બેઠકો જીતવા માટેનો રોડ મેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. અગાઉ ક્યારેય ન કરવામાં આવ્યો હોય તેવો પ્રયોગ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. અત્યાર સુધી માત્ર વિધાનસભાની બેઠક વાઇઝ પ્રભારીઓની નિમણૂંક કરવામાં આવતી હતી. પરંતુ પ્રથમ વખત ભાજપ દ્વારા અલગ-અલગ મોરચામાંથી વિધાનસભાની બેઠક વાઇઝ સંયોજકોના નામ જાહેર કરવામાં આવ્યા છે. બક્ષીપંચ મોરચા અને યુવા મોરચા દ્વારા વિધાનસભાની બેઠક વાઇઝ સંયોજકોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં બાકી રહેતા અન્ય સાત મોરચાના સંયોજકોના નામ જાહેર કરવામાં આવશે.
આ નિર્ણયથી સૌથી મોટો ફાયદોએ રહેશે કે તમામ મોરચાના હોદ્ેદારો વિધાનસભાની તમામ બેઠકો સાથે સતત સંકળાયેલા રહેશે. સાથો સાથ સંગઠન વધુ મજબૂત બને તેના પર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. ગુજરાત હમેંશા ભાજપ માટે એક પ્રયોગશાળા રહ્યું છે. આવામાં જો મોરચા દીઠ વિધાનસભા બેઠક વાઇઝ સંયોજકોની નિમણૂંક કરવાનો પ્રયોગ સફળ રહેશે તો આ ફોર્મ્યુલા દેશના અન્ય રાજ્યોમાં પણ અપનાવવામાં આવશે.