રાદડિયા પરિવાર કદ મુજબ વેતરાયાની ચર્ચા: પાર્લામેન્ટરી બોર્ડે બનાવેલી પેનલમાં નામ ન હોવા છતાં ધડુકને પોરબંદર લોકસભા બેઠક પરથી ટિકિટ: બનાસકાંઠા બેઠક પર પરબત પટેલ અને પંચમહાલમાં રતનસિંહ ભાજપના ઉમેદવાર
પોરબંદર લોકસભા બેઠક પર ભાજપે રાદડિયા પરિવારને કદ મુજબ વેતરી નાખ્યું છે. આજે ભાજપ દ્વારા ગુજરાતની વધુ ૩ બેઠકો માટે ઉમેદવારોના નામની સતાવાર ઘોષણા કરી હતી. જેમાં પોરબંદર લોકસભા બેઠક પર ગોંડલના દિગ્ગજ નેતા રમેશ ધડુકને ટીકીટ આપવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા બેઠક પરથી રાજય સરકારના પૂર્વ મંત્રી પરબતભાઈ પટેલ જયારે પંચમહાલ બેઠક પરથી રતનસિંહને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
ભાજપે આ પૂર્વે લોકસભાની ૨૬ બેઠકો પૈકી ૨ યાદીમાં ૧૬ બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરી હતી. જેમાં સૌરાષ્ટ્રની પોરબંદર અને જુનાગઢ બેઠક માટે ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી ન હતી. જયારે બાકીની ૫ બેઠકો પૈકી સુરેન્દ્રનગરની બેઠકને બાદ કરતા તમામ બેઠકો પર સીટીંગ સાંસદોને ફરી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. પોરબંદર બેઠક પરથી ભાજપ રાજય સરકારના કેબિનેટ મંત્રી અને વર્તમાન સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર જયેશભાઈ રાદડિયાને મેદાનમાં ઉતારવા માંગતા હતા .
પરંતુ જયેશ રાદડિયાએ લોકસભા લડવા માટે અનિચ્છા વ્યકત કરી હતી. આવામાં પોરબંદર બેઠક પર રાદડિયા પરિવારના કોઈ સભ્યને ટીકીટ આપશે તેવું માનવામાં આવતું હતું. વિઠ્ઠલભાઈ રાદડિયાના ધર્મપત્ની ચેતનાબેન રાદડિયા અને તેમના પુત્ર લલિત રાદડિયાના નામની પણ ચર્ચાઓ ચાલી હતી. જોકે પક્ષે રાદડિયા પરિવારને કદ મુજબ વેતરી નાખ્યો હોય તેવી ચર્ચા ચાલી રહી છે.
આજે ગુજરાતની વધુ ૩ બેઠકો માટે ભાજપે પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી છે. જેમાં પોરબંદર બેઠક પર રમેશ ધડુકને, બનાસકાંઠા બેઠક પર પરબત પટેલને અને પંચમહાલ બેઠક પર રતનસિંહને ટીકીટ આપવામાં આવી છે. આ સાથે ભાજપે રાજયની ૨૬ પૈકી ૧૯ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જયારે બાકીની ૭ બેઠકો માટે હજી ઉમેદવારોના નામ જાહેર કરવાનું બાકી છે. જેમાં સૌરાષ્ટ્રની જુનાગઢ બેઠકનો પણ સમાવેશ થાય છે.