ગુજરાત સરકારના વર્ષ ૨૦૧૯-૨૦નાં અંદાજપત્રને ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે અત્યંત હર્ષભેર વધાવી લેતા જણાવ્યું છે કે, ગુજરાતને વિકાસનાં ઉચ્ચતમ શિખરો સુધી લઈ જવાનો રોડમેપ એટલે ૨૦૧૯-૨૦નું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલું બજેટ. મુખ્યમંત્રીના દિશાનિર્દેશમાં નાણામંત્રીએ તમામ વર્ગોની સુખાકારી સુનિશ્ચિત કરવામાં કોઈ કસર છોડી નથી. ગ્રામ્ય વિકાસ, કૃષિ વિકાસ, ખેડૂત કલ્યાણ, યુવા રોજગાર, મહિલા સશક્તિકરણ, જળ સંપત્તિ, સૌર ઉર્જા વગેરે બાબતોને પ્રાધાન્ય આપવાની સાથે નિર્ધન અને મધ્યમ વર્ગોને શિક્ષણ, આરોગ્યની અનેકવિધ સુવિધાઓ સુલભ બનાવવાની મહત્તમ યોજનાઓ ગુજરાત સરકારના બજેટમાં રજૂ કરાઈ છે જેનો સમાજના જરૂરતમંદ તમામ લોકોને સાચા અર્થમાં લાભ મળશે તે સુનિશ્ચિત્ત છે. ભાજપ સરકાર દ્વારા છેલ્લાં દોઢ દાયકાથી રજૂ કરવામાં આવતા બજેટ સમયની ખાસ વાત એ છે કે, છેલ્લા ૧૬ વર્ષમાં એકપણ વાર ભાજપ સરકારે ઓવરડ્રાફ્ટ લીધો નથી.

રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમા વર્ષ ૨૦૨૦ સુધીમા તમામ વિસ્તારોમાં પાણી પહોંચાડવા સરકાર ૨૦ હજાર કરોડનો ખર્ચ કરશે. ગુજરાતના ૧૩ હજાર ગામોને પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામા ૪૫૦૦ કરોડની ફાળવણી કરવામા આવી છે. ખેડૂતો માટે અષાઢી બીજના રોજથી નર્મદા ડેમના દરવાજા ખોલવામા આવશે. જે પાણીને નર્મદાની મેઈન કેનાલમા છોડવામા આવશે. જેના લીધે ખેડૂતોને સિંચાઈનું પાણી ઉપલબ્ધ થશે. રાજ્યના ૧.૨૫ લાખ ખેડૂતોના પડતર વીજ કનેક્શન પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં અષાઢી બીજ સુધી આપી દેવામાં આવશે. આ ઉપરાંત કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે ૭૧૧૧ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ખેડૂતોને ઝીરો ટકાના દરે લોન મળે તે માટે વ્યાજ સહાય માટે ૯૫૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી ૧૫ લાખ યુવાઓને રોજગારી મળે તે માટે ૩૧૮૭૭ કરોડની લોન અપાશે. ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને શુદ્ધ કરી તે પાણી ઊંડા દરિયામાં નિકાલ માટે પીપીપી ધોરણે પાઇપ લાઇન માટે ૨૨૭૫ કરોડ ખર્ચાશે આ વર્ષે ૫૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પાણી પુરવઠા વિભાગ માટે બજેટમાં ૪૩૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આગામી ત્રણ વર્ષ ૧૫ લાખ યુવાનોને રોજગારી આપવાનો નિર્ધાર છે. આ બજેટમાં ગ્રીન અને ક્લીન એનર્જી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. શિક્ષણ માટે સૌથી વધુ રરૂ. ૩૦૦૪૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ સિવાય સ્ટેચ્યુ ઓફ યુનિટ માટે રૂ.૨૬૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને આંગણવાડી બહેનોના પગારમાં રૂ.૯૦૦નો વધારો કરાયો હતો.

એવું જણાવતા રાજકોટ સહિત સમગ્ર ગુજરાતનાં સર્વાંગી વિકાસ માટેનાં બજેટ આપવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાણામંત્રી નીતિનભાઈ પટેલને ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.