IMG 20210923 WA0111 1

પરસોતમ સાવલીયા, કેશુભાઈ નંદાણીયા, હંસરાજભાઈ લીંબાસીયા, વસંતભાઈ ગઢીયા, હઠુભા જાડેજા, ભરત ખુંટ, જેન્તીભાઈ ફાચરા, જે.કે.જાળીયા, હિતેશ મેતા, જીતુ સખિયા, જયેશ બોઘરા અને વિજય કોરાટને ટિકિટ અપાઈ

સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટ માર્કેટીંગ યાર્ડની 16 બેઠકો માટે આગામી 5 ઓકટોબરના રોજ ચૂંટણી યોજાનાર છે. વેપારી વિભાગની 4 બેઠકોને બાદ કરતા અન્ય 12 બેઠકો માટે ભાજપ દ્વારા આજે સત્તાવાર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમવાર સહકારી ક્ષેત્રમાં ભાજપના ઉમેદવારો પક્ષના સત્તાવાર મેન્ડેટ સાથે લડશે. યાર્ડના વર્તમાન ચેરમેન ડી.કે.સખીયાના પુત્રને ટિકિટ આપવામાં આવી છે.

આ ઉપરાંત જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભાનુભાઈ મેતાના પુત્ર હિતેશ મેતાને ટિકિટ આપવામાં આવી છે. આજે સવારે જિલ્લા બેંક ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા અને પૂર્વ કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા દ્વારા ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી હતી.

તાજેતરમાં જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે એવી ઘોષણા કરી હતી કે,હવે સહકારી ક્ષેત્રની ચૂંટણી પણ પક્ષ જ લડશે અને ઉમેદવારોને સત્તાવાર મેન્ડેટ આપવામાં આવશે. ઉમેદવારો નક્કી કરવા માટે ગઈકાલે મોડી રાત સુધી મથામણ ચાલી હતી. દરમિયાન આજે સવારે 12 ઉમેદવારોના નામનું લીસ્ટ પ્રદેશ ભાજપમાંથી આવ્યું હતું. સવારે 10:30 કલાકે રાજકોટ જિલ્લા બેંક ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા અને પૂર્વ કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા દ્વારા રાજકોટ માર્કેટીંગ યાર્ડની ડિરેકટરોની ચૂંટણી માટે ભાજપ પેનલના ઉમેદવારોના નામની સત્તાવાર ઘોષણા કરવામાં આવી હતી. જેમાં રૂપાંતર બેઠક માટે પરસોતમભાઈ સાવલીયા અને કેશુભાઈ નંદાણીયાને ટિકિટ આપવામાં આવી છે.

જ્યારે પડધરી તાલુકાની 3 બેઠકો માટે હંસરાજભાઈ જીણાભાઈ લીંબાસીયા, વસંતભાઈ નથુભાઈ ગઢીયા અને હઠુભા જાડેજાને ટિકિટ અપાઈ છે. લોધીકા તાલુકાની બે બેઠકો માટે ભાજપ પેનલના ઉમેદવાર તરીકે ભરતભાઈ ખુંટ અને જેન્તીભાઈ ફાચરાને મેન્ડેટ આપવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ જિલ્લા પાંચ બેઠકો માટે જે.કે.જાળીયા, હિતેશ ભાનુભાઈ મેતા, જીતુભાઈ સખીયા, જયેશભાઈ ગોવિંદભાઈ બોઘરા અને વિજયભાઈ કોરાટને ટિકિટને ફાળવણી કરવામાં આવી છે. જે રીતે મંત્રી મંડળમાં ભાજપ દ્વારા નો-રીપીટ થિયરી અપનાવવામાં આવી હતી તે જ રીતે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં પણ ભાજપે નો-રિપીટ થીયરી અપનાવી છે. તમામ જૂના ડિરેકટરોને બેસાડી દેવામાં આવ્યા છે અને યુવા તથા નવા ચહેરાને ટિકિટ અપાઈ છે.

યાર્ડના વર્તમાન ચેરમેન ડી.કે.સખીયાના પુત્ર જીતુભાઈ સખીયાને જ્યારે જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભાનુભાઈ મેતાના પુત્ર હિતેશ મેતાને ટિકિટની ફાળવણી કરવામાં આવી છે. સહકારી ક્ષેત્રમાં પ્રથમવાર ભાજપ સમર્પીત ઉમેદવારો હવે પક્ષના સત્તાવાર મેન્ડેટ સાથે ચૂંટણી લડશે. પક્ષે ચોક્કસ નો-રિપીટ થીયરી અપનાવી છે પરંતુ પરિવારવાદ ચાલ્યો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.