યુપીમાં ગાદી માટે ” મહાભારત” નો જંગ જામ્યો

 

અબતક, નવી દિલ્હી

સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ચૂંટણીને લઈને સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચેની ગળાકાપ હરિફાઇએ યાદવાસ્થળી સર્જી છે. યુપીનો ચૂંટણી જંગ મહાભારતનો જંગ બની ગયો છે. દેશના રાજકારણનું એપી સેન્ટર ઉત્તર પ્રદેશ છે. યુપીએ જ દેશને સૌથી વધુ વડાપ્રધાન આપ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતી છે, તેઓ ગુજરાતની ગમે તે બેઠક પરથી ઊભા રહે અને જરાયે પ્રચાર ન કરે તો પણ આરામથી ચૂંટાઇ જાય એવી સ્થિતિ હોવા છતાં તેઓ ઉત્તર પ્રદેશથી ચૂંટણી લડયા હતા. 2014માં નરેન્દ્ર મોદી ગુજરાતની વડોદરા અને ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પરથી ચૂંટણી લડયા હતા. બંને બેઠકો પર જબરજસ્ત જીત પછી તેમણે વડોદરાની બેઠક છોડીને વારાણસીની બેઠક જાળવી રાખી હતી. તેનું કારણ એ જ હતું કે, ઉત્તર પ્રદેશમાં તેમણે ભાજપનું વર્ચસ્વ જમાવવું હતું. ભાજપે જે ધાર્યું હતું એ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કરી પણ બતાવ્યું હતું. ગઇ ચૂંટણીમાં ભાજપને જબરજસ્ત જીત મળી હતી. આ વખતે એટલે જ ભાજપ માટે ગયા વખત જેવું પરિણામ દોહરાવવાનું પ્રેશર છે. યુપી ભાજપના એક નેતાએ એવું કહ્યું કે, યુપીમાં સરકાર તો ભાજપ આરામથી બનાવી લેવાનીછે, જે સવાલ છે એ ગયા વખતે જેટલી બેઠક મળી હતી એટલી અથવા તો એનાથી વધુ બેઠક મેળવવાનો છે.

ઉત્તર પ્રદેશ વિધાનસભાની કુલ બેઠક 403 છે. સરકાર બનાવવા માટે ઓછામાં ઓછી 202 બેઠકોની જરૂર પડે છે. ભારતીય જનતા પક્ષ અને તેના સાથીદારોને સરકાર બનાવવા માટે જરૂરી બેઠકો કરતાં વધુ 123 બેઠકો એટલે કે કુલ 325 બેઠકો મળી હતી. ભાજપે 403માંથી 384 બેઠકો પર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા હતા. 312 બેઠકો પર ભાજપની જીત થઇ હતી. ભાજપના સહયોગી અપના દલને 11 બેઠકો ફળવવામાં આવી હતી. અપનાદલને 11માંથી નવ બેઠક મળી હતી. ભાજપના બીજા સહયોગી ભારતીય સુહેલદેવ સમાજવાદી પાર્ટીને આઠ બેઠક ફળવવામાં આવી હતી. આઠમાંથી ચાર બેઠક પર તેને વિજય મળ્યો હતો. 2017ની ચૂંટણી પહેલાં યુપીમાં સમાજવાદી પાર્ટીની સરકાર હતી અને અખિલેશ યાદવ મુખ્ય પ્રધાન હતા. ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની હાલત ખરાબ થઇ ગઇ હતી. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનને માત્ર 54 બેઠકો મળી હતી. સમાજવાદી પાર્ટીએ 311 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા, તેમાંથી માત્ર 47 ઉમેદવારો જ જીતી શક્યા હતા. કોંગ્રેસની હાલત તો કોઈને મોઢું બતાવવા જેવી રહી નહોતી. કોંગ્રેસે 114 બેઠકો પર ચૂંટણી લડી હતી. કોંગ્રેસને માત્ર સાત બેઠકો જ મળી હતી. માયાવતીની બહુજન સમાજ પાર્ટીએ માત્ર 19 બેઠકોથી સંતોષ માનવો પડયો હતો. એક રીતે જોવા જઈએ તો ભાજપે યુપીમાં બધાનાં સૂપડાં સાફ્ કરી નાખ્યાં હતાં. ભાજપે ભવ્ય વિજય બાદ જ્યારે યોગી આદિત્યનાથને મુખ્ય પ્રધાન બનાવ્યા ત્યારે ઘણાને આશ્ચર્ય સર્જાયું હતું.

સપાના 2500 કાર્યકર્તાઓ સામે કોરોના નિયમ ભંગનો કેસ નોંધાયો

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે ચૂંટણી પંચ દ્વારા રેલીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પરંતુ લખનઉ ખાતે સમાજવાદી પાર્ટી ઓફિસની બહાર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. એસપીએ તેને વર્ચ્યુઅલ રેલીનું નામ આપ્યું, પરંતુ ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાતા જોવા મળ્યા અને કોઈ કોરોના પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું નહીં. જેને પગલે સમાજવાદી પાર્ટી વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે. કુલ 2500 કાર્યકરો સામે કેસ નોંધવામાં આવ્યો છે. એવું જણાવવામાં આવ્યું છે કે સીઆરપીસીની કલમ 144 હેઠળ એસપી વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં

આવી છે. પોલીસ કમિશનર ડીકે ઠાકુરે કહ્યું કે, સમાજવાદી પાર્ટીના અઢી હજાર નેતાઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે, જેમાં 269, 270,144 એપિડેમિક એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પહેલા વીડિયોગ્રાફી કરવામાં આવી, ત્યારબાદ તેમની ઓળખ કરવામાં આવી અને પછી કેસ નોંધવામાં આવ્યો.

હસ્તીનાપુરમાં કપડા ઉતારનાર મોડેલને ટિકિટ અપાઈ!!!

કોંગ્રેસે ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મેરઠની હસ્તિનાપુર વિસાધનસભા બેઠકથી કપડાં ઉતારનાર વાંરવાર બિકીનીમાં સામે આવેલી મોડેલને ટિકિટ આપી છે. જેનું નામ અર્ચના ગૌતમ એક એક્ટર હોવા સાથે સાથે મોડેલ અને બ્યુટી પ્રેસન્ટ વિજેતા છે અર્ચના મિસ ઉત્તર પ્રદેશ બની હતી તેના બાદ તેઓ મિસ બિકીની ઇન્ડિયા. અને મિસ બિકીની યુનિવર્સ બની હતી એમને મિસ કોસમોસ વર્ડ 2018માં ભારતનું પ્રિતિનિધિત્વ પણ કર્યું હતું અર્ચનાએ 2016માં વિવેક ઓબેરોયની અને રિતેશ દેશમુખની હિટ ફિલ્મ ગ્રેટ ગ્રાન્ડ મસ્તીથી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું અર્ચના ગૌતમે હસીના પારકર અને વરોટા જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

અર્ચના સાઉથ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. અર્ચનાને યુપીની બિકીની ગર્લ તરીકે ઓળખવામાં આવે છે.

રાવણની લંકામાં વિભીષણ?

સપામાં ગયેલા મંત્રી સામે દીકરીએ ભાજપનો પાલવ પકડી રાખ્યો!!

અખિલેશ યાદવની હાજરીમાં સ્વામી પ્રસાદ મૌર્ય, ધર્મ સિંહ સૈની સહિતના ભાજપના 6 ધારાસભ્યો સમાજવાદી પાર્ટીમાં સામેલ થયા હતા. જોકે સ્વામીની પુત્રી સંઘમિત્રા ગૌતમ ભાજપની સાંસદ છે અને તેમને કહ્યુ હતુ કે, તે ભાજપમાં સાંસદ તરીકે ચાલુ રહેશે.આમ તે ભાજપ છોડીને સમાજવાદી પાર્ટીમાં સામેલ થવાની નથી. આમ યુપીની ચૂંટણીમાં ભારે અરાજકતા ફેલાઈ છે. પિતા ભાજપ છોડી સપામાં ગયા પણ પુત્રી તો ભાજપમાં જ રહેવાની છે.

મેદાનમાં ટકી રહેવા કોંગ્રેસ પ્રિયંકાને લડાવશે?

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપ, સપા અને કોંગ્રેસ જીત માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. તેમાં સ્વર્ગસ્થ ઈન્દિરા ગાંધીની પૌત્રી પ્રિયંકા ગાંધીએ યુપીમાં કોંગ્રેસની ચૂંટણીની કમાન પોતાના ખભા પર લીધી છે.  છેલ્લા બે વર્ષથી પ્રિયંકા ગાંધી યુપીના જીલ્લાઓમાં પહોંચીને કોંગ્રેસને ફરીથી બનાવવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે શું પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે?  જો તે ચૂંટણી લડશે તો યુપીની કઈ વિધાનસભા બેઠક પરથી તે પોતાનું નસીબ અજમાવશે? તેવા પ્રશ્નો સર્જાયા છે. વધુમાં એવી પણ માહિતી મળી છે કે જો પ્રિયંકા ચૂંટણી લડશે તો રાયબરેલી બેઠક ઉપરથી ચૂંટણી લડે તેવી સંભાવના છે.

દેશના રાજકારણનું એપી સેન્ટર ગણાતા યુપીમાં ચૂંટણી જંગ છવાયો, પ્રચાર- પ્રસાર સાથે મતદારોને આકર્ષવાની સાથે એકબીજાને ડેમેજ કરવાની કામગીરી ચરમસીમાએ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.