આક્ષેપબાજીઓના બદલે અભિનંદનનો ધોધ, વિરોધપક્ષના સભ્યોએ કર્યા સરકારના વખાણ: મંત્રીઓએ પણ વિપક્ષના સભ્યોના ભરપેટ વખાણ કર્યા
ગુજરાત વિધાનસભાના સ્પીકર સામેની અવિશ્વાસની દરખાસ્ત કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પરત ખેંચી હતી, જ્યારે કોંગ્રેસના સસ્પેન્ડ કરાયેલા ૩ ધારાસભ્યોને માત્ર આ સત્ર પૂરતાં જ સસ્પેન્ડ કરાયા છે. જે અંગેની દરખાસ્ત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગૃહમાં મૂકી હતી. જે બાદ કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્યોને ૩ વર્ષને બદલે માત્ર સત્ર સમાપ્તિ સુધી જ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સરકાર અને વિપક્ષ વચ્ચે સમાધાન અંગે ગઇકાલથી જ બેઠકોનો દોર ચાલી રહ્યો હતો.
કોંગ્રેસના ધારાસભ્યોનું સસ્પેન્શન રદ કરવાની દરખાસ્ત મૂકતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, કાળ ચોઘડિયું બાઝી ગયું હતું, તેથી આવી ઘટના બની હતી. મીઠી યાદો સાથે આપણે બજેટ સત્રમાંથી છૂટા પડીએ. ઉપરાંત પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વિપક્ષના નેતા સહિતના સભ્યોએ સકારાત્મક વલણ અપનાવ્યું છે તે અભિનંદનને પાત્ર છે.
અવિશ્વાસ અને સસ્પેન્ડેડ મુદ્દે આજે સવારે એક બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યાં હતાં. જે બાદ સમાધાન અંગે કોઇ જાહેરાત થાય તેવી સંભાવના વ્યક્ત કરાઇ હતી. ખાસ કરીને ગઇકાલે મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા વચ્ચે સમાધાન અંગેની લંબાણપૂર્વકની બેઠક મળી હતી. ઘટના દુ:ખદ, એફિડેવિટ દ્વારા કહેવા માંગુ છું કે, મારા દ્વારા કોઈ અપશબ્દ બોલાયા નથી. તેમ છતાં કોઈની લાગણી દુભાય હોય તો માફી માંગી છું તેમ જગદીશ પંચાલે કહ્યું હતું.