૧૫ વોર્ડની ૬૦ બેઠકો પૈકી ૫૯ બેઠકો માટે યોજાયેલી ચુંટણીમાં ૫૪ બેઠકો પર ભાજપનો વિજય: ૪ બેઠકો સાથે એનસીપી હવે વિરોધ પક્ષની જવાબદારી નિભાવશે: કોંગ્રેસને સમ ખાવા પુરતી માત્ર એક જ બેઠક મળી: એક વખત ભાજપને અને એક વખત કોંગ્રેસને સત્તા આપવાની પરંપરા તોડતા સોરઠવાસીઓ
જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણીમાં ભાજપનો વિજય વાવટો શાનભેર લહેરાયો છે. ૧૫ વોર્ડની ૬૦ બેઠકો પૈકી ૫૯ બેઠકો માટે ગત રવિવારે યોજાયેલા મતદાન બાદ આજે સવારથી હાથ ધરવામાં આવેલી મતગણતરીનું પરિણામ બપોરે સતાવાર રીતે જાહેર થઈ ગયું છે જેમાં ભાજપને રેકોર્ડબ્રેક ૫૪ બેઠકો પ્રાપ્ત થઈ છે જયારે એનસીપીને ૪ બેઠકો મળતાં હવે તે વિરોધ પક્ષની નવી જવાબદારી નિભાવશે. સોરઠ વાસીઓએ કોંગ્રેસનાં સુપડા સાફ કરી નાખ્યા હોય તેમ જૂનાગઢમાં કોંગ્રેસમાં સમ ખાવા પુરતી માત્ર એક જ બેઠક મળી છે. આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપ જૂનાગઢમાં ભવ્ય વિજયોત્સવ મનાવશે. રાજકોટ પેટન પર મહાપાલિકાની ચુંટણી લડવાની નીતિ જૂનાગઢમાં ભાજપ માટે ફળદાયી પુરવાર થઈ છે. એક વખત ભાજપ અને એક વખત કોંગ્રેસને સતા આપવાની છેલ્લી ૩ ટર્મથી ચાલી આવતી વણલખી પરંપરા જુનાગઢવાસીઓએ તોડી નાખી છે. જૂનાગઢ ઉપરાંત ગાંધીનગર મહાપાલિકાની ૧ બેઠક, જિલ્લા પંચાયતની ૫ બેઠકો અને તાલુકા પંચાયતની ૫૪ બેઠક સહિત આજે કુલ ૧૨૦ બેઠકો પૈકી ૯ બેઠકોની ચુંટણી મુલત્વી રહી હતી. આજે ૧૧૧ બેઠકો માટે હાથ ધરવામાં આવેલી મતગણતરીમાં ભાજપનાં ફાળે કુલ ૯૬ બેઠકો આવી છે ત્યારે કોંગ્રેસ માત્ર ૮ બેઠકો પર વિજેતા બન્યું છે અને અન્યને ફાળે ૭ બેઠકો આવી છે.
જૂનાગઢ મહાનગરપાલિકાની ૧૫ વોર્ડની ૬૦ બેઠકો માટે નવા સીમાંકન પ્રમાણે પ્રથમવાર ચુંટણી યોજાઈ હતી. ગત રવિવારે યોજાયેલી ચુંટણીમાં ૪૯.૬૮ ટકા જેવું મતદાન થયું હતું. આજે સવારથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં ભાજપનાં ફાળે ૫૪, એનસીપીનાં ફાળે ૪, કોંગ્રેસનાં ફાળે ૧ બેઠક આવી હતી. વોર્ડ નં.૩ની ૧ બેઠક માટે ઉમેદવારનું ફોર્મ રદ થતાં આ બેઠક માટે આગામી દિવસોમાં પેટાચુંટણી હાથ ધરવામાં આવશે. વોર્ડ નં.૩ની અન્ય ૩ બેઠકો અગાઉ જ બિનહરીફ જાહેર થઈ ગઈ હતી. એક સમયે જુનાગઢ મહાપાલિકામાં શાસન ભોગવી ચુકેલી કોંગ્રેસને ફાળે આજે સમ ખાવા પુરતી માત્ર એક જ બેઠક આવી છે તો મુસ્લિમ પ્રભાવિત વિસ્તાર એવા વોર્ડ નં.૮માં ચારેય બેઠકો પર એનસીપીનાં ઉમેદવારો વિજેતા બન્યા છે. એનસીપીનાં નેતા રેશ્માબેન પટેલે જૂનાગઢ મહાપાલિકામાં વિરોધ પક્ષની જવાબદારી નિભાવવાની તૈયારી દર્શાવી દીધી છે.
વોર્ડ નં.૧માં ભાજપનાં લાભુબેન મોકરીયા, શોભનાબેન પીઠડીયા, અશોકકુમાર ચાવડા અને નટુભાઈ પટોળીયા વિજેતા બન્યા છે. વોર્ડ નં.૨માં ભાજપનાં સમીનાબેન શાંત, સુમિતાબેન વાઘેલા, કિરીટ ભીભા, લલિતભાઈ સુવાગીયા વિજેતા બન્યા છે. વોર્ડ નં.૩માં અગાઉ જ ભાજપનાં ત્રણેય ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ગયા હતા જયારે એક બેઠક પર ઉમેદવારનું ફોર્મ રદ થતાં હવે આ બેઠક માટે પેટાચુંટણી યોજવાની ફરજ પડશે. વોર્ડ નં.૪માં કોંગ્રેસનાં મંજુલાબેન પરસાણા વિજેતા બન્યા છે. જયારે વોર્ડની અન્ય ૩ બેઠકો પર પ્રફુલાબેન ખેરારા, હરેશભાઈ પરસાણા અને ધર્મેશ ધીરૂભાઈ ઓસીયા વિજેતા બન્યા છે. વોર્ડ નં.૫માં ભાજપનાં રેખાબેન ત્રાંબડીયા, શિલ્પાબેન જોશી, રાકેશભાઈ ધુલેશીયા અને જયેશભાઈ ધોરાજીયા, વોર્ડ નં.૬માં ભાજપનાં કુસુમબેન અકબરી, શાંતાબેન મોકરીયા, ગોપાલભાઈ રાખોલીયા અને હાશાનંદભાઈ (રાજુ ઉધવદાસ નંદવાણી), વોર્ડ નં.૭માં ભાજપનાં સીમાબેન પીપળીયા, સરલાબેન સોઢા, સંજયભાઈ કોરડીયા અને હિમાંશુભાઈ પંડયા, વોર્ડ નં.૮માં એનસીપીનાં જેમુનાબેન બ્લોચ, અદ્રેમાનભાઈ પંચા, વિજયભાઈ વોરા અને જેનીલાબેન સહિબ વિજેતા બન્યા છે. વોર્ડ નં.૯માં ભાજપનાં ગીતાબેન પરમાર, ચેતનાબેન ચુડાસમા, ધીરૂભાઈ ગોહેલ, એભાભાઈ કટારા, વોર્ડ નં.૧૦માં ભાજપનાં દિવાળીબેન પરમાર, આરતીબેન જોશી, ગીરીશભાઈ કોટેચા, હિતેન્દ્રકુમાર ઉદાણી, વોર્ડ નં.૧૧માં પલ્લવીબેન ઠાકર, ભાવનાબેન હિરપરા, શશીકાંતભાઈ ભીમાણી, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, વોર્ડ નં.૧૨માં હર્ષાબેન ડાંગર, ઈલાબેન બાલસ, અરવિંદભાઈ ભલાણી, પુનિતભાઈ શર્મા, વોર્ડ નં.૧૩માં ભાનુમતીબેન ટાંક, શારદાબેન પુરોહિત, વાલજીભાઈ આમછેડા, ધરમભાઈ ડાંગર, વોર્ડ નં.૧૪માં ભાજપનાં કંચનબેન જાદવ, આદ્યશકિતબેન મજમુદાર, બાલુભાઈ રાડા અને કિશોરભાઈ અજવાણી જયારે વોર્ડ નં.૧૫માં મધુબેન ઓડેદરા, બ્રિજેશાબેન સોલંકી, જીવાભાઈ સોલંકી અને ડાયાભાઈ કટારા વિજેતા બન્યા છે. મહાપાલિકાની ૬૦ પૈકી ૫૯ બેઠકો માટે યોજાયેલી પેટાચુંટણીમાં ભાજપને રેકોર્ડબ્રેક ૫૪ બેઠકો પ્રાપ્ત થઈ છે. ગત ચુંટણી કરતા આ વખતે ભાજપને વધુ ૧૦ બેઠકો પ્રાપ્ત થઈ છે. જયારે કોંગ્રેસનો જનાદેશ જુનાગઢમાં ચિંતાજનક હદે ઘટયો છે. ગત ટર્મમાં ૧૬ બેઠકો સાથે જુનાગઢમાં વિરોધ પક્ષની જવાબદારી નિભાવતા કોંગ્રેસનાં ફાળે આ વખતે માત્ર એક જ બેઠક આવી છે તો જુનાગઢનાં જંગને ત્રિપાંખીયો ગણવામાં આવતો હતો જેમાં વોર્ડ નં.૮ની ચારેય બેઠકો પર એનસીપીનાં ઉમેદવારો વિજેતા બન્યા છે.
જૂનાગઢ માટે ભાજપે અગાઉ જ મેયરપદનાં ઉમેદવાર તરીકે ધીરૂભાઈ ગોહેલને જાહેર કરી દીધા હતા. ધીરૂભાઈ ૫૩૦૦ મતોની લીડથી વિજેતા બન્યા છે. જુનાગઢને મહાપાલિકાનો દરજજો મળ્યા બાદ યોજાયેલી ૩ ચુંટણીમાં સોરઠવાસીઓએ એક વખત ભાજપ, એક વખત કોંગ્રેસને અને ફરી એક વખત ભાજપને સતા સુપ્રત કરી હતી એવો ટ્રેડ રહ્યો છે કે બંને પક્ષોને વારા ફરતી સતા સુખ આપવું જોકે આ ચુંટણીમાં આ પરંપરા સોરઠવાસીઓએ તોડી નાખી છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં કાલે જૂનાગઢમાં ભાજપનો ભવ્ય વિજયોત્સવ
જૂનાગઢ મહાનગરપાલિકાની ચુંટણીમાં ભાજપને મળેલી ઐતિહાસિક જીતનાં આજે રાજયભરમાં વધામણા થઈ રહ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં આવતીકાલે જુનાગઢ ખાતે ભાજપ દ્વારા ભવ્ય વિજયોત્સવ ઉજવવામાં આવશે. આજે ભાજપનાં વિજેતા બનેલા ઉમેદવારોએ અલગ-અલગ વિસ્તારોમાં ભવ્ય વિજય સરઘસ કાઢીને જીતની ઉજવણી કરી હતી. ગુજરાત જાણે કોંગ્રેસમુકત થવા આગળ વધી રહ્યું હોય તેમ જુનાગઢમાં કોંગ્રેસને એક જ બેઠક મળી છે જેનાથી ભાજપનાં કાર્યકરોમાં ખુશાલી બેવડી થઈ ગઈ છે. કાલે જુનાગઢમાં મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપનો વિજયોત્સવ ઉજવાશે.
ભાજપ રાજકોટ પેટર્ન પર ચૂંટણી લડયું અને ફતેહ કર્યો ‘ગઢ’
નીતિનભાઈ ભારદ્વાજની ચાણકય નીતિ રંગ લાવી: શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાનીમાં તમામ ૧૮ વોર્ડનાં ભાજપ કાર્યકરોએ સતત ૧૫ દિવસ કર્યો હતો ચૂંટણીપ્રચાર
જૂનાગઢ મહાનગરપાલિકાની ચુંટણી માટે પ્રદેશ ભાજપ દ્વારા નિરીક્ષક તરીકે નિતીનભાઈ ભારદ્વાજની વરણી કરવામાં આવી હતી. ઉમેદવારોની પસંદગીથી લઈ ચુંટણી પ્રચાર સહિતની જવાબદારી નિતીનભાઈએ બખુબી નિભાવી હતી. રાજકોટ પેટન પર ભાજપ જૂનાગઢનો ચુંટણીજંગ લડયું હતું જેમાં ભારદ્વાજની ચાણકય નીતિ રંગ લાવી હતી. પરિણામ એ આવ્યું કે, જૂનાગઢમાં કોંગ્રેસનાં સુપડા સાફ થઈ ગયા અને ૫૯ બેઠકો પૈકી રેકોર્ડબ્રેક ૫૪ બેઠક પર કમળ ખીલી ઉઠયું. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાનીમાં શહેરનાં તમામ ૧૮ વોર્ડમાં ભાજપનાં કાર્યકરોએ સતત ૧૫ દિવસ સુધી જૂનાગઢમાં રહી ચુંટણી પ્રચાર કર્યો હતો જેના કારણે પક્ષ જવલંત સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહ્યું હતું.
પ્રદેશ ભાજપ દ્વારા નિતીનભાઈ ભારદ્વાજની જૂનાગઢ મહાપાલિકાની નિરીક્ષક તરીકે વરણી કરવામાં આવી હતી. તેઓ સતત બે માસથી જૂનાગઢમાં રહ્યા હતા અને ચુંટણીને સંપૂર્ણપણે રાજકોટ પેટન પર લઈ ગયા હતા જેમાં જુનાગઢનાં તમામ ૧૫ વોર્ડમાં જુથ મીટીંગ, ગ્રુપ મીટીંગ, પેઈજ પ્રમુખનાં સંમેલન, શહેરની અલગ-અલગ સોસાયટીઓમાં લોકો સાથે મીટીંગ, સમાજનાં અગ્રણીઓ સાથે મીટીંગ અને સંમેલનો, આગેવાનો સાથે સતત સંપર્ક કરવો, સ્કુટર રેલી, લોકસંપર્ક, બુથવાલી, ઇન્ચાર્જ અને સહઈન્ચાર્જ સાથે સતત મીટીંગોનો દૌર ચાલુ રાખ્યો જે વોર્ડમાં કે વિસ્તારમાં કોંગ્રેસનાં કાર્યકરોમાં સામાન્ય પણ અસંતોષ હોય તેનો લાભ નિતીનભાઈ ભારદ્વાજે ખુબ જ સારી ઉઠાવ્યો અને આવા કોંગી કાર્યકરોને કેશરીયો ખેસ પહેરાવી ભાજપને જીતાડવા માટે કામે લગાડી દીધા. મતદાનનાં થોડા દિવસ પૂર્વે જ ભાજપે કોંગ્રેસને મરણતોલ ફટકો આપ્યો જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુ અમીપરાને પણ ભાજપમાં પ્રવેશ કરાવી દીધો. રાજકોટન પેટન પરથી લડવામાં આવેલી જુનાગઢ મહાપાલિકાની ચુંટણી ભાજપને ખુબ જ ફળી છે. આજે જયારે મહાપાલિકાનાં ચુંટણી પરીણામમાં ભાજપનું બુલડોઝર ફરી વળ્યું છે અને કોંગ્રેસનાં સુપડા સાફ થઈ ગયા છે ત્યારે ખરાઅર્થમાં આ ઐતિહાસિક વિજય માટે નિરીક્ષક નિતીનભાઈ ભારદ્વાજની ચાણકય નીતિ અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીનું માર્ગદર્શન ઉપરાંત રાજકોટનાં ૧૮ વોર્ડનાં ભાજપનાં કાર્યકરોની મહેનત રંગ લાવી છે.