કામગીરીની સમીક્ષા માટે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સહિતનાઓએ રાજકોટની મુલાકાત લીધી
અરબી સમુદ્રમાં ઉભુ થયેલી ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તીત થઈ સૌરાષ્ટ્ર તરફ ધસમસી રહ્યું છે ત્યારે વાયુ વાવાઝોડાને પગલે ગઈકાલે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતનાઓએ રાજકોટની મુલાકાત લીધી હતી. ગઈકાલે સાંજે 5 વાગ્યે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. સાથો સાથ ભાજપના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
પત્રકાર પરિષદ સંબોધતા પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વાયુ વાવાઝોડા સામે સુરક્ષા અર્થે રાજ્ય સરકાર દ્વારા જરૂરી પગલા લેવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા પ્રજાના દુ:ખમાં સહભાગી બનતો આવ્યા છે. જેમ કે, ભૂતકાળમાં કંડલા વાવાઝોડુ હોય કે ર001માં ગોઝારો ભૂકંપ કે સુરતમાં પ્લેગ રૂપી મહામારી હોય ત્યારે ભાજપનો કાર્યકર્તા સરકાર તંત્ર સાથે ખભ્ભે-ખભ્ભા મિલાવી રાહત કાર્યમાં અગ્રેસર રહ્યો છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ભાજપના કાર્યકર્તાઓ તાલુકા અને ગ્રામ્ય સ્તર પર સરકારી તંત્રની સાથે કામગીરીમાં જોડાયા છે. રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. વાયુ વાવાઝોડાના પગલે રાજ્ય સરકારના મંત્રીઓ તેમજ ભાજપના આગેવાનો સૌરાષ્ટ્રની મુલાકાતે છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુરતી તૈયારી કરવામાં આવી છે. જેતપુરમાં એનડીઆરએફના ર8, ધોરાજીમાં આર્મીના 51 જવાનો, ગોંડલમાં એચડીઆરઅફના 70 જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સરકારી તંત્રની સાથે ભાજપના કાર્યકર્તાઓ પુરક બની વાવાઝોડાની આફતની કામગીરીમાં સતત મદદ કરી રહ્યાં છે. વધુમાં તેઓએ પ્રજાના જરૂરી સતર્કતા રાખવાની સાથે વાવાઝોડા સમયે ઘર બહાર ન નીકળવું, દરિયા નજીક, ઝાડ નીચે, વીજળીના થાંભલા નજીક ઉભુ ન રહેવા અપીલ કરી છે. આ ઉપરાંત ભાજપના હોદ્દેદરોથી લઈ તમામ શ્રેણીના કાર્યકર્તાઓને તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પોતાના વોર્ડના વિસ્તાર ન છોડવા અપીલ કરી હતી.
સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં મંત્રી સૌરભભાઈ પટેલ, જીતુભાઈ વાઘાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, નીતિનભાઈ ભારદ્વાજ, રાજુભાઈ ધ્રુવ, ત્રણેય શહેર ભાજપ મંત્રી સહિતનાઓએ ઉપસ્થિત રહ્યાં હતા.