આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભલે કોંગ્રેસના મત તોડયા પણ ભવિષ્યમાં ભાજપને નડે તે પહેલા જ આપને સાફ કરવા ખાસ ઓપરેશન
દિલ્હી જેવી ભલ હવે ભાજપ દેશના અન્ય રાજયોમાં દોહરાવવા માંગતુ નથી, સુરત મહાપાલિકાની ચૂંટણીમાં ‘આપ’ને મળેલુ સમર્થન ભાજપ માટે ચિંતા વધારી દીધી હતી
અબતક,રાજકોટ
નખશીખ પ્રામાણીક અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટીએ રાજધાની નવી દિલ્હીમાં એક સક્રિય સામ્રાજય ઉભુ કરી દીધું છે. હવે દિલ્હીમાં સત્તા હાંસલ કરવી કોઈપણ રાજકીય પક્ષ માટે લગભગ અશકય જેવું બની ગયું છે. આપ ધીમેધીમે દેશના અન્ય રાજયોમાં પણ ધીમી પરંતુ મકકમ ગતીએ પગ પેસારો કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હોમ ટાઉન તથા મજબૂત ગઢ ગણાતા ગુજરાતમાં નઆપથને ઉગતુ જ ડામી દેવા ભાજપે ઓપરેશન શરૂ કરી દીધું છે. છેલ્લા થોડા સમયમાં આપના ઘણા મોટા માથાઓને ભાજપે આપમાંથી ખેડવી દીધા છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમા ભલે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના મતો તોડયા પરંતુ ભવિષ્યમાં નઆપથના ભાજપ માટે કોઈ પડકાર ઉભો ન કરે તેમાટે અત્યારથી જ ગંભીરતા સાથે વ્યૂહ રચના અપનાવવામાં આવી રહી છે.
ગત વર્ષ યોજાયેલી મહાપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જેવી સ્થાનીક સ્વરાજયની ચૂંટણીમાં આપને જે મતો મળ્યા તેનાથી ગુજરાતમાં ત્રીજા મોરચાના ધીમી પણ મકકમ ગતીએ પગરવ થઈ રહ્યા હોવાના એંધાણ મળવા લાગ્યા હતા. આપે ભલે મોટાભાગે કોંગ્રેસના મતો તોડયા હોય પરંતુ ભાજપ માટે પણ ભવિષ્યની ચિંતા વધારી દીધી છે.
પોતાના પરંપરાગત મતો તુટવા છતા કોંગ્રેસ માત્રને માત્ર હાથ પર હાથ દઈને બેસી રહ્યું છે. બીજી તરફ ભાજપે લાંબાગાળાની સંભવીત નુકશાનીને ધ્યાનમાં રાખી અત્યાથી જ નઆપથને સાફ કરવાનું ઓપરેશન શરૂ કરી દીધું છે. દિલ્હીવાળી ભૂલ હવે ભાજપ રિપીટ કરવા માંગતુ નથી.
2014માં જન સમર્થન હોવા છતાં ભાજપે લોકસભાની ચૂંટણી બાદ તરત જ દિલ્હી વિધાનસભાની ચૂંટણી આપવાનું ટાળ્યું હતુ અને આપ તથા કેજરીવાલને વધુ મજબુત બનવાનો પૂરતો સમય આપી દીધો જેના પરિણામે નઆપથ દિલ્હીનું સિંહાસન સર કરી લીધુ હવે ત્યાં એવું સામ્રાજય જમાવી દીધું છે કે જેને છીનવવું તો દૂર હલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. ગુજરાતમાં ભવિષ્યમાં આવી નોબત ન આવે તે માટે અત્યારથી જ વ્યુહરચના બનાવવામાં આવી છે.