ટોચના સ્ટાર્સ કોઈ ને કોઈ રિયલ લાઈફ કિરદાર રૂપેરી પડદે નિભાવી રહયા છે

અત્યારે  બોલીવૂડમાં  બાયો પિક બનાવવાનું ચલણ વધ્યું છે. મતલબ કે બોલીવૂડ બાયો પિકમાં બિઝી છે. રૂત્વિક રોશન, રણવીર સિંહ, રિચા ચઢ્ઢા, અજય દેવગણ, પરિણીતી ચોપરા, હર્ષવર્ધન કપૂર વિવેક ઓબેરોય, જ્હાન્વી કપૂર, આમીર ખાન, દીપિકા પદુકોણ, વિદ્યા બાલન, કંગના રાણાવત, અભિષેક બચ્ચન અને વિકી કૌશલ જેવા ટોચના સ્ટાર્સ કોઈ ને કોઈ રિયલ લાઈફ કિરદાર રૂપેરી પડદે નિભાવી રહયા છે. તેમાં વધુ એક નામ આલિયા ભટ્ટનું ઉમેરાયું છે.

ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ પર્વતારોહી અરૂણિમા સિંહાની બાયોપિક બનવા જઈ રહી છે. ચર્ચાઓ પ્રમાણે આ ફિલ્મમાં લીડ રોલમાં આલિયા ભટ્ટ જોવા મળશે. આલિયાએ પણ આ વાતની હાલમાં પુષ્ટિ કરી દીધી છે. ફિલ્મને ડિરેક્ટ નિતેશ તિવારી નહિ પરંતુ ‘મસાન’ ફિલ્મના ડિરેક્ટર નીરજ ધવન કરશે. કેમકે દંગલ ફેમ નિર્દેશક નિતેશ તિવારી ફિલ્મ ‘છીછોરે’માં વ્યસ્ત છે.

આ ફિલ્મ વિશે આલિયાએ કહ્યું કે, હું નીરજ ધવનને મળી છું. ફિલ્મની સ્ટોરી ઘણી પ્રેરણાત્મક છે અને તેમાં લીડ રોલ કરવા માટે હું ઘણી ઉત્સુક છું. જ્યારે મેં ફિલ્મની સ્ટોરી સાંભળી ત્યારે હું ખુદ એકદમ હેરાન થઈ ગઈ હતી. આ એવી સ્ટોરી છે જેને દર્શકો સુધી પહોંચાડવી જોઈએ.અમને આશા છે કે આવતા વર્ષે આ ફિલ્મનું શૂટિંગ શરુ થઈ જશે.

આ ઉપરાંત ટેલેન્ટેડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ  માટે ‘આરઆઆર’ ફિલ્મ ઘણી કસોટીઓથી ભરેલી છે.  ‘બાહુબલિ’ ફેમ નિર્દેશક એસ એસ રાજમૌલિની આ ફિલ્મ માટે તે રોજ તેલુગુ ક્લાસ કરી રહી છે. ફિલ્મમાં જુનિયર એનટીઆર અને રામચરણ પણ લીડ રોલમાં છે. આરઆઆર ફિલ્મ વિશે આલિયાએ કહ્યું કે, તેલુગુ ખરેખર એક અઘરી ભાષા છે. તે શીખવી એ મારા માટે મોટો પડકાર છે. હું તેલુગુ ભાષા એકડે એકથી શીખી રહી છું. જો હું શબ્દોનો યોગ્ય ઉચ્ચાર કરીશ તો જ મારા કેરેક્ટરની ફીલિંગ્સ દર્શકો સમક્ષ રજૂ કરી શકીશ. અસરકારક રીતે રજૂ કરી શકીશ.

ઉલ્લેખનીય છે કે, નાનપણથી જ આલિયાને ત્રણ ફિલ્મમેકર્સ કરણ જોહર, સંજય લીલા ભણસાલી અને એસ.એસ.રાજમૌલિ સાથે કામ કરવાની ઈરછા હતી. કરણ જોહરે તેને ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ ફિલ્મથી ડેબ્યુ કરી હતી. હાલ તે એસ.એસ.રાજમૌલિની ફિલ્મમાં કામ કરી રહી છે. થોડા સમયમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ઈન્શાઅલ્લાહ’ જેમાં ઓપોઝીટ સ્ટાર સલમાન ખાન છે તેનું શૂટિંગ પણ શરુ થવાનું છે.

ફિલ્મ આર આહારમાં આલિયા ભટ્ટ સાથે અજય દેવગણ પણ જોવા મળશે. રાજમૌલિની આ ફિલ્મ મોટા સ્કેલ પર બની રહી છે. આ ફિલ્મ એક પિરિયડ ડ્રામા છે, જેની વાર્તા ૧૯૨જ્ઞના સમયગાળામાં આકાર લે છે. ફિલ્મની સ્ટોરી બે મહાન સ્વતંત્ર સેનાનીઓની છે. અજય દેવગણનો આ ફિલ્મમાં કેમિયો છે, જેની એન્ટ્રી ફ્લેશબેકમાં થશે. આલિયા ભટ્ટના પાત્રનું નામ સીતા છે. ડેઈઝી શાહ અને જુનિયર એનટીઆરની રોમેન્ટિક જોડી સ્ક્રીન પર દેખાશે. રાજામૌલિએ હૈદરાબાદમાં એક બંધ પડેલી એલ્યુમિનિયમની ફેક્ટરી પણ લઇ લીધી છે. તે ત્યાં ૧૯૨જ્ઞ ના સમયગાળાની જેલનો સેટ અપ બનાવશે. સ્ટોરીનો ઘણો હિસ્સો જેલની અંદર જ સર્જાયેલો છે.

તાજેતરમાં આલિયા ભટ્ટે આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, મને બોય ફ્રેન્ડ રણબીર કપૂર પાસેથી કેટલીક ટિપ્સ મળી જેને ફોલો કર્યા બાદ હું મારી ફિલ્મી કેરિયરમાં ગોલ્ડન પીરિયડ ભોગવી રહી છું. થેન્ક યૂ રણબીર કપૂર.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.