રાજ્યમાં હાલ ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતના હવામાનમાં વધુ એક વખત પલટો આવવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ પવન અરબી સમુદ્ર પરથી ભેજ લઇને આવે છે. જેના કારણે આ વરસાદ થઇ શકે છે પરંતુ પવનની ગતિ પણ વધારે છે જ, વાદળો બનશે પરંતુ બહુ જલ્દી વાદળો જતા પણ રહેશે. આ દરમિયાન કેટલીક જગ્યામાં સામાન્ય વરસાદ થઇ શકે છે. બીજી તરફ વર્તમાન ઠંડીનું મોજુ આજે પણ યથાવત્ રહ્યું હતું.
અમરેલી, રાજકોટ, પોરબંદર, દ્વારકા, કચ્છમાં ઘણો જ સામાન્ય વરસાદ થવાની આગાહી: નલિયાનું 12.2 ડિગ્રી જયારે રાજકોટનું 18 ડિગ્રી લઘુતમ તાપમાન
આજે નલિયા 12.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું.હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેશે પરંતુ અમૂક જગ્યાએ છૂટોછવાયો હળવો વરસાદ થઇ શકે છે. વધારે વરસાદ થવાની શક્યતા નથી. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, પોરબંદર, દ્વારકા, કચ્છમાં ઘણો જ સામાન્ય વરસાદ થવાની આગાહી છે.
રાજ્યમાં હાલ પૂર્વ-ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાઇ રહ્યા છે જ્યારે અપર લેવલમાં જે ભેજ આવી રહ્યો છે તે અરબી સમુદ્રમાંથી આવી રહ્યો છે. જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ વધારે વરસાદ થવાની શક્યતા ઘણી જ ઓછી છે. ત્રણ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.આજે રાજ્યના વિવિધ શહેરના મહત્તમ તાપમાન 26 ડિગ્રીની આસપાસ રહેતા દિવસે પણ ઠંડક વર્તાઇ હતી. મંગળવારે અમદાવાદનું તાપમાન 16.2 ડિગ્રી પર સ્થિર રહ્યું હતું. આ ઉપરાંત અમરેલીમાં 15.8 ડિગ્રી, વડોદરા 15.0, ભાવનગર 18.4, ભૂજ 16,3, ડીસા 14.8, ગાંધીનગર 15.0, નલિયા 12.2, પોરબંદ. 19.4, સુરેન્દ્રનગર 16.0 અને વેરાવળનું લઘુતમ તાપમાન 19.1 ડિગ્રી નોંધાયું હતું.