જરૂર પડયે આત્મવિલોપન અને બેટ દ્વારા બંધ સાથે આંદોલન કરવાની ચીમકી અપાઈ
યાત્રાધામ બેટ દ્વારકામાં વ્યવસ્થાની સારસંભાળ માટે બનેલા બેટ દેવસ્થાન સમિતિ ટ્રસ્ટમાં ચાલતા ગેરવહિવટ સબબ લાંબા સમયથી વિવાદીત રહ્યો છે. ટ્રસ્ટીઓ મનમાની કરતા હોવાનો તેમજ ભ્રષ્ટાચાર થયો હોવાના અનેક આક્ષેપો થયા છે અને ગત માસમાં જ વૈષ્ણવ સમાજના ટ્રસ્ટીઓ તેમજ એક માજી મંત્રી તથા ટ્રસ્ટીના એક સાથે રાજીનામા છતાં પણ ટ્રસ્ટીઓએ કોઈપણ પ્રકારની ગંભીરતા ન લેતા બેટ દ્વારકામાં આવેલી સ્થાનીય સંસ્થાઓ તેમજ સ્થાનીય સમાજોમાં પણ વ્યાપક નારાજગી પ્રવર્તી રહી છે અને તેઓ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજુઆત કરી આ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવાની માંગણી કરતું આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે.
તેમની લેખિત રજુઆતોમાં બેટના ગુગ્ગળી બ્રાહ્મણ જ્ઞાતિ પંડાસભાના પ્રમુખ ભગતપ્રસાદ પાઢ, લોહાણા મહાજન અગ્રણી જીતેન્દ્ર કતિરા, ખારવા સમાજના પ્રમુખ કિશોરભાઈ ધાવરીયા, ખ્વાસ જ્ઞાતિના પ્રમુખ અજય રાઠોડ, સાધુ સમાજના પ્રમુખ હરેશ શાંતીલાલ, વાલ્મીકી સમાજના પ્રમુખ રમેશભાઈ ચૌહાણ, બેટના વેપારી અગ્રણી જયેન્દ્ર અગ્રાવત, બેટ ગુગ્ગળી બ્રહ્મસમાજના અગ્રણી હેમાંગભાઈ પાઢ વિગેરેએ લેખિત રજુઆતમાં મુખ્યમંત્રીને બેટ દ્વારકાધીશ મંદિરનો વહિવટ સંભાળતી બેટ દેવસ્થાન સમિતિમાં ચાલતા ગેરવહિવટ અને તેની યોગ્ય તપાસ અંગે માંગ કરવામાં આવી છે.
બેટ દ્વારકાના વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રી રૂપાણીને કરાયેલ અરજમાં જણાવ્યા મુજબ બેટ દેવસ્થાન સમિતિ પાસે રહેલ કરોડો રૂપિયાના સોના-ચાંદી અને હીરા ઝવેરાત તથા સ્થાવર અને જંગમ મિલકતો જે રેકોર્ડ પર છે તેનો મોટા પાયે દુરુપયોગ થાય છે જેમાં વર્તમાન ટ્રસ્ટીઓની મિલાપી છે.
બેટ દેવસ્થાન સમિતિમાં કથિત ગેરવહિવટ અંગે આક્રમક રીતે લડત કરતા બેટ દ્વારકાધીશ પંડસભાના પ્રમુખ ભગવતપ્રસાદ પાઢએ આ અંગે જણાવતા કહેલ કે આ પ્રશ્ને જરૂર પડયે આક્રમક આંદોલન કરીશું અને બેટ દ્વારકા બંધ રાખી વિરોધ કરાશે તેમજ આત્મવિલોપન જેવો ઉગ્ર માર્ગ પણ અપનાવવામાં આવશે.