”તારી કવિતા તણા જેણે પીધેલ હશે પાણી ,
એને લાખો સરોવર લાગશે મોળા મેઘાણી –
”રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી
ગુજરાતી સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણીએ ખૂબ મોટુ પ્રદાન કરેલું છે. તેમણો જન્મ 28-8-1896 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામે થયો હતો પરંતુ તેઓ મૂળ વતની અમરેલી જિલ્લાના બગસરાના હતા.
તેમની માતાનું નામ ધોળીબા અને પિતાનુ નામ કાળીદાસ હતું. ઝવેરચંદનું ભણતર રાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા, અમરેલી વગેરે જગ્યાઓએ થયું. તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્કૂલ અને હાલની ટીપી ગાંધી એન્ડ એમટી ગાંધી ગર્લ્સ સ્કૂલમાં ૧૯૧૦ થી ૧૯૧૨ સુધી માધ્યમિક શિક્ષણ મેળવીને ૧૯૧૨ મૅટ્રીક થયા હતા.
ઝવેરચંદ મેઘાણી તેમની પુત્રી ઈન્દુ સાથે
ત્યારબાદ તેમને ભાવનગરની શામળદાસ કોલેજમાં અભ્યાસ પુર્ણ કર્યો. ભણતર પુરુ કર્યા બાદ ઇ.સ. ૧૯૧૭માં તેઓ કોલકાતા સ્થિત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગ્લેંડ જવાનું પણ થયું હતુ. વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા. ૧૯૨૨માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા.
ઝવેરચંદ મેઘાણી પહેલા પત્ની દમયંતીબહેન સાથે
નાનપણથી જ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ધણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યનાં પરિચયમાં પણ આવ્યા હતાં. બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં ‘સૌરાષ્ટ્ર’ નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. તેમને નાનપણથી જ સાહિત્યમાં રસ હતો. તેમણે કાવ્ય 6 સંગ્રહ, 13 નવલકથા, 7 નવલિકા, 13 જીવન ચરિત્ર, એમ ઘણુ બધુ સાહિત્ય રચ્યું છે. તુલસીનો ક્યારો તેમની શ્રેઠ નવલકથા કહી શકાય.
કવિતા લેખનમાં તેમણે પગલાં ‘વેણીનાં ફુલ’ નામનાં ઇ.સ. ૧૯૨૬માં માંડ્યા. ઇ.સ. ૧૯૨૮માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું.
ઇ.સ. ૧૯૩૩માં તેમનાં પત્નીનાં દેહાંત બાદ તેઓ ૧૯૩૪માં મુંબઈ સ્થાયી થયા. અહીં તેમનાં લગ્ન ચિત્રદેવી સાથે થયા.
ઇ.સ. ૧૯૩૬ થી ૧૯૪૫ સુધી તેઓએ ફુલછાબનાં સંપાદકની ભુમીકા ભજવી જે દરમ્યાન ૧૯૪૨માં ‘મરેલાનાં રુધીર’ નામની પોતાની પુસ્તીકા પ્રકાશિત કરી. આ સમય દરમ્યાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર ‘ઝેરનો કટોરો’ કાવ્યની રચના કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં.
ઝવેરચંદ મેઘાણીએ યુગવંદના, વૈવિશાળ, અપરાધી, ગુજરાતનો જય, સોરઠ તારા વહેતાં પાણી જેવી ઘણી બઘી સાહિત્ય રચનાઓ આપી હતી. ૯ માર્ચ ૧૯૪૭નાં દિવસે, ૫૦ વર્ષની ઉંમરે, હ્રદય રોગના હુમલામાં તેમના બોટાદ સ્થિત નિવાસસ્થાને તેમનું મૃત્યુ થયું