વેદપુરાણ, ઉપનિષદ-ગીતાનું અધ્યયન અને સ્વાધ્યાય પરિવારની સ્થાપના કરનાર ભારતીય વિચારક ધર્મગુરૂ પૂ.પાંડુરંગ શાસ્ત્રી માનતા હતા કે, તત્વજ્ઞાનથી કોઈ ઉંચુ જ્ઞાન નથી
યોગેશ્વર અને સ્વાધ્યાય પ્રવૃતિના પ્રણેતા પૂ.પાંડુરંગ શાસ્ત્રી સનાતન ધર્મ અને ભારત વર્ષ જ નહીં સમગ્ર માનવ સમાજના એક એવા અનોખા સંત છે કે જેમણે સ્વચ્છતા, શાલીનતા, સુદ્રઢતા, શિસ્તબદ્ધતા અને સત્સંગના સંસ્કારોથી માનવ સમાજને એક નવી દિશા આપી હતી. યોગેશ્ર્વર અને સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પૂ.પાંડુરંગ શાસ્ત્રીનો જન્મ ૧૯ ઓકટોબર ૧૯૨૦ના રોજ મહારાષ્ટ્રના કોકણપ્રદેશના રોહા ગામના વૈદ્યનાથ આઠવલે અને પાર્વતી આઠવલેને ત્યાં થયો હતો. બાળપણમાં પિતાજીની શ્રીમદ્ ભાગવત ગીતા પાઠશાળાને કર્મભૂમિ બનાવીને ૧૯૪૪માં નિર્મલા તાઈ સાથે લગ્ન કરીને તેમણે પોતાની વિધ્વતા યાત્રા શરૂ કરી હતી. ગીતાનો ગહન અભ્યાસ કરી ગીતા રહસ્યોને અર્વાચીન પરિપેક્ષ્યમાં રજૂ કરી ગામડે-ગામડે પ્રચાર શરૂ કર્યો હતો અને તેમણે આ યજ્ઞ સાથે સાથે માનવ સમાજ માટે કાયમી ધોરણે આશિર્વાદ બની રહે તેવા ‘સ્વાધ્યાય પરિવાર’ની રચના કરી હતી, સ્વચ્છતા, શાલીનતા, શિસ્ત, સુદ્રઢતા અને સત્સંગના સંસ્કારો સાથે સ્વાધ્યાયનો વિચાર મંત્ર માનવ સમાજને આપીને સ્વાધ્યાય પરિવારને કોઈ એક ધર્મ કે, સંપ્રદાય કે ચોક્કસ જાતીના વાડામાં બાંધી દેવાના બદલે વિશ્ર્વ માનવ ઉત્થાનની એક પ્રવૃતિનું મહાવિરાટ રૂપ આપ્યું. સ્વાધ્યાય પરિવારની મુખ્ય જરૂરીયાત પ્રકાશ, પાણી અને પાથરણુ બનાવીને પૂ.પાંડુરંગ શાસ્ત્રીએ ગીતા જ્ઞાનને માનવ સમાજ માટે પ્રેરક અને આશિર્વાદરૂપ બનાવવાનો મહાયજ્ઞ સ્થાપ્યો.
સ્વાધ્યાય પરિવારની સ્થાપના છોડમાં રણછોડ, વૃક્ષ મંદિર અને શિસ્ત, સ્વચ્છતાના ઉપદેશક પૂ.પાંડુરંગ શાસ્ત્રી એક અનોખા સંત તરીકે માનવ સમાજમાં કાયમ અમર રહેશે
મફતનું લઈશ નહીં, મફતનું ખાઈશ નહીં અને સ્વાધ્યાય પરિવારનો મુદ્રાલેખ બનાવીને સ્વાધ્યાયને ઈશ્વરનું કાર્ય બનાવી સ્વયંમ ભગવાન જ આ કાર્યના સર્વેસર્વા માની સ્વાધ્યાયનું નિશ્ર્વાર્થ કાર્યને તેમણે ભક્તિનું રૂપ આપ્યું. ૧૯૫૬માં મુંબઈમાં તત્વજ્ઞાન વિદ્યાપીઠની સ્થાપના કરી, ગામડે-ગામડે ગીતાનો પ્રચાર કરવા ભક્તિફેરી, તિર્થયાત્રાના પ્રયોગો શરૂ કર્યા તેમણે સામાજીક એકરૂપતા માટે ભગવાન રામે જેમ કેવટને અપનાવ્યો હતો તેમ પૂ.પાંડુરંગ શાસ્ત્રીએ ભારતની ઉપેક્ષીત જાતીઓ વચ્ચે જઈ જ્ઞાન અને આત્મ સન્માનની દિક્ષા આપવાનું શરૂ કર્યું. તેમણે પર્યાવરણ પ્રત્યે સહાનુભૂતિ ઉભી કરવા છોડમાં રણછોડનો મંત્ર ગુંજતો ર્ક્યો. વૃક્ષ મંદિરો, શ્રી દર્શન, યોગેશ્વર, કૃષિ તેમણે આપેલા ઉપહાર છે. તેમણે ગામે ગામ વૃક્ષ મંદિર બાંધવાની પ્રવૃતિ કરી.
કેવળ પૈસાથી બંધાય એ મંદિર નથી હોતુ પણ દરેક માણસે મંદિરના બાંધકામમાં સાકળીને પૂ.પાંડુરંગ શાસ્ત્રીએ વૃક્ષ મંદિર અમૃતાલય, હિરા મંદિર, મત્સ્યગંધા, ગૌરશ જેવા કાર્યક્રમો દ્વારા મનુષ્ય ઉત્થાનની પ્રવૃતિ તેમણે કરી હતી. પૂ.પાંડુરંગ શાસ્ત્રીનું જીવન સ્વયંમ એક ચમત્કાર તરીકે જોવો તો જરા પણ અતિસ્યોક્તિ નથી. તેમણે ગીતા જ્ઞાનના માધ્યમથી કોઈ એક ધર્મ સંપ્રદાય કે વ્યક્તિ વિશેષના ધર્મ પ્રચારથી ધર્મની ગરીમાને સીમીત કરવાને બદલે ગીતાના માધ્યમથી સમગ્ર માનવ જાતને એક સુત્રીય બનાવવા માટે તેમણે સ્વાધ્યાય પરિવારના માધ્યમથી સમાજના પછાત વર્ગના, નિરંક્ષક, ગ્રામીણ, વનવાસી અને જે લોકોને સમાજના મુખ્ય પ્રવાહમાં ભળતા અને ભેળવવામાં કઠીનાઈ થતી હતી તેવા વર્ગમાં જઈને તેમણે સ્વાધ્યાય અને સ્વચ્છતા, શાલીનતા, સુદ્રઢતા, શિસ્તબદ્ધતા અને સત્સંગના માધ્યમથી એકરૂપ બનાવીને સ્વાધ્યાય પરિવારની જે રચના કરી હતી તેનાથી હજ્જારો નહીં પરંતુ લાખો માનવ એકતાંતણે બંધાયા. પૂ.પાંડુરંગ શાસ્ત્રીને રેમન મેકસેસે એવોર્ડ, ટેપલ ટેન પુરસ્કાર, મહાત્મા ગાંધી પુરસ્કાર, લોક માન્ય તિલક પુરસ્કાર, પદ્મ પુરસ્કાર સહિતના પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. તેમના જન્મદિવસને સ્વાધ્યાય પરિવારના દ્વારા મનુષ્ય ગૌરવ દિન અથવા ગરીમા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
પૂ.દાદા અઠવલે માનવ સમાજમાં ઉત્કર્ષ અને સામાન્ય માનવીને પ્રકૃતિના ઉપાસક અને મહામાનવ બનાવતા સ્વચ્છતા, શાલીનતા અને સુદ્રઢતાની સાથે સાથે શિસ્ત અને સત્સંગના ગુણોના સંસ્કારથી એક આખી વિચારક્રાંતિની પહેલ કરી હતી. જીવમાં શિવ અને પર્યાવરણ અને પ્રકૃતિની ખેવના દરેકમાં ઉભી થાય તે માટે તેમણે સ્વચ્છતાની સાથે સાથે વૃક્ષનું મહત્વ સમજાવ્યું હતું.
પૂ.પાંડુરંગ શાસ્ત્રીએ જગતને બતાવ્યું કે, સંત કેવા હોય?
વિશ્વ માનવ સમાજ અને ધર્મસંહિતામાં દરેક યુગમાં ધર્મ, ધર્મગુરૂ, શિક્ષા, દિક્ષાના અલગ અલગ પરિપેક્ષ્ય અને ઉદાહરણ જોવા મળે છે. પૂ.પાંડુરંગ શાસ્ત્રીએ આધુનિક યુગમાં ખરેખર સંત કેવા હોય તેની ઉત્તમ વ્યાખ્યા આપી હતી. પૂ.પાંડુરંગ શાસ્ત્રી ધર્મમાં એકાકાર અને સાંપ્રદાયીક ભેદભાવ માનતા ન હતા. તેમણે જીવનમાં દરેકને એક સુત્રએ સાકડી લેવા માટે સ્વાધ્યાય પરિવારની પ્રવૃતિ કોઈ ધર્મ કે સંપ્રદાય અને જાતિ વિશેષની પ્રવૃતિ ન બનાવીને વિશ્વ માનવ ઉત્થાનની એક પ્રવૃતિ બનાવી હતી. પ્રકાશ, પાણી અને પાથરણું મુખ્ય જરૂરીયાત બનાવીને તેમણે મફતનું લઈશ નહીં અને મફતનું ખાઈશ નહીં ના મુદ્રાલેખ સાથે સ્વાધ્યાય પરિવારનો પાયો નાખીને સ્વાધ્યાયને ઈશ્વરનું કાર્ય ગણાવ્યું હતું.
૧૯૯૫ની ૧૯મી માર્ચે દાદા એ ગજવી હતી રાજકોટમાં વિશાળ સભા
વેદ, પુરાણ, ઉપનિષદ અને ખાસ ગીતાજ્ઞાનને લોકો સુધી સરળ ભાષામાં પોચાડનાર એવા પાંડુરંગ દાદાના અનુયાયીઓ વિશાળ પ્રમાણમાં છે. તેઓ ભગવદ્ગીતાનો સારને આધુનિકતાનો રંગ લગાડી લોકોને વહેંચતા સમગ્ર ગુજરાત અને ખાસ સૌરાષ્ટ્રમાં પાડુરંગ દાદાનો વિશેષ પ્રભાવ જોવા મળે છે સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં પાડુરંગ દાદાએ વર્ષ ૧૯૯૫માં ૧૯મી માર્ચે વિશાળ સભા સંબોધી હતી તે દરમિયાન તેમણે કહ્યું હતુ કે, વેદો, ઉપનિષદોમાં જ ભારતની અકૃત જ્ઞાન સંપદા નિહિત છે. આપણી સંસ્કૃતિ એટલી વિશાળ અને સમૃધ્ધ છે કે તેના માધ્યમથી આધુનિક ભારતનું નિર્માણ કરી શકાય છે. પાડુરંગ શાસ્ત્રીએ આ તથ્યને પોતાની આગવી સુજબુઝથી સમજી તે પાછળ શોધ કરી લોકોને સમજાવવાનો પ્રયાસ કરેલો, દાદાએ જ યુકિતપૂર્વક વેદો, ઉપનિષદો અને હિંદુ સંસ્કૃતીની આધ્યાત્મિક શકિતને પૂન: ઉજાગર કરી આધુનિક ભારતનો પાયો નાખ્યો હતો. અને ભારતનાં સામાજીક રૂપાંતરણમાં આ જ્ઞાન અને વિવેકનો પ્રયોગ સંભવ બનાવ્યો ૧૯૯૫ની ૧૯મી માર્ચે રાજકોટમાં યોજાયેલી આ દાદાની જનસભામાં વિશાળ મેદની ઉમટી પડી હતી અને દાદા દ્વારા અપાયેલા મૂલ્યવાન જ્ઞાનનો લ્હાવો લીધો હતો.
વિશ્ર્વની દરેક કળીને એક તાંતણે બાંધતું સ્વાધ્યાય પરિવાર
દાદાના હુલામણા નામે જાણીતા પાડુરંગ શાસ્ત્રી આઠવલે વિશે પરિચય આપવોએ દિવડાના પ્રકાશમાં અખિલાઈના દર્શન જેવી વાત છે. સ્વાધ્યાય પરિવારની પાડુરંગ શાસ્ત્રી દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. જે એક સ્વાધ્યાયની સાથે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરિવાર પણ છે જયા જીવનને કેવી રીતે સુદ્દઢ બનાવી શકાય તે અંગે અધ્યયન અને શિક્ષણ આપવામા આવે છે. બાળકોથી માંડી વૃધ્ધ વ્યકિતી માટે અહી વિવિધ પ્રવૃત્તિઓ ચલાવાય છે. સ્વાધ્યાય પરિવાર અંતર્ગત વિવિધ કેન્દ્રો કાર્યરત છે. જેમાં બાલ સંસ્કાર કેન્દ્ર દ્વારા બાળકોમાં, યુવા કેન્દ્ર દ્વારા યુવાનોમાં મહિલા કેન્દ્ર દ્વારા મહિલાઓમાં અને વીડીયો કેન્દ્ર દ્વારા સ્વચ્છતા, સુદ્દઢતા, સાલિનતા સંસ્કાર અને સતસંગ દ્વારા જીવન કઈ રીતે વધુને વધુ સારી રીતે જીવવું તે શીખવવામાં આવે છે. માનવ જીવનના સોળ સંસ્કારનું અહી જ્ઞાન આપવામાં આવે છે. આધ્યાત્મિકતાની સાથે સાથે આધુનિકતાનો પણ અહી સંગમ જોવા મળ છે. સ્વાધ્યાય પરિવારનો આધાર શ્રીમદ ભાગવદ્ ગીતા છે. જેના આધારે જ સમગ્ર કાર્ય કરવામાં આવે છે. વૃક્ષમંદિર, યોગેશ્ર્વર કૃષિ, શ્રીદર્શનમ્, ગોરસ, મત્સ્યગંધશ, ત્રિકાળ સંધ્યા, અતૃલામય અંતર્ગત શ્રેષ્ઠતમ પ્રવૃત્તિઓ ચલાવાય છે જે માનવીને જીવનઉદય તરફ દોરે છે. અહી વિશ્વની દરેક કળીને એક તાંતણે બંધાય છે. આધ્યાત્મક, સાંસ્કૃતિક, સામાજીક, આધુનિક એમ દરેક પ્રકારનું જ્ઞાન અપાય છે. દાદા તેઓનાં પ્રવચનમાં કોઈ સંસાર છોડીને ધર્મ ધ્યાન કરવાનુય નહિ પણ ભાવપૂર્વક કૃતજ્ઞતાથી ભગવાન યોગેશ્ર્વરને સંસારમાં રહી જ યાદ કવા કહેતા.
વૃક્ષ મંદિરની પરિકલ્પનાથી પ્રાકૃતિક પૂજાનો મંત્ર આપ્યો
પૂ.પાંડુરંગ શાસ્ત્રી પોતે શાસ્ત્રોના પ્રખર વિદ્વાન હતા. તેમણે ગીતાના માનને સરળ શૈલીમાં સમજાવી સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો પૂરુષાર્થ ર્ક્યો હતો. તેમણે ધર્મને મંદિર અને મૂર્તિમાં સીમીત કરવાને બદલે વૃક્ષ મંદિરની પરિકલ્પના આપીને વસુદેવ કુટુમ્બકમની ભાવનાના સંસ્કારો આપ્યા હતા. સ્વાધ્યાય ઈશ્વરનું કાર્ય છે અને સ્વયંમ ભગવાન જ આ કાર્યના સર્વેસર્વા છે. સ્વાધ્યાયનું નિસ્વાર્થ કાર્ય એ જ ભક્તિ છે તેમ તેમણે મંત્ર આપીને વૃક્ષ મંદિરની વિચારધારાને અમલમાં મુકી હજ્જારો, લાખો સ્વાધ્યાપ્રેમી ભાવિકોને વૃક્ષ ઉછેર અને વન મંદિર માટે પ્રેરીત કર્યા હતા.
પૂ.પાંડુરંગ શાસ્ત્રી પ્રથમ એવા સંત કે જેમણે સમાજના તરછોડાયેલાઓને અપનાવતા શીખવ્યું
ભારત જ નહીં સમગ્ર વિશ્વના માનવ સમાજમાં પૂ.પાંડુરંગ શાસ્ત્રીએ સામાજીક એકતા અને વસુદેવ કુટુમ્બકમની ભાવના ઉભી કરવાની એક નવી પરંપરા ઉભી કરી. તેમણે સ્વાધ્યાય પ્રવૃતિઓમાં સમાજના છેવાડાના તરછોડાયેલા વર્ગ, આદિવાસી, માચ્છીમારો અને પછાત વર્ગના સમાજને સ્વાધ્યાયની પ્રવૃતિની દિક્ષા આપી. સાદગીપૂર્વક સ્વયંમ ધર્મ માનવ અને ઈશ્વરની સેવા કેવી રીતે કરવી તેની શિક્ષા આપી. સ્વાધ્યાય પરિવારમાં તરછોડાયેલાઓને અપનાવી વિશ્વની સામાજીક એકતા અને ધર્મ નિર્પેક્ષતાની મિસાલ ઉભી કરી.