“જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે : સ્વામી વિવેકાનંદ
૧૨ જાન્યુઆરી સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ છે. તેમનું સમગ્ર જીવન અને સંદેશ દેશના યૌવનધન માટે માગર્દર્શનરૂપ હતા. ભારત સરકારે ૧૯૮૫માં એક મહત્વપૂર્ણ નિર્ણય લઇને સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીના દિવસનેરાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં ઉજવવાનું નક્કી કર્યું છે. સ્વામી વિવેકાનંદ યુવા વર્ગ માટે સદાય આદર્શરૂપ રહ્યા છે. સ્વામી વિવેકાનંદે ૩૯ વર્ષની વયમાં જ મહાસમાધિ લીધી. સ્વામીજીએ પોતાની યુવાવસ્થામાં જ મહાનતાના શિખરોને આંબી લીધા હતા.
સ્વામિ વિવેકાનંદે કહ્યું હતું કે આજે જરૂર છે તાકાત અને આત્મ વિશ્વાસની… આપણામાં હોવી જોઇએ પોલાદની તાકાત અને મનોબળ એમની એ સિંહ ગર્જનાએ કાશ્મીરથી ક્ધયાકુમારી સુધીના યુવકોમાં નવો જોશ અને ઉત્સાહ ભરી દીધો હતો. યુગદ્રષ્ટાએ સ્વામી વિવેકાનંદે આપણા રાષ્ટ્ર જીવનના પ્રત્યેક પાસાંઓનો સૂક્ષ્મ વિચાર કર્યો હતો. એ ઉમદા વિચારોને જીવનમાં ઉતારીને દરેક માનવ-ભારતવાસી સ્વ કલ્યાણ, સમાજ કલ્યાણ, રાષ્ટ્રા કલ્યાણ અને વિશ્વ કલ્યાાણ કરીને પોતાને અને દેશને ઉજ્જવળ કીર્તિ અપાવી શકે છે.
સ્વામી રામતીર્થ મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, જવાલાલ નેહરૂ અને અનેક યુવાનોના સ્વામી વિવેકાનંદ પ્રેરણા સ્ત્રોત હતા. ગાંધીજીએ કહ્યું હતું કે, સ્વામી વિવેકાનંદના લખાણો હું સાંગોપાંગ વાંચી ગયો છું અને તેનાથી મારામાં રહેલો સ્વદેશ પ્રેમ હજાર ગણો વધી ગયો છે.૨૦૫૦ સુધીમાં ભારત વિશ્વનો સૌથી વધુ યુવાધન ધરાવતો દેશ બનશે. આ યુવા વર્ગ રચનાત્મક અને સકારાત્મક પ્રવૃતિઓ તરફ વળે તો ભારત વિશ્વના અનેક દેશો માટે યુવા શક્તિનું જ્વલંત ઉદાહરણ બનશે.
સ્વામીજીના જીવને અનેક મહાપુરુષોના જીવનને પ્રભાવિત કર્યું છે. આજે પણ એમનું સાહિત્ય કોઈ અગ્નિમંત્રની જેમ વાંચનારના મનમાં ઉર્જા પેદા કરે છે. કોઈકે બરાબર કહ્યું છે કે, જો તમે સ્વામીજીનું પુસ્તક સૂતાં સૂતાં વાંચો તો સ્વાભાવિક જ ઊઠીને બેઠા થઈ જશો. જો બેઠા થઈને વાંચશો તો ઊઠીને ઊભા થઈ જશો અને જે ઊભા થઈને વાંચશે તે સ્વાભાવિક રીતે કામમાં પરોવાઈ જશે. પોતાના લક્ષ તરફ ચાલ્યો જશે. આ સ્વામી વિવેકાનંદના જીવન સંદેશનો પ્રભાવ છે. જે કોઈપણ તેમના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે છે તેનું જીવન જ બદલાઈ જાય છે.
રાજકોટ ખાતે પણ ૨૫ જાન્યુઆરીના રોજ યોજાનારા યુવા સંમેલનમાં પણ યુવાનોને કારકિર્દીલક્ષી અનેક માહિતી આપવામાં આવશે.યુવા શકિત એ દેશની અમોઘ સંપદા છે. અને આ જ સંપદાના જીવનમાં સુયોગ્ય કારકિર્દીનું સર્જન થઈ શકે તે માટે રાજ્ય સરકાર સુંદર કાર્યોનુ આયોજન કરે છે.જો વર્તમાન સમયમાં ભારતના યુવાનો, સ્વામીજીના બતાવેલા લક્ષ નિર્ધાર, આત્મવિશ્વાસ, સમર્પણ અને સંગઠનને પોતાના જીવનમાં ઉતારે તો, ભારતને વિશ્વમાં અગ્રણી બનવામાં વાર લાગશે નહીં. આમેય ભારત આજે વિશ્વમાં સૌથી યુવાન દેશ છે. વસતીના રૂપમાં પણ આપણે વિશ્વમાં સૌથી વધુ યુવાન છીએ, પરંતુ સુશિક્ષિત રોજગાર સક્ષમ યુવાનોની સંખ્યામાં પણ આજે ભારત મોખરે છે. એટલા માટે સ્વામી વિવેકાનંદની જયંતી આપણા માટે અવસર છે કે આપણે આપણા જીવનને સાર્થક બનાવીએ અને દેશને પણ વિશ્વમાં યોગ્ય સ્થાન પર સ્થાપિત કરીએ.