1969 થી 1971ના માત્ર ત્રણ વર્ષના ગાળામાં 15 ફિલ્મો સુપરહીટ તેના અભિનયથી થઇ હતી
રાજેશ ખન્નાનું નામ સાંભળતા જ સુપરસ્ટાર શબ્દ યાદ આવે ને તેની ફિલ્મોના ગીતો આજે પણ લોકો ગાવા માંડે છે. ‘મેરે સપનો કી રાની’ આરાધના ફિલ્મનું ગીત આજેપણ યુવાધન ગાય છે. આજે તેમનો 79મો જન્મ દિવસ છે. તેમનું મૂળ નામ જતીન ખન્ના હતું. ‘કાકા’ના હુલામણા નામથી બોલીવુડ સાથે સમગ્ર દેશમાં જાણીતા હતાં.
હિન્દી ફિલ્મજગતમાં સુપરસ્ટારનું ગૌરવ પ્રાપ્ત કરનાર તેઓ એકમાત્ર કલાકાર હતા. 1969 થી 1971ના માત્ર ત્રણ વર્ષના ગાળામાં તેમની 15 ફિલ્મો સુપરહિટ થઇ હતી જે એક રેકોર્ડ છે. તેઓએ 180 થી વધુ ફિલ્મોમાં અભિનયના ઓજશ પાથર્યા હતાં. 1991માં એમને ભારતીય સિનેમાના 25 વર્ષ પુરા કરવા બદલ ફિલ્મફેર પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમને ત્રણ વખત ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો હતો.
ભારતના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાના જીવન આધારિત ફિલ્મ પણ બનવા જઇ રહી છે. તેમનો જન્મ 29 ડિસેમ્બર 1942ના રોજ અમૃતસર ખાતે થયો હતો. ‘કાકા’નું અવસાન 18 જુલાઇ 2012ના રોજ મુંબઇ ખાતે થયું હતું. તેમણે ડિમ્પલ કાપડીયા સાથે લગ્ન કર્યા હતા ને ટ્વિંકલ ખન્ના અને રિંકી ખન્ના બે પુત્રીઓ હતી. તેમના જમાઇ જાણિતા અભિનેતા અક્ષય કુમાર છે. તેઓ લોકસભામાં સાંસદ પણ રહી ચુક્યા છે.
1965માં ઓલ ઇન્ડિયા ટેલેન્ટ કોન્ટેસ્ટ જીતીને નિર્માતાની નજરમાં આવેલા રાજેશ ખન્નાએ 1966માં આવેલી ચેતન આનંદની ફિલ્મ ‘આખરી ખત’થી અભિનય યાત્રા શરૂ કરી હતી. બાદમાં ‘રાઝ’ ફિલ્મથી તેમનું નામ હિરો તરીકે જાણીતું બન્યું હતું. તેમની જાણિતી ફિલ્મો આનંદ, આરાધના, ડોલી, ઇત્તેફાક, ખામોશી, હાથી મેરે સાથી, દો રાસ્તે, સચ્ચા-જુઠ્ઠા, આન મિલો સજના, બાવર્ચી, રાજા રાની, દાગ, રોટી, આપ કી કસમ અને કટી પતંગ જેવી હતી.
રાજેશ ખન્ના ગુરૂદત્ત, મીના કુમારી અને ગીતા દત્તને પોતાની આદર્શ મૂર્તિઓ ગણતા હતા, જ્યારે દિલીપ કુમાર, શમ્મી કપૂર અને દેવ આનંદની શૈલી તેમના અભિનયમાં જોવા મળતી હતી.