ફાટેલા તૂટેલા કે રંગ ઉડી ગયેલા તિરંગાને પણ સન્માન સાથે બાળવામાં અથવા વજન બાંધીને પવિત્ર નદીમાં જળ સમાધી આપવામાં આવે છે
આપણો રાષ્ટ્રધ્વજ અખંડતા અને એકતા નું પ્રતીક છે. આપણા રાષ્ટ્રધ્વજને તિરંગા પણ કહેવાય છે કારણ કે તે ત્રણ રંગથી બનેલો છે. તિરંગા આપણા દેશની આન, બાન, શાન છે. આજે આપણા રાષ્ટ્રધ્વજ તિરંગા નો જન્મદિવસ છે. 15મી ઓગસ્ટ 1947 ના દિવસે આપણો દેશ આઝાદ થયો. તેના થોડા સમય પહેલા સંવિધાન સભામાં પંડિત જવાહરલાલ નહેરુએ 22 જુલાઈ 1947 ના દિવસે વર્તમાન તિરંગા ધ્વજને રાષ્ટ્રીય ધ્વજ ઘોષિત કર્યો.
આપણા રાષ્ટ્રીય ધ્વજ નો ઇતિહાસ ખૂબ જ રોચક છે. 20 મી સદીમાં જ્યારે આપણો દેશ બ્રિટિશ સરકારની ગુલામીમાંથી છૂટવા સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે સ્વતંત્રતા સેનાનીઓને એક ધ્વજની જરૂર પડી. કારણ કે ધ્વજ એ સ્વતંત્રતાની અભિવ્યક્તિનું પ્રતીક છે. ઈ.સ. 1904 માં સ્વામી વિવેકાનંદ ની શિષ્યા સિસ્ટર નિવેદિતાએ પહેલી વખત એક ધ્વજ બનાવ્યો. જે લાલ અને પીળા રંગનો હતો. ત્યાર પછી ઈ. સ. 1906 માં શચિન્દ્ર બોસ, ઈ.સ. 1908 માં સર ભીખાજી કામા, ત્યાર પછી વીર સાવરકર અને શ્યામજી કૃષ્ણએ ધ્વજના રંગ રૂપ માં ફેરફાર કર્યા હતા.
ઈ. સ. 1916 માં વેકૈયા પિંગલી એ એક એવા ધ્વજ ની કલ્પના કરી કે જે બધા ભારતવાસીઓ ને એક તાંતણે બાંધી રાખે. તેમણે પાંચ વર્ષ સુધી અલગ અલગ દેશના ધ્વજ ઉપર સંશોધન કર્યું. અંતે ઈ.સ.1921 માં વિજયવાડામાં આયોજિત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં વેકૈયાં પિંગલી મહાત્મા ગાંધીને મળ્યા અને પોતે ડિઝાઇન કરેલો લાલ અને લીલા રંગનો ધ્વજ દેખાડ્યો. જેમાં લાલ રંગ હિન્દુ સમુદાય અને લીલો રંગ મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતો હતો.
આ ધ્વજ ની કેન્દ્રમાં ગાંધીજીનાં ચરખાની ડિઝાઇન હતી, જે દર્શાવતું હતું કે આપણા દેશના કપડામાંથી જ બનેલો ધ્વજ છે. ત્યારબાદ સ્વતંત્રતાના આંદોલન દરમિયાન ત્રણ રંગના ધ્વજ નો પ્રયોગ કર્યો અને ત્યારે મોતીલાલ નહેરુએ આ ધ્વજને પકડ્યો હતો. પછી કોંગ્રેસે ઈ.સ. 1931 માં સ્વરાજ ધ્વજ ને જ રાષ્ટ્રીય ધ્વજ તરીકે સ્વીકૃતિ આપી. જેમાં ઉપર કેસરી રંગ વચમાં સફેદ રંગ અને નીચે લીલો રંગ હતો સફેદ રંગની વચમાં બ્લુ કલરનો ચરખો હતો.
22 જુલાઈ 1947 ના દિવસે ભારતની સંવિધાન સભામાં સ્વરાજ ધ્વજને અશોક ચક્ર સાથે રાષ્ટ્રીય ધ્વજ તરીકે અપનાવ્યો. જેમાં ચરખાની જગ્યાએ અશોક ચક્ર હતું. જ્યારે તિરંગામાં ચરખાની જગ્યાએ અશોક ચક્ર નક્કી કર્યું ત્યારે મહાત્મા ગાંધી નારાજ થઈ ગયા હતા.
ધ્વજમાં રહેલો કેસરી રંગ બલિદાન, શક્તિ અને સાહસ નું પ્રતીક છે. સફેદ રંગ શાંતિ અને સત્યનું પ્રતીક છે તેમજ લીલો રંગ ભારતમાં હરિયાળી દર્શાવે છે, જે વિશ્વાસ ખુશાલી અને સમૃદ્ધિનો પ્રતીક છે. સફેદ પટ્ટાના કેન્દ્રમાં બ્લુ રંગનું ચક્ર છે, જે રાજા અશોક ની રાજધાની સારનાથ નું ચિન્હ છે. આ ચક્રમાં 24 આરા (પટ્ટી) છે. આ ચક્ર ધર્મચક્ર નું પ્રતીક છે, જે પ્રગતિ સૂચવે છે. ચક્ર નું બ્લુ રંગ આકાશ, મહાસાગર અને સાર્વભૌમિક સત્ય દર્શાવે છે દે સલામી ઈસ્ તિરંગે કો, જિસસે તેરી શાન હૈ, સર હંમેશા ઊંચા રખનાં ઇસકા, જબ તક દિલમે જાન હૈ. જય હિન્દ જય ભારત
-
આપણા રાષ્ટ્રધ્વજ તિરંગા સાથે જોડાયેલ તથ્ય
1) કોઈપણ મંચ ઉપરથી બોલનાર વ્યક્તિની જમણી બાજુ એ જ તિરંગો હોવો જોઈએ.
2) રાચીનું પહાડી મંદિર ભારતનું એક એવું મંદિર છે કે જ્યાં તિરંગો લહેરાવાય છે. 493 મીટર ની ઊંચાઈ ઉપર દેશનો સૌથી ઊંચો ધ્વજ રાચીમાં જ લહેરાઈ છે.
3) ભારતીય ધ્વજ સંહિતા નામનો એક કાયદો છે જેમાં તિરંગા ને લહેરાવવાના નિયમો નક્કી કરેલા છે આ નિયમોનું ઉલ્લંઘન કરવાથી જેલ પણ થઈ શકે છે.
4) તિરંગો હંમેશા કાપડનો જ હોવો જોઈએ પ્લાસ્ટિકના ધ્વજ બનાવવાની મનાઈ છે.
5) તિરંગો હંમેશા લંબચોરસ આકારમાં જ બનાવાય છે, જેનું માપ 3:2 નક્કી છે. જ્યારે અશોક ચક્ર નું કોઈ માપ નથી પરંતુ તેમાં 24 લીટ્ટી હોવી જરૂરી છે.
6) ધ્વજ ઉપર કંઈ પણ લખવું કે દોરવું ગેર કાનૂની છે.
7) કોઈપણ ગાડીની પાછળ, બોટ કે પ્લેનમાં તિરંગો લગાવી શકાય નહીં અને કોઈ વસ્તુ ઢાંકવા પણ તિરંગા નો ઉપયોગ કરી શકાય નહીઁ.
8) કોઈપણ પરિસ્થિતિમાં તિરંગો જમીનને અડવો જોઈએ નહીં એ તેનું અપમાન છે.
9) તિરંગાનો કોઈપણ પ્રકારના યુનિફોર્મ કે શણગાર કરવામાં ઉપયોગ કરી શકાય નહીં.
10) ભારતમાં બેંગ્લુરું થી 420 સળ સ્થિત ’”હુબલી” એક માત્ર લાઇસન્સ પ્રાપ્ત સંસ્થા છે જે ધ્વજ બનાવવા અને સપ્લાય કરવાનું કામ કરે છે.
11) કોઈપણ બીજા ધ્વજને રાષ્ટ્રીય ધ્વજ કરતા ઊંચો કે ઉપર લગાવી શકાય નહીં અને એની બરાબર પણ રાખી શકાય નહીં.
12) સામાન્ય નાગરિકોને પોતાના ઘર કે ઓફિસોમાં સામાન્ય દિવસોમાં તિરંગા લહેરાવવાની અનુમતિ 22 ડિસેમ્બર 2002 પછી મળી.
13) તિરંગા ને રાતના લહેરાવવાની અનુમતિ 2009 માં મળી.
14) રાષ્ટ્રપતિ ભવનના સંગ્રહાલયમાં નાનામાં નાનો તિરંગો છે જે સોનાના સ્તંભ ઉપર હીરા ઝવેરાતથી મઢેલો છે.
15) આખા દેશમાં 21 સ 14 ફૂટનો ધ્વજ ફક્ત ત્રણ જગ્યાએ જ લહેરાય છે. કર્ણાટકનું નારગુંડ કિલ્લો, મહારાષ્ટ્રનો પનહાલા કિલ્લો અને મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં સ્થિત કિલ્લો.
16) ભારતીય સંવિધાન અનુસાર જ્યારે કોઈ રાષ્ટ્ર વિભૂતિનું નિધન થાય અને રાષ્ટ્રીય શોક જાહેર થાય ત્યારે થોડા સમય માટે ધ્વજને નમાવી દેવામાં આવે છે. પરંતુ ફક્ત તે જ ભવન નો તિરંગો નમાવાય છે જે ભવનમાં તે વિભૂતિ નો પાર્થિવ દેહ રાખ્યો હોય, જેવો પાર્થિવ દેહ ભવનની બહાર કાઢે તરત જ ધ્વજને પૂરી ઊંચાઈ સુધી લહેરાવી દેવાય છે.
17) દેશ માટે મરી મીટેલા શહીદો અને દેશની મહાન વિભૂતીઓને તિરંગામાં વીંટવામાં આવે છે આ દરમિયાન કેસરી પટ્ટો માથા તરફ અને લીલો પટ્ટો પગ તરફ હોવો જોઈએ શબને બાળ્યા કે દાટ્યા પછી ધ્વજને ખાનગીમાં સન્માન સાથે બાળવામાં આવે છે અથવા વજન બાંધીને પવિત્ર નદીમાં જળ સમાધિ આપવામાં આવે છે.
18) ફાટેલા તૂટેલા કે રંગ ઊડી ગયેલા તિરંગા ને પણ સન્માન સાથે બાળવામાં આવે છે અથવા વજન બાંધીને પવિત્ર નદીમાં જળ સમાધી આપવામાં આવે છે.