રતન મહાલ જીવ અભયારણ્યમાં ૨૦૫ કરતા વધુ પ્રકારના રંગબેરંગી દેવદૂતો જોવા મળે છે
રતન મહાલની બર્ડ ફોટોગ્રાફીના આધારે
વડોદરા થી અંદાજે ૧૪૦ કિમી ના અંતરે દાહોદ જિલ્લામાં રતન મહાલ વન્ય જીવ અભયારણ્ય આવેલું છે જે રીંછ માટે ખ્યાતનામ છે.પણ બહુ ઓછા લોકો જાણે છે કે આ અભયારણ્ય ભાત ભાત ના રંગબેરંગી પક્ષીઓનું પણ મનગમતું આશ્રય સ્થાન છે.
વડોદરાના પક્ષી તસવીરકાર એટલે કે બર્ડ ફોટોગ્રાફર ડો.રાહુલ ભાગવત કેમેરો લઈને આ અભયારણ્યના ખૂણે ખૂણે ફરી વળ્યા છે અને ખૂબ જહેમત ઉઠાવીને અહીંના પક્ષીઓને કેમેરાની આંખે કચકડે મઢી લીધાં છે.આમેય, બર્ડ વોચિંગ અને ફોટોગ્રાફી એ ધીરજ, સંયમ,ચપળતા અને પારાવાર પરસેવો વહાવવાનું કામ છે.
ડો.રાહુલની આ જહેમત વન વિભાગને ગમી જતાં, એમના ફોટોગ્રાફ્સને આધારે રતન મહાલ વન્ય જીવ અભયારણ્ય પક્ષી માર્ગદર્શિકા બનાવવામાં આવી છે.વડોદરા વન્ય જીવ વિભાગના ઉપક્રમે પરિસરિય પ્રવાસન વિકાસ સમિતિ, નળધા દ્વારા એનું પ્રકાશન કરવામાં આવ્યું છે જે હાલમાં રતન મહાલ રીંછ અભયારણ્યની કચેરીમાં ઉપલબ્ધ છે.
ડો.રાહુલે પક્ષી અને વન્ય જીવ છબિક્લામાં ઘણું ઉડું ખેડાણ કર્યું છે અને દેશના ખ્યાતનામ પક્ષી અને વન્ય જીવ તીર્થોમાં સાહસ અને ધીરજ સાથે ફોટોગ્રાફી કરી છે.આ પુસ્તક તેમની જહેમતને રજૂ કરતું પ્રથમ પ્રકાશન છે જે રતન મહાલ અને તેના પક્ષી વારસાને હાર્દમાં રાખીને બનાવવામાં આવ્યું છે.
ડો.રાહુલના અંદાજ પ્રમાણે રતન મહાલ અભયારણ્યમાં અંદાજે દેશી વિદેશી ૨૦૫થી વધુ પ્રકારના પક્ષીઓ, કેટલાક બારે માસ અને કેટલાક અનુકૂળ મોસમમાં જોવા મળે છે.આમ તો અહી બારેમાસ બર્ડ વોચિંગ કરી શકાય પરંતુ શિયાળો અને ચોમાસાં પહેલા ઉતરતો ઉનાળો પક્ષી દર્શન માટે વધુ અનુકૂળ ગણાય એવું એમનું કહેવું છે. ચોમાસામાં અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રહે છે.હાલમાં વન વિભાગે તેના એક ભાગને વિશેષ બર્ડિંગ ઝોન જાહેર કર્યો એને તેઓ એક સારું કદમ ગણાવે છે.
ડો.રાહુલે આ પુસ્તિકા પ્રકાશિત કરીને વન વિભાગે તેમની જહેમત સાર્થક કરી એનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે વન સંરક્ષક આરાધના શાહુ, શશિકુમાર અને નાયબ વન સંરક્ષક ડો.ધવલ ગઢવીના પ્રોત્સાહનથી આ શક્ય બન્યું છે.તેમને આ કામમાં રોહિત વ્યાસ, ડો.ભાવિક પટેલ અને શ્રીમતી નિશા ફડકે ભાગવતની વિશેષ મદદ મળી છે. પંખાળા દેવદૂતો જેવા પક્ષીઓ પ્રકૃતિની શોભા અને વિરાસત છે.એમના અંગેની જાણકારી જેટલી વધશે એટલા વધુ પ્રમાણમાં લોકોને તેમના રક્ષણમાં જોડી શકાશે. આ માર્ગદર્શિકા પ્રવાસીઓને રતન મહાલના પક્ષીઓની ઓળખ આપશે.