પંખી રે પંખી રે… જૂના ગગનના પંખી રે…
આફ્રિકન ગ્રે પેરોટ ૪૦૦થી પણ વધુ અવાજો કાઢશે: બર્ડ-શોમાં સ્પર્ધા અને કરતબો દ્વારા પક્ષીપ્રેમીઓ મંત્ર મુગ્ધ થશે
સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ પેટસ બ્રિડર્સ એન્ડ ટ્રેડર્સ એસોસીએશન દ્વારા આવતીકાલે સવારે ૧૦ થી રાતના ૮ વાગ્યા સુધી બાલભવનના નરભેરામ હોલ ખાતે બર્ડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ પ્રકારના પંખીડાઓ જોવા મળશે. જેમાં રાજયભરના પેટ બ્રિડર્સ અને વેપારીઓ પોતાના પક્ષીઓને લઈ રાજકોટના આંગણે આવવાના છે.
આ બર્ડ-શોમાં વિવિધ પ્રકારના પક્ષીઓ જેમ કે, બજરીગર, મકાઉ, આફ્રિકન ગ્રે પેરોટ, ૪૦૦થી વધુ અલગ અલગ અવાજ કાઢી શકે તેવા અને તદન માણસ જેવી બોલી બોલનારા પક્ષીઓ, ગુજરાત રાજયના વિવિધ વિસ્તારોના દેશી તેમજ વિદેશના પક્ષીઓ આ બર્ડ-શોમાં ભાગ લેવા રાજકોટ આવી રહ્યાં છે. કાર્યક્રમનું વિશેષ આકર્ષણ રંગબેરંગી પક્ષીઓ અને ગ્રે પેરોટ રહેશે.
કહેવાય છે કે, માનવીનો સૌથી સાચો સથવારો પ્રાણીઓ હોય છે. આજે લોકો વફાદાર ડોગ, કેટ અને પક્ષીઓ પણ પાળતા થયા છે. તેવામાં જો પક્ષીઓ ઘરમાં રાખવામાં આવે તો તે ખુબજ શુભ ગણવામાં આવે છે. કારણ કે, પક્ષીઓ તમને એકલતા અનુભવવા દેતા નથી. માટે જ લોકો ઘરમાં પક્ષીઓ રાખે છે.
હાલના સમયમાં ટોકીંગ પેરોટ ખુબજ પ્રખ્યાત અને ડિમાન્ડીંગ છે. ત્યારે રાજકોટની જનતાને પક્ષીઓની બ્રિડ તેમની ખાસીયત અને દેશી તેમજ વિદેશી રંગબેરંગી મનમોહક પક્ષીઓ જોવા તેમજ ખરીદવા મળે તેવા હેતુથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.