રાજકોટ જિલ્લા પંચાયત ખાતે સ્થાપિત પ્રતિમાઓને પુષ્પાંજલિ તેમજ વિવિધ સેવાકીય કાર્યો યોજાયા :  ભૂપતભાઈ બોદર

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદર ની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે  1  મે  1960 ના મહારાષ્ટ્રમાંથી વિભાજિત થયેલ ગુજરાતના 62મા સ્થાપના દિન ની ઉજવણી અંતર્ગત  રાજકોટ જીલ્લા પંચાયત ખાતે રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર તેમજ ડી.ડી.ઓ. દેવ ચૌધરીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ જીલ્લા પંચાયત ખાતે રોશનીના ઝગમગાટ થી નયનરમ્ય સુશોભન કરવામાં આવેલ  હતું  તેમજ જિલ્લા પંચાયત ખાતે  મહાનુભાવોની સ્થાપિત પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી  રાજકોટ જીલ્લા પંચાયત વહીવટી તંત્ર તરફથી “પ્રોજેક્ટ કલરવ” અંતર્ગત અબોલ પક્ષીઓને ચણ તથા પાણી મળી રહે તે માટે માળા સહિતની સુવિધા યુક્ત “પક્ષીઘર” રાજકોટ જીલ્લાની તમામ ગ્રામ પંચાયતની કચેરીઓ તેમજ આંગણવાડી કેન્દ્રો પર મુકવામાં આવશે. 150 જેટલી ગ્રામ પંચાયત ને વિવિધ યોજનાકીય કાર્ડ ની યોગ્ય જાળવણી માટે જરૂરી લેમીનેશન કીટ તબક્કાવાર આપવામાં આવી. આ પ્રસંગે ઉપપ્રમુખ સવિતાબેન નાથાભાઈ વાસાણી, સદસ્ય સવિતાબેન ગોહેલ, સદસ્ય સુમાબેન લુણાગરિયા, ડી.આર.ડી.એ.તરફથી   વીરેન્દ્ર અગ્રવાલ,  એલ્વીશ ગોજારીયા તથા આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે ભુપતભાઈ બોદર એ જણાવેલ કે ખમીરવંતા ગુજરાતીઓ આજે વિશ્વના તમામ ખૂણે પહોંચી ગયા છે ત્યારે નરસિંહ મહેતાની આ ભૂમિ પર આધ્યાત્મિકતાનો ઘણો પ્રભાવ રહ્યો છે. ગુજરાતની ધરા એ દેશને રવિશંકર મહારાજ, મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ દેશના લોક લાડીલા પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી ની ભેટ આપી છે કે જેમણે સતત ત્રણ કાર્યકાળ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રહી ગુજરાતના વિકાસ મોડેલને વિશ્વસ્તરે નામના અપાવી અને હાલ દેશના વડાપ્રધાન તરીકે સમગ્ર વિશ્વમાં દેશનું ગૌરવ વધારી રહ્યા છે, ત્યારે આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કંડારેલી ગુજરાતના વિકાસની કેડી ને રાજ્યના મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલજી આગળ વધારી રહ્યા છે. તેમ અંતમાં ભુપતભાઈ બોદર એ જણાવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.