મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં વન, પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ
વન, પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાના સંબંધિત પ્રશ્નોની રજૂઆત અને કામગીરીની સમીક્ષા માટેની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.
મંત્રી પટેલે સામાજિક વનીકરણ વિભાગ અંતર્ગત રાજકોટ અને મોરબી જિલ્લાની કામગિરીની માહિતી મેળવીને સમીક્ષા કરી હતી. વિભાગ અંતર્ગત સમાવિષ્ટ વનોમાં પ્રવાસીઓ માટેની સુવિધાઓની જાળવણી કરવા તાકીદ કરી હતી. તેમજ ધારાસભ્યો અને પદાધિકારીઓ પાસેથી ફિડબેક લઈ વિવિધ યોજનાઓ અંતર્ગત થતી વનીકરણની કામગીરી વધુ અસરકારક બને ઔ તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા.
મંત્રીએ આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને વનીકરણ માટે રોપાઓ પૂરા પાડીને સામાજિક સંસ્થાઓનો સહયોગ લઈ ગામોગામ “નમો વડ વન યોજના” માટે જગ્યા ફાળવણી સત્વરે કરી આપવા તાકીદ કરી હતી. તેમજ કહ્યું હતું કે આ યોજનાને વિસ્તારી ગામેગામ વન બનાવવાની રાજ્ય સરકારની નેમ છે. જિલ્લાની પેન્ડિંગ દરખાસ્તોની વિગતો મેળવી સત્વરે તેનો નિકાલ કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સ્થળ પર જ સૂચના આપી હતી. રાજકોટ આસપાસ પ્રાકૃતિક સૌંદર્યના સ્થળોમાંથી કોઈ એક સ્થળે બર્ડ પાર્ક વિકસિત કરવા અંગે સૂચનો મેળવ્યા હતા. જ્યા શહેરીજનો બર્ડ વોચિંગ કરી શકે અને પક્ષીઓનું જતન થાય.
મંત્રીએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અંતર્ગત જીલ્લાની કામગીરીથી માહિતગાર થઈને વિવિધ નગરપાલિકાના વહીવટદારો અને ચીફ ઓફિસરોને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અંગે પ્લાનિંગ કરવા સૂચના આપી હતી. તેમજ જેતપુર નગરપાલિકાની પ્લાસ્ટિક વેસ્ટમાંથી બેંચ અને બ્લોક દ્વારા રિસાયકલ કરવાની કામગીરીને બિરદાવી હતી. ઊપરાંત જી.પી.સી.બી.ને તેમજ જિલ્લા કલેક્ટર ને તળનું પાણી પ્રદુષિત ન થાય અને તેનાથી સામૂહિક સ્વાસ્થ્ય ન જોખમાય તે માટે આવા એકમો સામે વધુ સખત કાર્યવાહી કરવા જણાવ્યું હતું. મંત્રી એ જણાવ્યું હતું કે, માત્ર નોટિસ કે દંડ કરવાથી આપનું કાર્ય પૂર્ણ નથી થતું. પ્રદૂષણ બંધ થાય તે માટે સમસ્યાનું અંતિમ સમાધાન થાય ત્યાં સુધી જવાબદારીપૂર્વક પ્રયત્નો અધિકારીઓ, પદાધિકારીઓ અને વહીવટી તંત્રએ મળીને કરવા જોઈએ. આ ઉપરાંત, મેડીકલ વેસ્ટ ટ્રીટમેન્ટ અંગે વિગતો મેળવી કામગીરી અંગે સંતોષ વ્યકત કર્યો હતો.
ઉપરાંત પાણી પૂરવઠા વિભાગ, સિંચાઇ વિભાગ અંતર્ગત અમૃત સરોવર અને સુજલામ સુફલામ્ અંતર્ગત તળાવોને ઊંડા કરવાના વિવિધ કામોની પણ સમીક્ષા કરી હતી. ચેકડેમ રીપેરીંગ, તળાવોની માટી અંગેના પ્રશ્નો સાંભળ્યા હતા.
આ બેઠકમાં ધારાસભ્યઓએ ઇન્ડ્સ્ટ્રી અને જી.પી..સી.બી. તેમજ પાણી અને કૃષિ અંગેના તેમજ અન્ય સંબંધિત પ્રશ્નો અને સમસ્યાઓની રજૂઆત કરી હતી તેમજ સમસ્યાઓના નિરાકરણ માટે ઝડપથી અમલમાં મુકી શકાય તે માટે જરુરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, મેયર ડો. પ્રદીપ ડવ, વિવિધ તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખો અને સદસ્યો, અગ્રણી મનસુખભાઈ ખારચિયા, કલેકટર પ્રભવ જોષી, અધિક કલેક્ટર એસ. જે. ખાચર, જીલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નગરપાલિકા ઓના કમિશનર ડો. ધીમંત વ્યાસ, ડેપ્યુટી મ્યુનિ. કમિશનર અનિલ ધામેલિયા, વરિષ્ઠ વન સંરક્ષક અધિકારી ઓ ડો. સંદીપ કુમાર, તુષાર પટેલ, ચિરાગ અમીન, સિંચાઇ વિભાગના સુપ્રિ. એન્જી. ચાંદની ગણાત્રા, પાણી પૂરવઠા વિભાગના અધિક્ષક ઇજનેર કોમલ અડાલજા, જિલ્લાની વિવિધ નગરપાલિકાઓના વહીવટદારો અને ચીફ ઓફીસરો, તેમજ સંબંધિત વિભાગના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.