અબતક, નવી દિલ્હી : ટ્વિટરનું પક્ષી હવે જાણે ફડફડાઇ રહ્યું છે. પોતાની આડોડાઇના કારણે તેને એક પછી એક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ અનેક વિવાદોમાં સપડાયા બાદ હવે ફરી ટ્વિટર નવા વિવાદમાં આવી છે. જેમાં દિલ્હી પોલીસે ચાઈલ્ડ પોર્નોગ્રાફી સાથે જોડાયેલા મામલામાં ટ્વિટરની વિરુદ્ધ પોકસોનો કેસ નોંધ્યો છે. સાથે દિલ્હી પોલીસે ટ્વિટર પાસે ચાઈલ્ડ પોર્નોગ્રાફીનું કન્ટેન્ટ શેર કરતા એકાઉન્ટની પણ માહિતી માંગી છે.
રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા આયોગની ફરિયાદના આધારે દિલ્હી પોલીસે ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લઈને નવો કેસ દાખલ કર્યો
યુએસની સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર નવા આઈટી કાયદાનું સંપૂર્ણ રીતે પાલન કરતું ન હોય તેની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. ટ્વિટર વિરુદ્ધ મંગળવારે ચોથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ટ્વિટર પર ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લઈને નવો કેસ દાખલ કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસની સાયબર સેલે બાળકો સાશે સંકળાયેલા અશ્લીલ કન્ટેન્ટને લઈને આ કેસ દાખલ કર્યો છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા આયોગની ફરિયાદના આધારે ટ્વિટર વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવી છે.
દિલ્હી પોલીસની સાયબર સેલે ટ્વિટર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા આયોગે ફરિયાદ કરી હતી કે માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર બાળકોને લગતી અશ્લીલ સામગ્રી સતત પોસ્ટ કરવામાં આવી રહી છે. આયોગે ડીસીપી સાયબર સેલને 29 જૂનના રજૂ થવા નિર્દેશ પણ આપ્યો હતો. ટ્વિટર સામે પોક્સો એક્સ અને આઈટી એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
અગાઉ ઉત્તર પ્રદેશ પોલીસે ગાઝિયાબાદમાં એક મુસ્લિમ વૃદ્ધિને માર મારવાના વીડિયોના સંદર્ભમાં ટ્વિટર વિરુદ્ધ કોમી એકતા ડહોળવાના આરોપમાં કેસ દાખલ કર્યો હતો સાથે જ ટ્વિટર ઈન્ડિયાના એમડીને કાયદાકીય નોટિસ પાઠવી હતી. ભારતમાં ટ્વિટરના એમડી મનીષ માહેશ્વરીને નોટિસ મોકલવામાં આવી હતી.આ કેસમાં માહેશ્વરીને કર્ણાટક હાઈકોર્ટમાંથી રાહત મળી હતી. ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. બાદમાં ભારતના નક્શામાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ દર્શાવવાના કેસમાં પણ માહેશ્વરી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મધ્ય પ્રદેશમાં પણ આ મુદ્દે એક કેસ કરાયો હતો.
અત્યાર સુધીમાં ટ્વિટર સામે નોંધાયેલા 4 કેસ
- ગાઝિયાબાદ પોલીસે મુસ્લિમ વૃદ્ધ સાથે મારપીટ અને અભદ્રતાના મામલામાં ટ્વિટરની વિરુદ્ધ IPCની કલમ 153, 153-A, 295-A, 505, 120-B અને 34 અંતર્ગત FIR નોંધી હતી. પોલીસે 17 જૂને ટ્વિટર ઈન્ડિયાના MD મનીષ માહેશ્વરીને 7 દિવસમાં પોલીસ સમક્ષ રજૂ થવા માટે સમન્સ મોકલ્યું હતું.
- ટ્વિટરના MD મનીષ માહેશ્વરી પર બીજી FIR ઉત્તર પ્રદેશમાં જ મંગળવારે જ નોંધાઈ હતી. પોતાની સાઈટ પર દેશોનો ખોટો ઝંડો દેખાડવા પર બુલંદ શહેરમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલામાં બજરંગ દળના નેતા પ્રવીણ ભાટી તરફથી ફરિયાદ કરવામાં આવી હતી.
- પોતાની સાઈટ પર દેશનો ખોટો નક્શો દેખાડવાના મામલામાં મંગળવારે જ મધ્યપ્રદેશના સાઈબર સેલે ટ્વિટર ઈન્ડિયાના MD મનીષ માહેશ્વરીની વિરુદ્ધ IT એક્ટના સેક્શન 505 અંતર્ગત કેસ નોંધ્યો.
- ટ્વિટર પર ત્રીજી FIR મંગળવારે દિલ્હી પોલીસના સાઈબર સેલે નોંધી છે. ચાઈલ્ડ પોર્નોગ્રાફિક કન્ટેન્ટના મામલામાં આ કેસ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગની ફરિયાદ પર નોંધાયો.
અમેરિકાના નિયમો માનો છો તો ભારતના કેમ નહિ?: ટ્વિટરને રવિશંકર પ્રસાદનો ટોણો
બુધવારે કેન્દ્રીય આઇટી પ્રધાન રવિશંકર પ્રસાદે ટ્વિટરને ટાંકીને કહ્યું હતું કે, માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ જો યુએસ કાયદાને લાગુ કરે છે. તો તે ભારતમાં કાર્ય કરતી વખતે સ્થાનિક કાયદાઓનું પણ ધ્યાન રાખવું જોઈએ. મંત્રીએ જણાવ્યું કે યુએસના ડિજિટલ મિલેનિયમ કોપીરાઈટ એક્ટ હેઠળ ચાર વર્ષ પહેલાં કરવામાં આવેલી ફરિયાદ પર ગયા અઠવાડિયે ટ્વિટરએ એક કલાક માટે તેમનું ખાતું બ્લોલ કર્યું હતું. આ મામલે તેઓએ ઉમેર્યું કે જો તમે અમેરિકાના ડિજિટલ મિલેનિયમ કોપીરાઇટ અધિનિયમનો ઉપયોગ કરવા જઇ રહ્યા છો.
તો તમારે ભારતના કોપીરાઇટ નિયમોનું પણ ધ્યાન રાખવું પડશે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે સોશિયલ મીડિયા કંપનીઓ ભારતમાં વેપાર કરવા માટે સ્વતંત્ર છે પરંતુ તેઓએ ભારતીય બંધારણ અને કાયદા પ્રત્યે જવાબદાર રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે ગત મહિને અમલમાં આવેલા નવા ડિજિટલ નિયમોનું સંપૂર્ણ પાલન કરવામાં ટ્વિટર નિષ્ફળ થયું ત્યારે સૌથી મોટો ફ્લેશપોઇન્ટ ઉભરી આવ્યો.
ગૂગલ ઉપર કોપીરાઇટનો કકળાટ: એક માસમાં અધધ 26 હજારથી વધુ ફરિયાદ
ગૂગલને દેશભરમાંથી એપ્રિલ માસમાં 27,762 ફરિયાદો મળી હતી. જેના આધારે ગુગલે 59 હજાર જેટલા ક્ધટેન્ટ પ્લેટફોર્મ પરથી હટાવ્યા છે. વધુમાં ગુગલને જે ફરિયાદો મળી તેમાં મોટાભાગની એટલે કે 96 ટકા ફરિયાદો કોપીરાઇટની મળી હતી. જ્યારે 1.3 ટકા ટ્રેડમાર્ક, 1 ટકા ડેફેમેશન, 0.4 ટકા કાઉન્ટરફેટ અને 0.1 ટકા સર્ક્યુમવેશનની ફરીયાદ હતી. આ અહેવાલ ભારતના નવા આઇટી નિયમો, 2021નું પાલન કરવા માટે પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેમાં નોંધપાત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે કે જેમાં દર મહિને 50 લાખથી વધુ વપરાશકર્તાઓ છે. ઉલ્લેખનીય છે કે હાલ સોશિયલ મીડિયામાં કોપીરાઇટનો કકળાટ જોવા મળી રહ્યો છે. માત્ર એક માસમાં અધધધ 26650 જેટલી ફરિયાદો મળી છે.