જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જળપ્લવિત અને દરિયા કાંઠા વિસ્તારોમાં હાલ પક્ષી ગણતરી ચાલી રહી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં વિવિધ સ્થળો પર ર00 થી વધુ પ્રજાતિના પક્ષી નોંધાયા છે. જેમાં સૌથી વધુ જામનગર જીલ્લાના જોડીયા તાલુકાની આસપાસ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાઇ પટ્ટી વિસ્તારમાં જોવા મળ્યાનું વન વિભાગના પક્ષી ગણતરી દરમિયાન જણાવ્યું હતું.
19 પક્ષી વિદ્દો, 74 ફોરેસ્ટના અધિકારીઓ દ્વારા પક્ષી ગણતરી કરાઇ
દેશભરમાં સમયાંતરે જળપ્લવિત તથા દરિયા કાંઠાના વિસ્તારોમાં શિયાળાની ઋતુમાં પક્ષીઓની ગણતરી કરવામાં આવે છે. ભારત આખામાં ગુજરાત રાજય સૌથી વધુ જળપ્લવિત વિસ્તાર ધરાવે છે. તેથી આ ક્ષેત્રમાં મોટી સંખ્યામાં યાયાવર પક્ષી એટલે કે વિદેશથી પક્ષીઓ આવતા હોય છે. જેને અનુલક્ષીને સમગ્ર ગુજરાતમાં પક્ષી ગણતરી ચાલી રહી છે. જે અંતર્ગત હાલાર પંથકના દ્વારકા જિલ્લાના દરીયાઇ પટ્ટી વિસ્તારો તેમજ જોડીયા, સિકકા, લાલપુર, ધ્રોલ, જામજોધપુર સહિતની 61 અલગ અલગ જળપ્લવિત તથા દરિયા કાંઠા વિસ્તારોમાં 19 પક્ષી વિદ્ો, 74 વન વિભાગના અધિકારીઓ દ્વારા પક્ષી ગણતરી હાથ ધરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં જોડીયાથી ખારા બેરાજા સુધીના વિસ્તારોમાં, બેડી, ઢીચડા તળાવ પાસે અને દ્વારકા જીલ્લામાં દરિયાઇ પટ્ટીના વિસ્તારોમાં ર00 થી વધુ પ્રજાતિના પક્ષીઓ નોંધાયા છે. અને ઉલ્લેખનીય છે કે હજુ પણ કાલથી બે દિવસ પક્ષી ગણતરી કરવામાં આવશે.
પીરોટન અને નરારા ટાપુ અલભ્ય અને સમૃદ્ધ દરિયાઇ જીવસૃષ્ટિનો ખજાનો છે
ગુજરાતનો દરિયાકિનારો દેશમાં સૌથી મોટો છે, એમાં પણ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લો જૈવ વૈવિધ્યતા માટે ખાસ વિશિષ્ટતા ધરાવે છે. અહીં રહેલી વાતાવરણની અનુકૂળતા અને ભૌગોલિક વિવિધતાના કારણે દરિયાઇ જીવસૃષ્ટિ, પરવાળા અને ચેરના જંગલોની વિશાળ શ્રેણી જોવા મળે છે. આ બંને જિલ્લાઓમાં ફેલાયેલા મરીન નેશનલ પાર્કમાં આવેલા પીરોટન, નરારા, કાલુભાર, ભૈદર, ચાંક, અજાડ ટાપુઓ પર અલભ્ય અને લુપ્ત થતી દરિયાઇ જીવસૃષ્ટિ જોવા મળશે.
ગણતરી દરમિયાન જોવા મળેલ યાયાવર પક્ષીઓ
હાલારમાં પક્ષી ગણતરી દરમિયાન મલાર્ડ, ર્સ્ટોક, ફલાયકેચર, ફલેમિંગો, પેલીકેન, ક્રેન, ઇગલ, પ્લોવર, લેપવીંગ, ટર્ન, નોટ વિવિધ પ્રજાતિના બેબલર, સનબર્ડ, વિવિધ પ્રિનિયા, લાર્ક વુડપેકર, બીઇટર, કિંગફિશર, હેરોન, કોરમોરન્ટ, સેન્ડપાઇપર, ગોડવિટ, કરલ્યુનો સમાવેશ થાય છે.
આ વિવિધ વિસ્તાર માં જોવા મળ્યા યાયાવર પક્ષીઓ
જોડીયા, બાલંભા, આમરણ, કુનડ, બાલાચડી, પીરોટન ખીજડીયા , જોડિયા થી ખારાં બેરોજા સુધીના જળપ્લાવિત વિસ્તારો , જામનગર, ધિંચડા, સરમત, ધ્રોલ, લાલપુર, જામ જોધપુર આસપાસના દરિયા કાંઠા વિસ્તાર, જલ પ્લાવિત વિસ્તાર, તળાવ, ચેક ડેમ, ડેમ, સોલ્ટ પાન વિસ્તાર તથા બંધારા વિસ્તારમાં વિવિધ પ્રજાતિ ના પક્ષીઓ જોવા મળ્યા.
ભાગ્યેજ દેખાતા ગ્રે લેગ ગીસ હવે દર શિયાળામાં ખીજડીયા અભ્યારણ્યમાં જોવા મળે: જામસાહેબ શત્રુશલ્યસિંહજી
જામનગરના ખીજડીયા પક્ષી અભ્યારણમાં મોટી સંખ્યામાં ગ્રે લેગ ગુઝ પક્ષી જોવા મળતા જામનગરના નામદાર મહારાજા જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ પોતાના અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે ગ્રેલેગ ગીસ જામનગરમાં પહેલા ભાગ્યે જ ચાર પાંચ જોવા મળતા હતા.
પરંતુ હવે હજારો ગ્રેલેગ ગીસ શિયાળામાં ખીજડીયા અભ્યારણ્યના મહેમાન બને છે. જે ગૌરવની વાત છે. અને પક્ષી પ્રેમીઓ પર્યાવરણ પ્રેમીઓ બહોળી સંખ્યામાં અભ્યારણ્યની મુલાકાત લે છે.
શિયાળામાં પેલીકન, ડક, હેરોન, બીઇટર સહિતના પક્ષીઓ હાલારના મહેમાન બને છે: પ્રતિક જોશી
‘અબતક’ સાથેની વાતચીતમાં ફોરેસ્ટ અધિકારી પ્રતિક જોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજયના વન વિભાગ દ્વારા પક્ષી ગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે. જેની બે તબકકામાં પક્ષી ગણતરી અંતર્ગત તા. 17, રર અને ર4 ડિસેમ્બરે પ્રથમ તબકકાની ગણતરી પૂર્ણ થઇ છે.
બીજા તબકકાની ગણતરી કાલથી બે દિવસ યોજાશે. આ પક્ષી ગણતરી દરમિયાન જામનગર જિલ્લાના જળપ્લાવિત તથા દ્વારકાના દરીયાઇ વિસ્તારમાં 19 જેટલા પક્ષીવિદો અને 74 વન વિભાગના અધિકારીઓ પક્ષી ગણતરી કરી રહ્યાં છે. આ તમામ મતગણતરી દરમિયાન જે પણ ડેટા ભેગા થશે તેનું સંકલનના ભાગે રુપે ‘ઇ બર્ડના’ માઘ્યમથી હાથ ધરાશે. આ ગણતરીમાં જળપ્લાવિત અને યાયાવર પક્ષીઓને પ્રાધાન્ય અપાશે. માયગ્રેટેડ પક્ષીઓ કે જે શિયાળાની ઋતુમાં આપણા વિસ્તારોમાં આવે છે.